અમરાવતી: અમરાવતી જિલ્લામાં ભાજપના વિધાનસભ્યના ભાઇની ‘હત્યાનું કાવતરું’ ઘડવાના આરોપસર પોલીસે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.અચલપુરના ચાંદુર બજાર પોલીસ સ્ટેશનમાં બચ્ચુ કડુ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બચ્ચુ કડુ અગાઉ અચલપુર વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય હતા, જેનું પ્રતિનિધિત્વ હાલ ભાજપના વિધાનસભ્ય પ્રવીણ તાયડે કરી રહ્યા છે. બચ્ચુ કડુ 2019થી 2022માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન રાજ્યમાં પ્રધાન હતા.
વિધાનસભ્ય પ્રવીણ તાયડેના ભાઇ અભિજિતે (40) નોંધાવેલી ફરિયાદ અનુસાર ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુ અને શુભમ ઉર્ફે ગોલુ માહુરેએ માર્ગ અકસ્માતમાં તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. તાયડેએ દાવો કર્યો છે કે તેણે પોતાના મોબાઇલ ફોન પર આ કાવતરા સંબંધી વાર્તાલાપ રેકોર્ડ કર્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદીએ ઑડિયો રેકોર્ડિંગ ધરાવતી પેન ડ્રાઇવ સુપરત કરી છે, જેની ખરાઇ કરવા માટે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે. આ આરોપો ગંભીર છે અને અમે તમામ પાસાંની કાળજીપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદને આધારે અમે બચ્ચુ કડુ સહિત બે જણ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 (ફોજદારી કાવતરું), 55 (ગુનો કરવા પ્રવૃત્ત કરવું) અને 58 (ગુનો કરવા કાવતરું ઘડવું) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
અમે ઑડિયો રેકોર્ડિંગની વિશ્ર્વસનીયતા તપાસ કરી રહ્યા છીએ અને વધુ પુરાવા ભેગા કરી રહ્યા છીએ. આ તબક્કે કોઇ તારણ કાઢી શકાય એમ નથી. ખરાઇ કર્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)