Tue Sep 29 2026

Logo

ભુજ ખાણ-ખનિજ કચેરીનો આઈટી એક્ઝિક્યુટિવ વચેટિયા મારફતે રૂ. ૫૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

2026-09-29 10:55:00
Author: Mumbai Samachar Team
ભુજ ખાણ-ખનિજ કચેરીનો આઈટી એક્ઝિક્યુટિવ વચેટિયા મારફતે રૂ. ૫૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

ભુજઃ ભુજ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનિજ કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતો આઈટી એક્ઝિક્યુટિવ તેના વચેટિયા મારફતે રૂ. ૫૦,૦૦૦ની લાંચ સ્વીકારતાં લાંચરુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના હાથે રંગેહાથ ઝડપાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજ ખાણ-ખનિજ કચેરીમાં કરાર આધારિત આઈટી એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નીતિન આચાર્ય (ઉ.વ.૩૦) સામે ફરિયાદીએ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની વર્ષ ૨૦૦૮માં મંજૂર થયેલી રેતીની લીઝનું સરકારી પોર્ટલ પરનું ઓનલાઇન એકાઉન્ટ કોઈ કારણોસર લૉક થઈ ગયું હતું. નિયમ મુજબ ખનન કરેલા ખનિજના વહન માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા અર્થે પોર્ટલ એકાઉન્ટ અનલૉક હોવું અનિવાર્ય છે.

આ કામકાજ અર્થે ફરિયાદીએ જીનીશ આચાર્યનો સંપર્ક કરતાં તેણે એકાઉન્ટ અનલૉક કરી આપવાના અવેજ પેટે રૂ. ૫૦,૦૦૦ની ગેરકાયદે લાંચની માગણી કરી હતી. જીનીશે લાંચના નાણાં પોતાના વતી વચેટિયા આશિષ કાળુ આચવડિયાને પહોંચતા કરી વહીવટ પતાવી દેવા જણાવ્યું હતું.

 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો. વચેટિયા આશિષે નાણાં સ્વીકારવા માટે ફરિયાદીને ભુજ-મુંદરા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ નજીક જોષી દહીંવડા સેન્ટર પાસે બોલાવ્યો હતો. ભુજ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે પૂર્વઆયોજિત છટકું ગોઠવીને રાખ્યું હતું. જેવો આશિષે ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી કે તુરંત એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

વચેટિયાની ધરપકડ બાદ એસીબીએ લાંચનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર આઈટી એક્ઝિક્યુટિવ જીનીશ આચાર્યની પણ તાત્કાલિક અટકાયત કરી લીધી હતી. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દર્જ કરી આગળની સઘન તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)