Mon Aug 31 2026

Logo

મહિલાની આત્મહત્યાના બે મહિના પછી મોબાઈલમાંથી મળી ‘સુસાઈડ નોટ’

2026-07-19 17:26:43
Author: Yogesh C. Patel
મહિલાની આત્મહત્યાના બે મહિના પછી મોબાઈલમાંથી મળી ‘સુસાઈડ નોટ’

નવી મુંબઈમાં રહેતા પિતા-પુત્ર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો

થાણે: બદલાપુરના ફ્લૅટમાં ગળાફાંસો ખાઈ કથિત આપઘાત કરનારી મહિલાના મોબાઈલ ફોનમાંથી બે મહિને એક ‘સુસાઈડ નોટ’ મળી આવી હતી, જેને આધારે પોલીસે નવી મુંબઈમાં રહેતા પિતા-પુત્ર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને મેમાં કથિત આત્મહત્યા કરનારી 46 વર્ષની મહિલાના પુત્રએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે 16 જુલાઈએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલા મુંબઈની ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. નવી મુંબઈમાં રહેતા આરોપી સાગર શિવાજી મોરે સાથે તેને લગ્નબાહ્ય સંબંધો હતા.

મહિલા સોમથી શુક્રવાર ચેમ્બુરમાં પરિવાર સાથે રહેતી હતી, પરંતુ વીકએન્ડ્સ તે બદલાપુરના ફ્લૅટમાં વિતાવતી. 26 મેની સવારે મહિલાએ દીકરાના ફોન કૉલ્સ રિસીવ કર્યા નહોતા. પરિણામે ફૅમિલી ફ્રેન્ડ્સ અને સગા બદલાપુર ગયા હતા. ફ્લૅટનો દરવાજો અંદરથી લૉક હોવાથી તોડવામાં આવ્યો હતો. ફ્લૅટમાંથી સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

માતાના મૃત્યુ બાદ દીકરો તેના મોબાઈલમાં ખાંખાંખોળાં કરતો હતો. તે સમયે દીકરાને એક નોટ મળી આવી હતી, જેમાં માતાએ પોલીસને આગ્રહભરી વિનંતી કરી હતી કે પિતા-પુત્રની ધરપકડ કરવી, જ્યારે દીકરાની તેણે માફી માગી હતી.

ફરિયાદ અનુસાર સાગર મોરેના મહિલા સાથે સંબંધ હતા અને અનેક વખત તે મહિલા સાથે રહેતો પણ હતો. મહિલાના પરિચિતો અને સહકર્મચારીઓએ પણ છેલ્લા અનેક મહિનાથી સાગર તેની સતામણી કરતો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)