ક્યુબાના તેલ ભંડાર એના માટે આશીર્વાદ અને શ્રાપ બંને સાબિત થઈ શકે છે
પ્રાસંગિક - અમૂલ દવે
વૈશ્વિક રાજનીતિના ઈતિહાસમાં તેલ ક્યારેય માત્ર એક ઈંધણ રહ્યું નથી. તે હંમેશાં સત્તા- સંઘર્ષ - સામ્રાજ્યવાદનું મુખ્ય હથિયાર રહ્યું છે. છેલ્લા એક દાયકાના ઘટનાક્રમ પર નજર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે અમેરિકાની વિદેશ નીતિમાં ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક વર્ચસ્વ જાળવવા માટે દેશોના કુદરતી સંસાધનો પર અંકુશ મેળવવો એ પ્રાથમિકતા રહી છે. વેનેઝુએલા અને ઈરાન જેવા તેલ સમૃદ્ધ રાષ્ટ્રોને આર્થિક રીતે પાયમાલ કર્યા બાદ, હવે ભૌગોલિક રીતે અત્યંત નજીક એવા ક્યુબા તરફ અમેરિકાની નજર વળી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિશ્લેષણમાં આપણને ખ્યાલ આવી જશે કે કેવી રીતે તેલના ભંડાર ક્યુબાને અમેરિકાનું નવું ‘ટાર્ગેટ’ બનાવી શકે છે.
અમેરિકાની વ્યૂહરચના સમજવા માટે સૌ પ્રથમ વેનેઝુએલાના ઉદાહરણને જોવું જરૂરી છે. વેનેઝુએલા વિશ્વમાં સૌથી વધુ તેલના ભંડાર ધરાવતો દેશ છે. ડોનલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, અમેરિકાએ નિકોલસ માદુરોની સરકારને ઊથલાવવા માટે આકરા પ્રતિબંધો લાદ્યા હતા. તેનું કારણ માત્ર લોકશાહીની સ્થાપના નહોતું, પરંતુ વેનેઝુએલાના તેલ ઉદ્યોગમાં અમેરિકન કંપનીઓનો ફરીથી પ્રવેશ સુનિશ્ચિત કરવાનો હતો. ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું હતું કે જો અમેરિકન તેલ કંપનીઓ ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારશે તો જ તે દેશની આર્થિક સ્થિતિ સુધરી શકશે. આ જ નીતિ ઈરાન સામે પણ અપનાવવામાં આવી છે. ઈરાનના તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકીને અમેરિકાએ વૈશ્વિક બજારમાં ઈરાનના પ્રભાવને ઘટાડ્યો છે અને પોતાનાં હિતોને મજબૂત કર્યા છે.
હવે ક્યુબાની વાત પર આવીએ... કયુબા અમેરિકાના ફ્લોરિડા કિનારેથી માત્ર 90 માઈલ દૂર છે. 1959ની ક્યુબન ક્રાંતિને પગલે ફિદેલ કાસ્ટ્રોએ સત્તા સંભાળી અને અમેરિકન તેલ રિફાઈનરી તથા ખેતીવાડીની જમીનનું રાષ્ટ્રીયકરણ કર્યું, ત્યારથી જ અમેરિકા અને ક્યુબા વચ્ચે દુશ્મનાવટના બીજ રોપાયા હતા. શીત યુદ્ધ દરમિયાન ક્યુબાએ સોવિયત યુનિયન સાથે હાથ મિલાવ્યા અને સોવિયત મિસાઈલોને પોતાના દેશમાં સ્થાન આપ્યું, જેના કારણે અમેરિકા ખળભળી ઊઠ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી અમેરિકાએ ક્યુબા પર આર્થિક નાકાબંધી લાદી રાખી છે.
જો કે પ્રશ્ન એ થાય છે કે શું ક્યુબા પાસે એટલું તેલ છે કે અમેરિકા તેના માટે કોઈ મોટું સાહસ કરે? આંકડાઓ મુજબ, ક્યુબા પાસે હાલમાં લગભગ 124 મિલિયન બેરલ જેટલા પ્રમાણિત તેલ ભંડાર છે, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. ભૂસ્તરશાીઓના મતે, ક્યુબાના ઉત્તર કિનારે આવેલા દરિયાઈ વિસ્તારોમાં 4.6 અબજથી લઈને 20 અબજ બેરલ જેટલું તેલ છુપાયેલું હોઈ શકે છે. જો આ અંદાજો સાચા સાબિત થાય તો ક્યુબા રાતોરાત વિશ્વના મહત્ત્વના તેલ ઉત્પાદક દેશોની યાદીમાં આવી શકે છે. હાલમાં ક્યુબા પોતાની જરૂરિયાતના મોટાભાગનું તેલ વેનેઝુએલા અને મેક્સિકોથી આયાત કરે છે, કારણ કે અમેરિકાના પ્રતિબંધોને કારણે તે પોતાની રિફાઈનરીઓ અને ડ્રિલિંગ ટેકનોલોજી વિકસાવી શક્યું નથી.
ક્યુબાની લશ્કરી તાકાતની વાત કરીએ તો તે ઈરાન કે રશિયાની જેમ અદ્યતન મિસાઈલ સિસ્ટમ કે અત્યાધુનિક ડ્રોન્સ ધરાવતું નથી. આ નબળાઈ તેને અમેરિકા માટે લશ્કરી રીતે એક ‘સરળ લક્ષ્ય’ બનાવે છે. અમેરિકામાં ફરીથી ટ્રમ્પ વહીવટીતંત્રના આગમન સાથે જ ક્યુબા પર દબાણ વધ્યું છે. ટ્રમ્પે ક્યુબાને ‘સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ’ની યાદીમાં મૂક્યું છે અને પ્રવાસન તથા આર્થિક વ્યવહારો પર વધુ પ્રતિબંધો લાદ્યા છે. આ આર્થિક ગૂંગળામણનો મુખ્ય હેતુ ક્યુબાની સરકારને ઘૂંટણિયે લાવવાનો અને ત્યાંનાં સંસાધનોના માર્ગો ખોલવાનો છે.
ભૌગોલિક દૃષ્ટિએ પણ ક્યુબા અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વનું છે. જો ક્યુબામાં અમેરિકા સમર્થિત સરકાર આવે તો મેક્સિકોની ખાડીમાં અમેરિકાનું પ્રભુત્વ સંપૂર્ણ થઈ જાય. ક્યુબામાં તેલના કૂવાઓ વિકસાવવાથી અમેરિકાને લાંબે અંતરેથી તેલ મંગાવવાની જરૂર નહીં રહે, જેનાથી પરિવહન ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે. ઉપરાંત, ક્યુબામાં ભારે ક્રૂડ ઓઈલ મળે છે, જે વીજળી ઉત્પાદન માટે અત્યંત ઉપયોગી છે.
જોકે, આ લડાઈ માત્ર આર્થિક નથી, પણ વૈચારિક પણ છે. ક્યુબા દાયકાઓથી સામ્યવાદી વિચારધારા સાથે જોડાયેલું છે અને નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (અલિપ્ત આંદોલન)માં પણ સક્રિય રહ્યું છે. ક્યુબાના લોકોમાં અમેરિકા વિરોધી ભાવના ખૂબ જ પ્રબળ છે. અમેરિકા જ્યારે પણ માનવ અધિકાર કે લોકશાહીના નામે હસ્તક્ષેપ કરે છે ત્યારે ક્યુબા તેને તેની સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જુએ છે. ભૂતકાળમાં પણ અમેરિકાએ ક્યુબાના તેલ સંસાધનો અને જમીન પર કબજો કરવાના અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ રશિયા અને ચીન જેવા દેશની મદદથી ક્યુબાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના સંઘર્ષોને કારણે તેલના ભાવોમાં અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે અમેરિકા પોતાના પાડોશમાં જ નવા ઊર્જા સ્રોતો શોધવા માટે આતુર છે. ક્યુબાની ભૌગોલિક નિકટતા અને ત્યાંના સંભવિત તેલ ભંડારો તેને વેનેઝુએલા અને ઈરાન પછીનું આગામી મોટું લક્ષ્ય બનાવે છે, પરંતુ શું આંતરરાષ્ટ્રીય સમુદાય અમેરિકાના આવા સંભવિત હસ્તક્ષેપને સ્વીકારશે? સંયુક્ત રાષ્ટ્ર (UN) માં દર વર્ષે ક્યુબા પરથી પ્રતિબંધો હટાવવા માટે ઠરાવ પસાર થાય છે, જેમાં ભારત સહિતના મોટાભાગના દેશો ક્યુબાનું સમર્થન કરે છે.
નિષ્કર્ષમાં કહી શકાય કે, તેલ એ માત્ર એક કુદરતી સંપત્તિ નથી પરંતુ તે વિનાશનું કારણ પણ બની શકે છે. ક્યુબા માટે તેના તેલ ભંડારો આશીર્વાદ અને શ્રાપ બંને સાબિત થઈ શકે છે. જો તે આ સંસાધનોનો ઉપયોગ પોતાની આર્થિક સ્વતંત્રતા માટે કરી શકે તો તે સમૃદ્ધ બની શકે, પરંતુ અમેરિકાનાં હિતો અને વ્યૂહરચનાઓ જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં ક્યુબાએ પોતાની સાર્વભૌમત્વ બચાવવા માટે આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. વેનેઝુએલા અને ઈરાનની જેમ ક્યુબા પણ અમેરિકાના આર્થિક અને રાજકીય યુદ્ધનું નવું મેદાન બની શકે છે, જેની અસર સમગ્ર લેટિન અમેરિકા અને વિશ્વના ઊર્જા બજાર પર પડશે. અમેરિકાની ‘ઓઈલ ડિપ્લોમસી’ ક્યુબાના ભાવિને કઈ દિશામાં લઈ જાય છે, તે જોવું રસપ્રદ રહેશે.