Thu Aug 20 2026

Logo

પાકિસ્તાન શર્મનાક હાલતમાંઃ વર્લ્ડ ચૅમ્પિયન નદીમ ભારતના ત્રણેય સ્પર્ધક સામે ઝાંખો પડતાં જ હૉટેલ ભેગો થઈ ગયો!

Glasgow   2026-08-01 20:17:00
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગોઃ ભાલાફેંકમાં પાકિસ્તાનનો અર્શદ નદીમ ઑલિમ્પિક ચૅમ્પિયન છે તેમ જ કૉમનવેલ્થ ગેમ્સમાં શુક્રવાર પહેલાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતો, પણ શુક્રવારે ગ્લાસગોમાં કૉમનવેલ્થમાં તેનો જે ફિયાસ્કો થયો એ ખુદ નદીમ તેમ જ તેના ચાહકો વર્ષો સુધી નહીં ભૂલે, કારણકે નદીમ ભારતના ત્રણેય સ્પર્ધક (નીરજ ચોપડા, યશવીર સિંહ, રોહિત યાદવ) સામે ઝાંખો પડ્યો હતો, કુલ છમાંથી પહેલા ત્રણ રાઉન્ડમાં ખરાબ પર્ફોર્મન્સને કારણે વહેલો સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયો હતો જેને કારણે તે પોતાના પર એટલો બધો નિરાશ હતો કે સ્પર્ધાના સ્થળે તાબડતોબ પૅક-અપ કરીને સીધો ગ્લાસગોની હૉટેલ ભેગો થઈ ગયો હતો.

90-પ્લસ થ્રો માટે જાણીતા નદીમનો 80-પ્લસ થ્રો પણ નહોતો

છેલ્લા બે વર્ષમાં ભાલો વારંવાર 90-પ્લસ મીટર દૂર ફેંકનાર નદીમ 2024ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં 92.97 મીટરના થ્રો સાથે ચૅમ્પિયન બન્યો હતો. એ પહેલાં, તેણે 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એટલે શુક્રવારની ગ્લાસગોની ઇવેન્ટમાં તેના પર આખા પાકિસ્તાને ખૂબ આશા રાખી હતી. જોકે છ રાઉન્ડની ફાઇનલ શરૂ થતાં જ ખરાબ પર્ફોર્મન્સને કારણે તેની નામોશી થઈ હતી.

આંગળી લાઈનને અડી એટલે નદીમનો થ્રો રદ

પહેલા રાઉન્ડમાં નદીમ (Nadeem)ના નામે ફાઉલ લખાઈ ગયું હતું. ભાલો ફેંકતી વખતે તેના પગની આંગળી સ્ક્રેચ લાઇનને અડી જતાં તેના એ થ્રોને રદ જાહેર કરવામાં આવ્યો હતો. બીજા થ્રોમાં તેણે ભાલો 77.41 મીટર દૂર ફેંક્યો હતો. તે ભાલો 80-પ્લસ મીટર દૂર પણ નહોતો ફેંકી શક્યો. જોકે ત્યાં સુધીમાં નીરજ ચોપડા 85.83 મીટરના થ્રો સાથે તમામ સ્પર્ધકોમાં મોખરે હતો. ત્રીજા રાઉન્ડમાં નદીમનો વારો આવતાં તેણે ભાલો (Javelin) માત્ર 75.39 મીટર દૂર ફેંકી શક્યો હતો અને ત્યારે તેણે ચાલતી પકડવાનો સમય આવી ગયો.

એ તબક્કે કુલ 12માંથી (નીરજ, યશવીર, રોહિત યાદવ સહિત) જે આઠ સ્પર્ધકના પર્ફોર્મન્સ શ્રેષ્ઠ હતા તેમને ઇવેન્ટમાં જાળવી રાખવામાં આવ્યા અને નદીમ સહિતના ચાર સ્પર્ધકને બહાર કરી દેવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં છેવટે શ્રીલંકાનો રુમેશ થરંગા પથિરાગે 89.85 મીટરના બેસ્ટ થ્રો બદલ ગોલ્ડ મેડલ, નીરજ ચોપડા (85.83 મીટર) સિલ્વર મેડલ અને યશવીર સિંહ (85.41 મીટર) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.