અમરેલી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામેલો અને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો બનેલા બગદાણા પ્રકરણને લગતા સમાચાર ચર્ચામાં છે. ભલે આ સમાચારને માયાભાઇ આહીરના દીકરા જીરાય આહીર સાથે સબંધ નથી પણ અમરેલી જિલ્લાની એક તાલુકા પંચાયતની બેઠક પર માયાભાઇ આહીરના દીકરીને ટિકિટ આપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના રાજકારણમાં બગદાણા બાદ હવે ચાવંડ બેઠક પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરી સોનલબેન ડેરની રાજનીતિમાં એન્ટ્રી થઈ છે. ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન મોનીલભાઈ ડેરએ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. આ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય જનક તળાવિયા, સાંસદ ભરત સુતરીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમને સમર્થન જાહેર કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનલબેન ડેર અમરેલી જિલ્લા ભાજપના કદાવર આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે. ઉલ્લેખનીય છે કે ડેર પરિવારનો આ બેઠક પર વર્ષોથી પ્રભાવ રહ્યો છે, ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની પણ આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. હવે પરિવારના વારસાને આગળ ધપાવતા માયાભાઇ આહીરના દીકરી સોનલબેને રાજકીય મેદાનમાં ઝંપલાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સાહ અને ચર્ચા જોવા મળી રહી છે.