Mon Aug 31 2026

Logo

આસામમાં ભાજપે 88 ઉમેદવારોના નામ કર્યા જાહેર, બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડીને આવેલા નેતાને મળી ટિકિટ

2026-03-19 13:07:00
Author: Mayur Patel
આસામમાં ભાજપે 88 ઉમેદવારોના નામ કર્યા જાહેર, બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડીને આવેલા નેતાને મળી ટિકિટ

નવી દિલ્હીઃ આસામમાં 9 એપ્રિલ 2026ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 88 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે.  સીએમ હિંમતા બિસ્વા સરમા જાલુકબારી સીટથી ચૂંટણી લડશે. દિસપુર સીટથી પ્રદ્યુત બોરદોલાઈને ટિકિટ આપવામાં આવી છે. બોરદોલાઈ નાગાંવ લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ હતા અને મંગળવારે જે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.  બુધવારે તેઓ ભાજપમાં જોડાયા અને આજે તેમને ટિકિટ આપવામાં આવી હતી.

હિમંતા બિસ્બા સરમા જાલુકબારી સીટથી સતત પાંચ વખત જીતી ચુક્યા છે. ભાજપના આ લિસ્ટમાં છ મહિલા ઉમેદવારોના નામ છે. આસામ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાને બિહપુરિયા સીટથી ટિકિટ આપવામાં આવી છે.

કેટલાક નવા અને યુવા ઉમેદવારનો પણ ટિકિટ

આસામમાં કટેલા નવા અને યુવા ચહેરાને પણ ટિકિટ આપવામાં આવી છે. મહિલાઓ અને આદિવાસી વિસ્તારોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અશ્વિના રાય સરકારને ગોલકગંજથી, ઉત્તમ પ્રસાદને ધુબરીથી, માધવી દાસને બિરસિંગ જારુઆથી, બિજૉય માલાકારને રામકૃષ્ણ નગરથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બુધવારે મળી હતી. જેમાં પીએમ મોદી, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો સામેલ થયા હતા. બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ નીતિન નબીને કરી હતી.