Sun Jul 26 2026

Logo

બિહારમાં CMના ચહેરાને લઈ સસ્પેન્સ યથાવત્: આ 4 સમીકરણ પર ખેલાશે દાવ

2026-03-06 19:16:09
Author: Mumbai Samachar Team
Article Image

પટણાઃ આ વર્ષે માર્ચ મહિનામાં દેશનું હવામાન જ નથી બદલાયું બિહારની રાજનીતિમાં પણ મૌસમ બદલી રહ્યો છે. નીતીશકુમારે રાજ્યસભામાં બેસવાનો નિર્ણય કર્યા બાદ અને નામાંકન ભર્યા બાદ હવે બિહારના નાથ કોણ એ અંગે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. એ વાત તો નક્કી છે કે, આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોઈ મોકો ચૂકે એમ નથી. મુખ્યમંત્રી પદે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બિરાજમાન થશે પણ એ ચહેરો કોણ એ અંગે સસ્પેન્સ યથાવત છે. મોટા પદ પર ચહેરાઓને લઈને ભારતીય જનતા પાર્ટીની નીતિ હરહંમેશ સરપ્રાઈઝ આપવાની રહી છે. બિહારમાં પણ આવું થાય એવી શક્યતાને અત્યારે નકારી શકાય એમ નથી. 

રાજકીય અને સામાજિક પાસું

દેશની ચૂંટણીમાં ભલે વિકાસના નામે મતની માગ થતી હોય પણ જ્યારે ઉમેદવારની વાત આવે ત્યારે પ્રાધાન્ય સામાજિક અને જ્ઞાતિના પાસાને આપવામાં આવે છે. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે એ પહેલા સામાજિક અને રાજકીય પાસુ અવશ્ય જોવામાં આવશે.

જાતિય સમીકરણનો પ્રયોગ કર્યા બાદ એકમોટો નિર્ણય લેવાશે. આ પાછળનું કારણ એ છે કે, બિહારના રાજકારણમાં સામાજિક સંતુલન એક મોટો મુદ્દો છે. નવો ચહેરો ક્યા સમાજમાંથી, કઈ જાતિમાંથી અને કઈ જ્ઞાતિમાંથી છે એના પર સૌની નજર છે. આ સાથે જે તે સમાજનો પ્રભાવ, બીજા સમાજ સાથેના સંબંધો, સમુદાય અને સંપ્રદાય પર એનું પ્રભુત્વ આ તમામ મુદ્દાઓ અસર કરે છે. પછાતવર્ગ, અતિ પછાત વર્ગ, દલિત, સવર્ણ અને ઉચ્ચ જાતિના સમુદાયો વચ્ચે સંગઠન સાથે સંતુલન બની રહે સત્તાની રાજનીતિનું પહેલું પગથિયું છે. 

BJP અને JDU વચ્ચે સહયોગ જરૂરી

જ્યારે કોઈ રાજકીય પાર્ટી સત્તા સુધી પહોંચે છે એમાં સંગઠન મહત્ત્વનું હોય છે. બિહારની રાજનીતિમાં આ પાસું સંગઠન કરતા સહયોગ પર વધારે નિર્ભર છે. જેડીયુની સહમતી હોવી આ મુખ્યમંત્રીના ચહેરા માટે અનિવાર્ય છે.બિહારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, સંગઠિત અને સંબંધો પણ સારા સાચવી રહી છે. સરકાર ચલાવવા માટે જેડીયુને તે હાલ અવગણી શકે એમ નથી, પડતી મૂકી શકે એમ નથી.

સરકાર ચલાવવા માટે જેડીયુનો સાથ બિહારમાં અનિવાર્ય છે. જો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ મુખ્યમંત્રી તરીકે આવે છે તોએ પણ જોવામાં આવશે કે, જેડીયું એ ચહેરા પર સહમતી કેવી છે અને કેટલી છે? જેડીયુની સહમતી વગર ભારતીય જનતા પાર્ટી પોતે નિર્ણય લઈને અમલી બનાવશે તો અંદરોઅંદર અસંતોષના બીજ રોપાશે. 

નીતીશકુમારનો નિર્ણય

જેડીયુ તરફથી નીતીશકુમાર કોઈ મોટો નિર્ણય લઈ શકે. આ પહેલા પાર્ટી સંગઠન, બેઠક અને જે તે પસંગીના ચહેરને લઈને અંદરોઅંદર સહમતી હોવી અનિવાર્ય છે. આવું એટલા માટે કારણ કે, ભારતીય જનતા પાર્ટી હરહંમેશ મોટા પદને લઈને છેક સુધી સસ્પેન્સ જાળવી રાખે છે. જે પણ ચહેરાની પસંગી થાય એ જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકાર્ય હોવો જોઈએ. મુખ્યમંત્રી પદે આવનાર વ્યક્તિ એવો હોવો જોઈએ જેને પાર્ટી ધારાસભ્ય, નેતા, કાર્યકર્તા અને આગેવાન સ્વીકારી શકે.

આમ પણ સર્વસ્વીકૃતિ વચ્ચે અટવાયેલી રાજનીતિમાં હાલ ઉનાળું ગરમી કરતા વધારે ગરમાવો છે. હાઈકમાન્ડના સમર્થન સાથે સંગઠનની સ્વીકૃતિ હોવી જરૂરી છે. આનાથી વિપરિત સ્થિતિ થાય તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ પડે. જે પણ વ્યક્તિની સંગઠન પર પકડ મજબૂત અને જે સંતુલન જાળવી શકે એનું પ્રાધાન્ય રહેશે. 

હાઈકમાન્ડનો નિર્ણય

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડનો નિર્ણય સર્વોપરી હોય છે. બિહારના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા પહેલા કરતા વધારે મજબૂત હવે બની રહી છે. એવામાં મુખ્યમંત્રીના ચહેરા પર પસંદગીની મહોર હાઈકમાન્ડ લગાવી શકે છે. અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે. દિલ્હીમાં પણ જયારે સરકાર બની એ સમયે પણ ચૂંટણીની ગણતરી કરીને નિર્ણય લેવાયો હતો. દાવેદારી થશે પણ અંતિમ નિર્ણય ભારતીય જનતા પાર્ટી કરશે.