Sun Mar 08 2026

Logo

BNP ને બમ્પર બહુમતી, પરંતુ લઘુમતીઓ હાંસિયામાં: જાણો નવા બાંગ્લાદેશમાં શું છે સ્થિતિ?

Dhaka   2 weeks ago
Author: Tejas Rajpara
Article Image

 

ઢાંકા: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોએ દેશના રાજકીય નકશાને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. 209 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરીને હવે તારિક રહેમાન વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર બન્યા છે. જોકે, આ ભવ્ય જીત વચ્ચે લઘુમતી સમુદાયના પ્રતિનિધિત્વને લઈને ગંભીર ચર્ચાઓ જાગી છે, કારણ કે નવી સંસંદમાં લઘુમતીઓનો હિસ્સો ઘણો સીમિત જોવા મળ રહ્યો છે.

આ વખતે ચૂંટણીના મેદાનમાં કુલ 79 લઘુમતી ઉમેદવારો ઉતર્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 4 ઉમેદવારો જ વિજયી થયા છે. આ ચારેય વિજેતા ઉમેદવારો BNP પક્ષના છે. હિન્દુ સમુદાયની વાત કરીએ તો માત્ર 2 ઉમેદવારો, ગોયેશ્વર ચંદ્ર રોય અને નિતાઈ રોય ચૌધરી જ સંસદ સુધી પહોંચી શક્યા છે. આ બંને નેતાઓએ જમાત-એ-ઇસ્લામીના ઉમેદવારોને હરાવીને જીત મેળવી છે. આ ઉપરાંત, બૌદ્ધ ધર્મમાંથી આવતા સચિન પ્રૂ અને દીપેન દીવાન પણ વિજયી થયા છે. 17 કરોડની વસ્તીમાં 8 ટકા હિસ્સો ધરાવતા હિન્દુઓ માટે સંસદમાં આ નહિવત્ પ્રતિનિધિત્વ ચિંતાનો વિષય બન્યું છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ, બાંગ્લાદેશની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPB) એ સૌથી વધુ 17 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ સિવાય ડાબેરી પક્ષો અને બાંગ્લાદેશ માઈનોરિટી જનતા પાર્ટીએ પણ અનેક લઘુમતી નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા. એક ઐતિહાસિક વળાંક તરીકે, કટ્ટરપંથી પક્ષ જમાત-એ-ઇસ્લામીએ પણ પ્રથમ વખત એક હિન્દુ ઉમેદવારને ટિકિટ આપી હતી. જોકે, જનતાનો ઝોક સ્પષ્ટપણે BNP તરફ રહ્યો, જેણે કુલ 6 લઘુમતી ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી 4 સફળ રહ્યા છે.

મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલા અને હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે દેશભરમાં અરાજકતાનો માહોલ હતો. આ સ્થિતિમાં, વડાપ્રધાન પદ સંભાળતા પહેલા તારિક રહેમાને દેશમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ખાતરી આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "આપણી વિચારધારા અલગ હોઈ શકે, પણ દેશના હિતમાં આપણે એક રહેવું પડશે." રહેમાને વિભાજનને નબળાઈ ગણાવી રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો છે.