Tue Apr 21 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ નોર્વેજિયન ઓઇલ મ્યુઝિયમમાં નોર્વેની તેલથી તરબતર ફેરી ટેલ...

2026-03-14 07:52:53
Author: પ્રતીક્ષા થાનકી
Article Image

પ્રતીક્ષા થાનકી

ગયા વર્ષે નોર્વેના સ્ટાવાન્ગરમાં નોર્વેજિયન ઓઇલ મ્યુઝિયમમાં નેચરલ ફયુઅલના પાઠ ભણ્યા હતા ત્યારે ક્યાં ખબર હતી કે જ્યાં સુધીમાં તેના વિષે લખવાનું આવશે ત્યાં સુધીમાં પેટ્રોલ અને ગેસનો વિષય બરાબર ટોપિકલ બની ગયો હશે. એટલું જ નહીં, દુનિયામાં ફલાઇટો પણ ફરી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. વળી પાછા દુનિયાના હવાઈ રસ્તાઓ રોકાઈ રહૃાા છે. આવતા અઠવાડિયે પોલેન્ડ જવાનું છે અને તેના પછીના મહિને ગ્વાટામાલા. બંને ટ્રિપ સાવ રિલેક્સ થઈને તો નહીં જ જઈ શકાય તે નક્કી છે, છતાંય દુનિયા તો રાબેતા મુજબ ચાલ્યા જ કરે છે. 

આખો ને આખો કોવિડ ટાઇમ પૂરો થઈ ગયો, છતાંય બધું હતું ત્યાં ને ત્યાં જ હોય તેવું લાગે છે. જો કોઈ એક સદી પછી કોમામાંથી બહાર આવે અને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટને બાદ કરી દો તો દુનિયાના પોલિટિકલ માહોલમાં પણ ફેશનની જેમ એના એ ટ્રેન્ડ રિપીટ થતા હોય તેવું લાગ્યા કરે છે. એવામાં દુનિયા વિષે વાંચવામાં, સ્થળોને જોવામાં અને જરૂર ન હોય તો શક્ય એટલું હાર્ડ ન્યૂઝથી દૂર રહેવામાં માનસિક શાંતિ જરૂર વર્તાય છે. 

માનસિક શાંતિનો ઓવરડોઝ છેલ્લે નોર્વેમાં અનુભવાયો હતો. તેમાંય સાંજે ભારતીય ભોજન જ કરવાનું હતું તે નક્કી થઈ ગયા પછી અમે સ્ટાવાન્ગરના સિટી સેન્ટર જઈને ત્યાંની સૌથી મહત્ત્વની સાઇટ, પેટ્રોલ મ્યુઝિયમ જોવા પહોંચી ગયેલાં. તેની સાથે ત્યાંની સૌથી ટ્રેન્ડી ગલીમાં કાફેમાં વરસાદમાં બહાર બેસીને કોકટેલ્સની પણ મજા લીધી. કોને ખબર હતી કે નોર્વે અંધારા કે અજવાળાની રાહ નથી જોતું તેમ નોર્વે મજા કરવા માટે વરસાદ રોકાવાની પણ રાહ નથી જોતું. 

જોકે અમે પહેલાં તો સીધાં મ્યુઝિયમના પાર્કિંગમાં પહોંચ્યાં અને નોર્વેનું ધન ક્યાંથી આવ્યું તેની ખરી વાર્તા જાણવામાં પડી ગયાં. મોટાભાગે જ્યારે પણ તેલની વાત આવે તો લોકોને પહેલાં મિડલ ઇસ્ટ અને અમેરિકા જ યાદ આવે. પણ નોર્વે તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય. હાલમાં તો ખાસ કરીને અમેરિકા અને ગ્રીનલેન્ડના લફરામાં અને ટ્રમ્પના નોબેલ પીસ પ્રાઇઝના ઓબ્સેશનના કારણે નોર્વે પર પણ વધુ ધ્યાન રહ્યું હતું, પણ ઓઈલ અને ગેસની શોધ પછી કઈ રીતે એક સાધારણ દેશની કાયાપલટ થઈ ગઈ હતી તે ફેરી-ટેલ માટે પણ નોર્વેના તે મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે. 

1960ના દશકમાં ઓફ શોર ઓઈલની શોધ થઇ તે પહેલાં બાકીના સ્કેન્ડિનેવિયાની જેમ જ ખેતી અને શિપિંગ અને મત્સ્યોધ્યોગ જેવું બધું નોર્વે દેશની ગાડી ગબડાવ્યે જતું હતું, પણ એક વાર 1960ના દશકમાં ઓઇલની શોધ ચાલી અને 1970ના દશકમાં તેના ફાયદા દેખાવા લાગ્યા. તે પછી નોર્વેની ગવર્નમેન્ટે ઓઇલની કમાણીને દુનિયાનાં સૌથી મોંઘા પેન્શન ફન્ડમાં એવી રીતે રોક્યા છે કે ત્યાંની સાવ મર્યાદિત પોપ્યુલેશનમાં લોકોને હવે રિટાયરમેન્ટ અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચરની જરાય ચિંતા નથી કરવી પડતી. 

મ્યુઝિયમે નોર્વેનાં નસીબ કઈ રીતે તેલના કારણે બદલાયાં તે હકીકતને વાર્તાની જેમ મજાથી રજૂ કરી છે. ઘણી મહત્ત્વની હિસ્ટોરિકલ ઘટનાઓની તસવીરો, વીડિયો રેકોર્ડિંગ્સ અને ડાયોરામા સ્ટેચ્યૂઝ સાથે દુનિયાભરમાં ઓઈલ અને ગેસની હિસ્ટ્રી પણ વધુ મજાથી જાણવા મળી. 

આખા મ્યુઝિયમનો મૂડ મિડલ ઇસ્ટની જેમ, જુઓ અમારી પાસે કેટલા પૈસા છે તેનો દેખાડો કરવાનો ન હતો. ત્યાં ખરેખર કુદરતને અને માણસોને વેલ્યૂ કરવાની વાત હતી. નોર્વે જેટલું રિચ છે એટલું જ મોંઘું પણ છે અને તેમ છતાંય ત્યાં જિંદગીની, સ્થાનિકોની અને મુલાકાતીઓની વેલ્યૂ તો અનુભવી શકાતી જ હતી. 

ઓઇલ એક્સટે્રક્શનમાં વપરાતાં ઘણાં સાધનોને ત્યાં આર્ટ ઇન્સ્ટોલેશનની જેમ ગોઠવેલાં હતાં. વળી બરાબર સ્ટાવાન્ગર યોર્ડના કિનારે તે મ્યુઝિયમે માત્ર માહિતી જ નહીં, વ્યૂ પણ પીરસીને જલસા કરાવી દીધા હતા. તેમાંય કઈ રીતે ઓફશોર ઓઇલ એક્સ્ટે્રક્શન એરિયામાં જઈને કામ કરવું પડે છે તેનું સિમ્યુલેશન કોઈ થીમ પાર્કથી કમ ન હતું. 

ઓઇલ પ્રોડક્શનની આધુનિક તકનિકોથી માંડીને ક્લાઇમેટ ચેન્જ અને એનર્જી ઇન્ડસ્ટ્રીના ફયુચર અંગે પણ ત્યાં વિગતે વાત થઈ હતી. ખરેખર કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી માટે તો આ મ્યુઝિયમ પણ પિકનિક આવવાની પણ મજા પડે તેવું લાગતું હતું. 

આજના સમયમાં ઓઇલને બોરિગ સબ્જેક્ટ કહી શકાય જ નહીં, છતાંય તે વિષય પર બે-ત્રણ કલાક વિતાવ્યા પછી પણ મજા આવે તેવું મ્યુઝિયમ બનાવવા માટે સ્કેન્ડિનેવિયન ક્રિયેટિવિટીને દાદ દેવી પડી. 

ત્યાં ઓઇલ અને ગેસ એક્સ્ટે્રક્શનનાં સાધનોનો ઉપયોગ કરીને પાર્ક બનાવવામાં આવેલો. તેમાં ક્યાંક ટે્રમ્પોલિન તો ક્યાંક ગ્રાફિટીવાળી પાઈપોમાં બાળકોને માટે ઝિપ લાઇનર જેવું બનાવેલું. ઘણી ચીજો પર મજાની ગ્રાફિટી પણ હતી જ. આ માહોલમાં હજી વરસાદ ચાલુ જ હતો. ત્રણેક કલાક મ્યુઝિયમમાં વિતાવ્યા પછી તો વરસાદમાં ત્યાંના આઉટડોર પાર્કમાં પણ લટાર મારી જોઈ. પોર્ટ સ્ટાવાન્ગર પર આ મ્યુઝિયમનો શેપ પણ કોઈ ઓફશોર ઓઇલ એક્સ્ટે્રક્શન પ્લેટફોર્મનો છે.

નોર્થ સીમાં વસેલા આ નાનકડા દેશમાં લોકો પાતાની જાતને અત્યંત મહત્ત્વનાં માને છે અને દુનિયાને ખાસ નજરે જુએ છે, છતાંય તેમને બહારની વાસ્તવિકતાનો ખ્યાલ નથી એ દિશામાં પણ ત્યાં લખાણ અને ચર્ચાઓ બતાવતા આર્ટિકલ મોજૂદ હતા. 

ઓઇલના વિષયને આ સ્તર પર મનોરંજક અને માહિતીસભર બનાવવા સાથે ત્યાં નોર્વેને ઓળખવાનો પણ મોકો મળ્યો હતો. આ પહેલાં માત્ર જનરલ નોલેજ મારફતે ઉપરછલ્લી માહિતી હતી કે નોર્વેમાં ઓઇલ મની છે. પણ તે આખો અનુભવ ત્યાંના દરેક મુલાકાતીને કરવા મળી જાય છે તે વાત ઘણી મજાની લાગી. બહાર સ્ટાવાન્ગર પોર્ટ પર વધુ થોડા ફોટા પાડીને અમે દિવસ આગળ વધાર્યો. અને અહીં દિવસ જ રહેવાનો હતો. નોર્વેમાં ઉનાળામાં રાત ક્યાં પડતી હોય છે.