Wed Sep 02 2026

Logo

આશા ભોસલે, પાર્શ્વગાયનના સુવર્ણ યુગનો અંતિમ સ્તંભ તૂટ્યો

2026-04-13 09:47:00
Author: Bharat Bharadwaj
આશા ભોસલે, પાર્શ્વગાયનના સુવર્ણ યુગનો અંતિમ સ્તંભ તૂટ્યો

 

 

 

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

 

રવિવારે મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા એ સાથે જ ભારતીય ફિલ્મ સંગીતનો એક યુગ પૂરો થયો. 92 વર્ષનાં આશાતાઈને હાર્ટ એટેક આવતાં શનિવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં પણ તેમના પરિવારે ચિંતાનું કોઈ કારણ નહીં હોવાનું કહેલું. આશાતાઈનાં પૌત્રી જનાઈ ભોસલેએ કહેલું કે, આશાજીને થાક અને છાતીમાં તકલીફ છે પણ બહુ જલદી સ્વસ્થ થઈ જશે. કમનસીબે આ વાત સાચી ના પડી અને રવિવારે તેમના નિધનના સમાચાર આવતાં આખા દેશને આંચકો લાગી ગયો. 

 

આશાજીના નિધન સાથે હિંદી ફિલ્મોમાં પાર્શ્વગાયનના સુવર્ણયુગનો છેલ્લો સ્તંભ પણ તૂટી ગયો. મોહમ્મદ રફી, કિશોરકુમાર અને મુકેશ એ ત્રણ મહાન પુરૂષ ગાયકો તો બહુ પહેલાં વિદાય થઈ ગયેલા પણ લતા અને આશા જીવંત હતાં તેથી પાર્શ્વગાયનના સુવર્ણ યુગની યાદો તાજી થયા કરતી. સવા ચાર વરસ પહેલાં 6 ફેબ્રુઆરી, 2022ના આશાજીનાં મોટાં બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકરનું નિધન થતાં આ જોડી ખંડિત થઈ હતી. હવે આશાજીની પણ વિદાય થતાં સંપૂર્ણ શૂન્યાવકાશ થઈ ગયો છે, સંગીતના સુવર્ણયુગનાં તમામ પાત્રો વિદાય થઈ ગયાં છે. 

 

આશા ભોસલેએ હિંદી ફિલ્મ સંગીતમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. આશા ભોસલેની છાપ મસ્તીભર્યા ડાન્સ નંબર્સ અને કેબરે ટાઈપનાં ગીતો ગાનારાં ગાયિકા તરીકેની છે પણ વાસ્તવમાં આશાજીએ તમામ પ્રકારનાં ગીતો ગાયાં છે. કાજલનાં મેરે ભૈયા મેરે ચંદા, મેરે અનમોલ રતન જેવાં આંખોમાં આંસુ લાવી દે એવાં ગીતોથી માંડીને ઓ નિર્મોહી જેવું ભક્તિભાવપૂર્ણ ગીત પણ આશાજીએ ગાયું છે. 

 

કજરા મોહબ્બતવાલા ગાનારાં આશા ભોસલેએ ગાંધીજી પર રચાયેલું દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ પણ ગાયું છે ને ઉમરાવજાનની સહરીયારે લખેલી બેનમૂન ગઝલો પણ ગાઈ છે.  આશા ભોસલે વધારે જાણીતાં તેમના  તીણા અને માદક અવાજમાં ગવાયેલાં ગીતોના કારણે બન્યાં અને 1960ના દાયકાની સાધના, આશા પારેખ, બબિતા વગેરે સ્ટાઈલિશ એક્ટ્રેસીસના અવાજ તરીકે જાણીતાં બન્યાં પણ વાસ્તવમાં નૂતન અને મધુબાલા જેવી અભિનેત્રીઓ માટે પણ આશાજીએ પોતાનો અવાજ આપ્યો છે. નૂતન માટે આશા ભોસલેએ ગાયેલું છોડ દો આંચલ અને મધુબાલા માટે ગાયેલું અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના ગીતો સાંભળો તો આશા ભોસલેના અવાજના ફેન થઈ જાઓ. 

 

આશા ભોસલેની સફળતામાં ઓ.પી. નય્યર, રવિ અને રાહુલ દેવ બર્મન એ ત્રણ સંગીતકારોનું યોગદાન મોટું છે. નય્યરે ગમે તે કારણસર લતા મંગેશકર પાસે તેમની કારકિર્દીમાં કદી એક પણ ગીત ના ગવડાવ્યું પણ આશા ભોસલે પાસે પુષ્ક ગવડાવ્યું. ગાયકોમાં મોહમ્મદ રફી અને ગાયિકાઓમાં આશા ભોસલે નય્યરના ફેવરિટ હતાં. બલકે નય્યરે જ આશા ભોંસલેને નવી ઓળખ આપી. 1950ના દાયકાની શરૂઆત સુધીમાં લતા મંગેશકર હિન્દી ફિલ્મોમાં શ્રેષ્ઠ ગાયિકા તરીકે સ્થાપિત થઈ ગયાં હતાં જ્યારે આશા ભોસલે સંઘર્ષ કરતાં હતાં. 

 

ગીતા દત્ત અને સમશાદ બેગમની પણ બોલબાલા હતી જ્યારે આશા ભોસલેને રડ્યાંખડ્યાં ગીતો મળતાં. એ વખતે 1952માં નય્યરે છમ છમા છમ ફિલ્મમાં આશા ભોસલે પાસે એક સાથે 10 ગીતો ગવડાવીને મોટો બ્રેક આપેલો. આ ગીતો બ્લોકબસ્ટર નહોતાં પણ આશાના અવાજની તેના કારણે નોંધ લેવાઈ. નય્યરે આશા પાસે ગીતો ગવડાવવાનું ચાલુ રાખ્યું અને 1957માં આશા ભોસલેને જે સફળતાની જરૂર હતી એ નયા દૌરના સંગીતે આપી. ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી અને માંગ કે સાથ તુમ્હારા જેવાં ગીતોની લોકપ્રિયતા પછી આશાએ કદી પાછું વળીને જોવું ના પડ્યું. નય્યર માટે 1960નો દાયકો જબરદસ્ત સફળતાનો હતો. આ દરેક ફિલ્મમાં નય્યરે આશાને યાદગાર સોલો અને મોહમ્મદ રફી સાથે ડ્યુએટ્સ આપ્યાં. 

 

રવિએ પણ આશા ભોસલેની સફળતામાં મોટું યોગદાન આપ્યું. રવિએ આશા ભોસલેને પહેલી તક 1955માં વચન ફિલ્મમાં આપી. વચનની લોરી ચંદા મામા દૂર કે.....આશા ભોસલેએ ગાઈ હતી ને આ ગીત અમર થઈ ગયું. વચનમાં 8 ગીત હતાં ને બધાંમાં આશા ભોસેનો અવાજ હતો. રફી સાથેનું જબ લિયા હાથ મેં હાથ, નિભાના સાથ તો લવર્સનું પ્રતિજ્ઞાપત્ર જ બની ગયેલું ને આજેય છે. રવિ બી.આર. ચોપરાના માનીતા સંગીતકાર હતા ને છેક 1980ના દાયકા સુધી રવિએ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપ્યું. ચોપરાની વક્ત, આદમી ઔર ઈન્સાન, ઈત્તેફાક, ધુંધ વગેરે ફિલ્મોમાં આશાએ યાદગાર ગીતો ગાયાં છે. 

 

રાહુલ દેવ બર્મન સાથે આશાએ 1980માં બીજાં લગ્ન કર્યાં એ પહેલાંથી બંનેની જોડી સંગીતની દુનિયામાં ધૂમ મચાવી ચૂકી હતી. નય્યરની જેમ આર.ડી.એ પણ આશા ભોસલેને નવી ઓળખ આપી. આપણે શરૂઆતમાં જ વાત કરી એ આશાની કેબરે ડાન્સનાં ગાયિકા તરીકેની ઓળખ ઊભી કરવામાં પંચમદાનું યોગદાન મોટું છે. પિયા તુ અબ તો આજા (કારવાં), દમ મારો દમ (હરે રામ હરે કૃષ્ણ) અને દુનિયા મેં લોગોં કો ધોખા કભી હો જાતા હૈ (અપના દેશ) એ ત્રણ ગીતોએ આશાજીને આ ઓળખ આપી. આ ત્રણેય ગીત પંચમદાએ કમ્પોઝ કરેલાં. પંચમે આશા પાસે બીજાં પણ ઘણાં સુંદર ગીતો ગવડાવ્યાં પણ લોકોને વધારે યાદ આ ગીતો જ રહ્યાં છે એ હકીકત છે. 

 

આશા ભોસલેની કારકિર્દીના વાત કરીએ ને ખય્યામની વાત ના કરીએ તો ના ચાલે કેમ કે આશાની કારકિર્દીનું સુવર્ણ શિખર ઉમરાવજાન ખય્યામના સંગીતથી મઢેલું છે.  ખય્યામ છેક 1950થી આશા પાસે ગીતો ગવડાવતા અને બંનેએ ઘણા લોકપ્રિય ગીતો આપ્યાં પણ ઉમરાવજાનમાં ખય્યામે કમાલ કરી નાંખેલી. સહરીયારની ઈન આંખો કી મસ્તી કે, યે ક્યા જગા હૈ દોસ્તોં, દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે, જુસ્તજુ જિસ કી થી ઉસ કો તો ના પાયા હમ ને અને જબ ભી મિલતી હૈ મુઝે અજનબી લગતી ક્યોં હૈ એ પાંચ ગઝલોએ આશા ભોસલેને કાકકિર્દીમાં કદી ના મળી હોય એવી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા અપાવી દીધી. લતા મંગેશકરના પડછાયામાં  રહેલાં આશા ભોસલેને લતા મંગેશકરની હારોહાર લાવીને ઉભાં કરી દીધાં. 

 

સંચિનદેવ બર્મન, ભપ્પી લાહિરી, એ.આર. રહેમાન, શંકર જયકિશન, જયદેવ વગેરે સંગીતકારોએ પણ આશા ભોસલેના અવાજનો બખૂબી ઉપયોગ કરીને યાદગાર ગીતો સર્જ્યાં. આ ગીતોની સંખ્યા એટલી બધી છે કે એક લેખમાં તેનો ઉલ્લેખ પણ શક્ય નથી પણ આ ગીતો સાંભળશો તો આશાજી કેવાં મહાન ગાયિકા હતાં તેનો અંદાજ ચોક્કસ આવશે. આશાજી નથી રહ્યાં પણ તેમનો અવાજ આપણી સાથે છે, તેમનાં ગીતો આપણી સાથે છે તેથી આપણે કદી તેમને ભૂલી શકવાના તો નથી જ.

 

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.