નવ નગરસેવકો પક્ષથી છૂટા પડીને કૉંગ્રેસના ગઠબંધનને આપ્યું સમર્થન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગયા મહિને થયેલી પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા તેના બાવીસ નગરસેવકોમાંથી નવ નગરસેવકોએ પક્ષથી છૂટા પડીને ભિવંડી સેક્યુલર ફ્રન્ટ (બીએસએફ) નામનું અલગ જૂથ બનાવીને કૉંગ્રેસની આગેવાની હેઠળના જોડાણને સમર્થન જાહેર કર્યું છે. તેથી ભિવંડીમાં પોતાનો મેયર બેસાડવાના ભાજપનુંં સપનુંં રોળાઈ જવાની શક્યતા છે. તો કૉંગ્રેસ પાસે પૂરતું સંખ્યાંબળ હોવાથી તેમના ઉમેદવારનો મૅયર પદે ચૂંટાવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
બીએસએફના સમર્થનથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના ગઠબંધનને ૯૦ સભ્યોની સંસ્થામાંથી ૪૬ના આંકડાને પાર કરી ગયું છેે. કૉંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ ભાજપથી અલગ થનારા નવ નગરસેવકોએ કૉંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ભિવંડીમાં રાજકીય સ્તરે થયેલી આ ઉથલપાથલથી ભાજપને મોટો ફટકો પડયો છે. પક્ષમાં પડેલા ભંગાણ બાદ તેણે મૅયર પદનો ઉમેદવાર પણ બદલી નાખ્યો છે. તો સમાજવાદી પાર્ટીમાં અહીં ભંગાણ પડતા તેઓેએ બાદમાં અહીં શિવસેનાને ટેકો આપ્યો હતો.
ગયે મહિને થયેલી પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૩૦ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. એ સાથે જ તેઓ હવે પોતાનો મેયર અને ડેપ્યુટી મેયર બેસાડી શકશેે. ચૂંટણીમાં ભાજપને બાવીસ, શિવસેનાને ૧૨, રાષ્ટ્રવાદીકૉંગ્રેસ (શરદ પવાર)ને ૧૨ અને સમાજવાદી પાર્ટીને છ, કોણાર્ક વિકાસ આઘાડીને ચાર અને ભિવંડી વિકાસ આઘાડીને ત્રણ બેઠકો મળી હતી. એક અપક્ષ ઉમેદવાર પણ અહીં જીત્યો હતો.
આ દરમ્યાન ભાજપથી અલગ થયેલા નગરસેવકોએ પોતાનું અલગ ગ્રૂપ બનાવીને કૉંગ્રેસ-એનસીપી-એસપીના ગઠબંધનને સમર્થન આપતા અહીં કૉંગ્રેસનો મેયર બનશે એ નક્કી છે.
તો બીજી તરફ ચૂંટણીમાં બાવીસ નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે, છતાં ભાજપ પણ મૅયર પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની છે. જોકે પક્ષના નવ નગરસેવકોએ અલગ થઈને પોતાનું અલગ ગ્રૂપ બનાવતા રાજકીયણ ઉથલપાથલ પગલે તેણે પોતાનો મૅયર પદનો ઉમેદવાર પણ બદલી નાખ્યો છે. અગાઉ મૅયર પદ માટે નારાયણ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પણ હવે ભાજપના શહેરાધ્યક્ષના લેટરહેડ પર સ્નેહા પાટીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. છતાં નારાયણ ચૌધરીએ પણ મેયર પદ માટેની પોતાની ઉમેદવારીપત્રક હજી સુધી પાછું ખેંચ્યુ ન હોવાનું જાણવા મળ્યું હતું.