ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં 1.24 લાખ કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ વિકાસની પ્રક્રિયા હેઠળ છે અને આ પ્રોજેક્ટસના કારણે ગુજરાતમાં હજારો લોકોને રોજગારી મળશે એવો વિશ્વાસ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ અને તકો સહિતના મુદ્દે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ ગાંધીનગરમાં 1 અને 2 માર્ચના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નવા રોકાણો અને કૌશલ્ય વિકાસ પહેલ અંગે જાહેરાતો થશે તેમ પણ મોઢવડિયાએ જણાવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી સેમિકન્ડક્ટર સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના ટોચના અધિકારીઓ હાજર રહેવાના છે.
આ કોન્ફરન્સ પહેલાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ અંગે માહિતી આપતાં કહ્યું કે, 1.24 લાખ કરોડ રૂપિયાના ગુજરાત સેમીકનેક્ટ પ્રોજેક્ટ્સના વિકાસ સાથે ગુજરાત દેશના સેમીકનેક્ટ હબ તરીકે ઉભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતાં ગુજરાત વિશ્વના સેમીકન્ડક્ટર નકશામાં આવી જશે.
ગુજરાત સેમીકનેક્ટ-૨૦૨૬નું આયોજન વૈશ્વિક અને સ્થાનિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ હિસ્સેદારોને એકસાથે લાવવા માટે કરાયું છે. આ કોન્ફરન્સ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય અદ્યતન ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપીને ગુજરાતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના લાંબા ગાળાના વિકાસને વેગ આપવાનો છે તમ મોઢવાડિયાએ જણાવ્યું હતું.