(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની ભવિષ્યની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બાંધવામાં આવનારા ગારગાઈ બંધને લગતો પ્રસ્તાવ બુધવારે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો પણ આ પ્રોજેક્ટ માટે પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાને બદલે બે હજાર રોડ રૂપિયાના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો નિર્ણય યોગ્ય હોવાનો મુદ્દો ઉદ્ધવ ઠાકરેના નગરસેવકોએ રાખ્યો હતો. તો ગારગાઈ બંધ પ્રોજેક્ટને કારણે મુંબઈને વધારાનું ૪૪૦ મિલ્યિન લિટર પાણી ઉપલબ્ધ થશે એવું કહીને ભાજપના નગરસેવકોએ ઠાકરે સેનાના નગરસેવકોના મુદ્દાનો વિરોધ કર્યો હતો. આ દરમ્યાન ગારગાઈ બંધ પ્રોજેક્ટ અને દરિયાના પાણીના મુદ્દે ભાજપ અને ઠાકરે સેનાના નગરસેવકો સામ-સામે થઈ ગયા હતા. આ દરમ્યાન સ્થાયી સમિતિના અધ્યક્ષે ગારગાઈ પ્રોજેક્ટનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસન પાસે ફેરવિચાર માટે મોકલી આપ્યો હતો.
મુંબઈગરાની રોજની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વધારાનું પાણી ઉપલબ્ધ થવું જોઈએ તે માટે ગારગાઈ પ્રોજેકેટ અમલમાં મૂકવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટમાં ૩,૧૦,૦૦૦ ઝાડનું પુન:રોપણ કરવામાં આવવાનું છે, પણ તે કયા કરવામાં આવવાનું છે અને અસરગ્રસ્ત ગામનું પુનર્વસન કયા કરવામાં આવવાનું છે? તેમ જ આ પ્રોજેક્ટનો ખર્ચ છેલ્લા ૧૪ વર્ષમાં ૧૧ ટકાથી વધી ગયો છે વગેરે મુદ્દા પરથી સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના ખર્ચ પર સવાલ કરીને પ્રોજેક્ટની ઊંડાણમાં માહિતી આપવાની માગણી ભાજપના નગરસેવકોએ કરી હતી. જોકે ગારગાઈ બંધ જેવા ખર્ચાળ અને પર્યાવરણને હાનિ પહોંચાડનારા પ્રોજેક્ટને બદલે દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો ડિસાલિનેશનનો પ્રોજેક્ટ મુંબઈમાં ઊભો કરો એવી માગણી ઠાકરેની સેનાના નગરસેવકોએ કરી હતી.
૨૦૨૦માં આ પ્રોજેક્ટની મૂળ કિંમત ૩,૧૦૫ કરોડ રૂપિયા હતી અને હવે મૂળ કિંમત સહિત જુદા જુદા કર સાથે મળીને હવે પ્રોજેક્ટનો ખર્ચ ૫,૩૯૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી પણ હજી બાકી છે. તેના પરથી બુધવારે સ્થાયી સમિતિમાં ચર્ચા થઈ હતી. ભાજપના સભાગૃહ નેતા ગણેશ ખણકરે આ પ્રોજેક્ટની કિંમતમાં ૧૧ ટકાનો વધારો થયો હોવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તો આ પ્રોજેક્ટ મુંબઈગરા માટે આવશ્યક હોઈ તેનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હોવાનો દાવો પ્રશાસને કર્યો હતો. તેની સામે ભાજપના નગરસેવકોએ આ રકમ કયા આધારે વધી ગઈ સહિત પુનર્વસન વગેરેને મુદ્દા રજૂ કરીને પ્રસ્તાવને મંજૂરી આપવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તો કૉંગ્રેસે પણ ખર્ચમાં વધારા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમ જ તમામ પ્રકારની મંજૂરી આવતી નથી ત્યાં સુધી ગાર્ગઈ પ્રોજેક્ટનો પ્રસ્તાવ સ્વીકારવો નહીં અને તેને ફરી પાલિકા પાસે મોકલી દેવાની તમામ નગરસેવકોએ માગણી કરી હતી.