Fri May 22 2026

Logo

બે સંતાનને બસમાં છોડી માતા પ્રેમી સાથે ભાગી ગઈ

2026-05-21 18:44:00
Author: Yogesh C Patel
Article Image

પિતાનો મોબાઈલ નંબર અને સરનામું લખેલી ચિઠ્ઠી બાળકને આપી મહિલા બસમાંથી ઊતરી ગઈ અને પછી પ્રેમી સાથે સ્કૂટર પર રવાના થઈ

બીડ: બે માસૂમ સંતાનને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં છોડીને માતા પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની આંચકાજનક ઘટના બીડ જિલ્લામાં બની હતી. પિતાનો મોબાઈલ નંબર અને યવતમાળનું સરનામું લખેલી ચિઠ્ઠી બાળકના શર્ટના ખીસામાં મૂકી મહિલા બસમાંથી ઊતરી ગઈ હતી અને પછી પ્રેમી સાથે સ્કૂટર પર બેસી રફુચક્કર થઈ ગઈ હતી.શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલતી બસમાં રડતા બાળકો તરફ ક્ધડક્ટરનું ધ્યાન ગયું હતું. બાળકની આસપાસ તેમના કોઈ વાલી ન હોવાની ખાતરી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ યવતમાળમાં રહેતી મહિલા બન્ને સંતાન સાથે તુળજાપુર-સંભાજીનગરની એસટી બસમાં રવિવારે ચઢી હતી. પછી એક ચિઠ્ઠી બાળકને સોંપી મહિલા માર્ગમાં બસ ઊભી રહી ત્યારે બસમાંથી ઊતરી ગઈ હતી.કહેવાય છે કે બસની પાછળ મહિલાનો પ્રેમી સ્કૂટર પર આવતો હતો. બસ એક સ્ટોપ પર ઊભી રહી ત્યારે પ્રેમી સ્કૂટર પર ત્યાં પહોંચ્યો હતો. પછી બસમાંથી ઊતરેલી મહિલાને સ્કૂટર પર બેસાડી બન્ને રવાના થઈ ગયાં હતાં.

થોડો સમય પછી બાળક રડવા લાગ્યા ત્યારે ક્ધડક્ટરે તેમને પૂછ્યું હતું. તેમની પાસેથી મળેલી ચિઠ્ઠીમાં ‘આ બાળકો સાથે કોઈ વાલી નથી. મહેરબાની કરીને તેમને યવતમાળ પહોંચાડવાની તસ્દી લેશો અને બન્ને સુરક્ષિત પહોંચ્યા હોવાની ખાતરી કરશો,’ એવા મતલબનું લખાણ હતું. એ સિવાય યવતમાળનું સરનામું અને બાળકોના નાનાનો મોબાઈલ નંબર પણ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યો હતો, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બાળકોને સુરક્ષિત કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પછી તેમને કાસર તહેસીલમાં શિરુર નજીક આરવી ખાતેના ચાઈલ્ડ કૅર હોમમાં મોકલી દેવાયા હતા, એમ સ્થાનિક ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીએ જણાવ્યું હતું.દરમિયાન પોલીસે ચિઠ્ઠીમાંના નંબર પર કૉલ કરી બાળકોના નાનાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને 18 મેના બીડ બોલાવવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે નાના સાથેની વાતચીતમાં દોહિત્રો કરતાં તેમની દીકરી પોતાની સાથે લઈ ગયેલી સ્કૂટર, મોબાઈલ ફોન અને 20 હજાર રૂપિયાની ચિંતા વધુ હોવાનું જણાયું હતું. આ મામલે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે. (પીટીઆઈ)