ભુજઃ અંજાર શહેરમાં ટ્યુશન ક્લાસ ચલાવતી એક ૨૫ વર્ષીય યુવતીને પોતાના ભાવિ પતિના ચારિત્રય અંગેની ગુપ્ત તપાસ કરાવવી ભારે પડી છે. સગાઈ થયેલા યુવકની જાસૂસી કરવાના બહાને પરિચયમાં આવેલા એક શખ્સે યુવતીને ચાકુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કટકે-કટકે રૂ. ૭,૫૦,૦૦૦ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી.
શું છે મામલો
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં રહીને ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતી પીડિત યુવતીએ અગાઉ પોતાના ક્લાસના પ્રચાર માટે પત્રિકાઓ છપાવી હતી. આ પત્રિકા પર લખેલા મોબાઈલ નંબરના આધારે આરોપી અનિશ જુણેજા નામના શખ્સે યુવતીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ શખ્સ પોતાના એક ડ્રાઈવર મિત્ર સાથે યુવતીના ઘરે અવારનવાર આવ-જા કરતો હોવાથી બંને વચ્ચે સામાન્ય ઓળખાણ થઈ હતી.
આ દરમિયાન યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ હતી, પરંતુ કોઈ કારણોસર ભાવિ પતિ સાથે અવારનવાર તકરાર થતી હોવાથી યુવતી તેના ચારિત્ર્ય વિશે જાણવા ઈચ્છતી હતી. પરિચયના નાતે યુવતીએ આરોપી અનિશ પાસે આ બાબતે મદદ માંગી હતી. આરોપીએ મદદ કરવાના બદલામાં નાણાંની માંગણી કરતાં યુવતીએ શરૂઆતમાં તેને રૂ. ૫૦,૦૦૦ આપ્યા હતા.
જો કે, આ પ્રાથમિક મદદ બાદ આરોપી અનિશ જુણેજાની દાનત બગડી હતી. તેણે યુવતીને રસ્તામાં રોકીને અથવા એકાંતનો લાભ લઈને વારંવાર છરી બતાવી ડરાવવાનું શરૂ કર્યું હતું અને 'રૂપિયા તો આપવા જ પડશે' તેમ કહી બ્લેકમેઇલિંગ આદર્યું હતું. બદનામી અને જાનના જોખમે હેબતાઈ ગયેલી યુવતી પોતાના ટ્યુશન ક્લાસની કમાણીમાંથી ક્યારેક રોકડા તો ક્યારેક ઓનલાઈન માધ્યમથી આરોપીને પૈસા ચૂકવતી રહી હતી. વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલો આ ક્રમ વર્ષ ૨૦૨૬ સુધી સતત ચાલુ રહ્યો હતો.
તાજેતરમાં આરોપીએ અંજારની યોગેશ્વર ચોકડી નજીક યુવતીને રસ્તામાં આંતરીને ફરી છરી બતાવી હતી અને 'જો હવે રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને તોડબાજીથી કંટાળીને આખરે યુવતીએ હિંમત ભેગી કરી અંજાર પોલીસ મથકે આપવીતી જાહેર કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી અનિશ જુણેજા વિરૂદ્ધ ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)