Wed Jun 10 2026

Logo

ભુજમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પરથી લારી-ગલ્લાના દબાણ હટાવ ઝુંબેશ: ૧૭ રેંકડી જપ્ત, ૫૦ ને નોટિસ

2026-06-10 14:44:54
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથો અને જાહેર માર્ગો પર આડેધડ ખડકાઈ ગયેલા લારી-ગલ્લાના દબાણો સામે ભુજ નગરપાલિકા તંત્રે આખરે લાલઆંખ કરી છે. ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા મુન્દ્રા રોડ પરના ભુજહાટથી લઈને લેવા પટેલ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર આવેલી તમામ સરકારી કચેરીઓ આગળ ધોંસ બોલાવીને મોટા પાયે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૭ જેટલી ગેરકાયદેસર રેંકડી-કેબિનો જપ્ત કરવામાં આવી છે, જ્યારે ૪૫ થી ૫૦ ધંધાર્થીઓને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસે રોડ પર નડતરરૂપ બનતા ખુરશીઓ, કાઉન્ટરો અને ગેસચૂલા સહિતનો અન્ય સામાન પણ જપ્ત કર્યો હતો. સુધરાઇના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના ધંધાર્થીઓને અગાઉથી નોટિસ આપીને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે માંડવી ઓક્ટ્રોય સામે જગ્યા ફાળવવામાં આવી હતી, તેમ છતાં તેઓ ત્યાં સ્થળાંતર કરવા તૈયાર ન થતાં આખરે કાયદાકીય બળપ્રયોગ કરવો પડ્યો હતો.

બીજી તરફ, જે ધંધાર્થીઓના લારી-ગલ્લા હટાવવામાં આવ્યા છે તેમણે તંત્રની આ કામગીરી સામે ઉગ્ર વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે ભુજના આઇકોનિક હમીરસર તળાવ સહીત અસંખ્ય વિસ્તારોમાં મોટા પાયે દબાણો હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર માત્ર ભાનુશાલીનગર અને લેવા પટેલ હોસ્પિટલ માર્ગને જ કેમ નિશાન બનાવવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે ભુજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનમ રિંગરોડ, છઠ્ઠીબારી રિંગરોડ, હોસ્પિટલ રોડ, વી. ડી. હાઇસ્કૂલથી માતૃછાયા રોડ તેમજ ભાનુશાલીનગર સહિતના પોશ વિસ્તારોમાં ફૂટપાથો પર ખાણી-પીણીના ધંધાર્થીઓએ અડિંગો જમાવ્યો છે. નજીવો સફાઈ ચાર્જ ભરીને આખેઆખી ફૂટપાથો દબાવી લેવાતી હોવાથી સામાન્ય નાગરિકોને ચાલવા માટે જગ્યા બચી નથી, જેને કારણે લોકોને જીવના જોખમે મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. શહેરના જાગૃત નાગરિકોની માંગ છે કે આ બાબતે જિલ્લા કલેક્ટર પોતે અંગત રસ દાખવે અને આર.ટી.ઓ., નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ બનાવીને સમગ્ર શહેરમાંથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો કાયમી ધોરણે દૂર કરાવે જેથી શહેરીજનોને આ હાલાકીમાંથી કાયમ માટે મુક્તિ મળે.

(ઉત્સવ વૈદ્ય)