મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ભાયંદર ખાડી રેલવે બ્રિજ પર કેટલાક યુવકો જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે અને પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી એરણે ચઢ્યો છે. વીડિયોમાં યુવકો સીડીના સહારે બ્રિજના નીચેના ભાગે પહોંચતા રેલિંગ પર લટકતા અને રેલ સ્ટ્રક્ચર પર ભીતચિત્રો દોરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ઘટનાને ગંભીર ગણાવી વેસ્ટર્ન રેલવે, ડીઆરએમ, આરપીએફ અને રેલવે મંત્રાલયને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી તથા સ્થળની સુરક્ષા તપાસની માંગ કરી હતી. રેલવેના બ્રિજ પર આ પ્રકારની પ્રવૃત્તિથી અકસ્માતનું મોટું જોખમ નિર્માણ થઈ શકે છે અને હજારો પ્રવાસીઓના જીવ જોખમાઈ શકે છે.
આ સોશિયલ મીડિયા પરની ફરિયાદ રેલવે સેવાના ધ્યાન પર આવતા સત્તાવાર સપોર્ટ એકાઉન્ટે ફરિયાદીને તાત્કાલિક કાર્યવાહી માટે મોબાઇલ નંબર ડાયરેક્ટ મેસેજ મારફતે શેર કરવા જણાવ્યું હતું. સાથે જ રેલમદદ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અથવા 139 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વીડિયો શરૂઆતમાં ‘sectorurbex’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને બે લાખથી વધુ વ્યૂઝ તથા 4,500થી વધુ લાઈક્સ મળ્યાનો દાવો છે. જોકે, અપલોડરે વીડિયો એઆઈ જનરેટેડ હોવાનો દાવો કર્યો છે, જેની હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
Urgent attention required! Damage to railway property at Bhayandar Creek Bridge is a serious safety concern. Request@WesternRly@drmbct@rpfwr1@RailMadad@RailMinIndia
— Chetna Raja (@ChetnaRaja) August 11, 2026
to urgently inspect the site, secure the area and take appropriate action against those responsible. pic.twitter.com/b7IIcrdst6
હાલમાં વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ થઈ છે કે નહીં અથવા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી રેલવે દ્વારા અપાઈ નથી. પરંતુ આ સમગ્ર ઘટના બાદ રેલવે સુરક્ષાનો મુદ્દો ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.