Sun Sep 06 2026

Logo

એેમાં છે પૂર્વજોના અનુભવનો નિચોડ...

2026-05-06 13:20:00
Author: Kishor Vyas
એેમાં છે પૂર્વજોના અનુભવનો નિચોડ...

કચ્છી ચોવક - કિશોર વ્યાસ

કચ્છી ચોવકોમાં નીતરે છે પેઢી દર પેઢીના અનુભવનો નિચોડ. એ કહેવતો પરથી કચ્છના લોકસમૂહોની પરંપરાનો પણ અંદાજ આવે છે. ઘણું સંશોધન થયું છે. એમાં ‘નવનીત’ છે એટલે ચાલુ રહેશે. 1950માં દુલેરાય કારાણીએ કચ્છી કહેવતો પર ગ્રંથ બહાર પાડ્યો હતો.
 
પ્રક્રિયા અટકી નથી. ‘બાપાથી ઉપરવટ’ હવે કાંઈ ન થાય એ અર્થમાં નહીં, પણ હજુ વલોણાની જરૂર છે, એમ માનીને ઘણા સંશોધકો અવારનવાર તેના પર પ્રકાશ પાડે છે. છેલ્લે 2011માં કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં રહેતા એક દરજીના દીકરા ‘હરેશ દરજી’એ તનતોડ મહેનત કરીને ‘કચ્છી ચોવક કોષ’ બહાર પાડ્યો છે. હરેશ દરજી ‘કસભી’ ઉપનામથી સાહિત્ય સર્જન કરે છે.

કોઈ સંજોગથી ગયા બુધવારે વાચકો સુધી ‘કચ્છી ચોવક’ નહોતી પહોંચી શકી, પણ એથી પહેલાના અંકમાં છેલ્લે મૂકેલી ચોવકને માણીએ:

‘બારે બુધ, સોરેં સુધ, વીયેં, આવઈત આવઈ નીકાં વિઈ સમૂરી’

ગુજરાતીમાં પણ આવા સંદર્ભની કહેવત છે:

‘બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન’

બારમાં વર્ષે બુદ્ધિ, સોળમાં વર્ષેમાં સમજણ, વીસમાં વર્ષે ‘વાન’ એટલે ચામડીનો રંગ, બસ આ તબક્કામાં એ બધું વિકસ્યું તો ઠીક છે, બાકી, પછી એ ત્રણેય લક્ષણ નહીં આવે. એજ રીતે ઉંમરના વિવિધ તબક્કામાં પુરુષનો વિકાસ કેવો હોવો જોઈએ તે અંગેની એક રસપ્રદ ચોવક છે:

‘બારેં બુધી, સોરેં સુધી, વીયેં નરવંકો, ત્રીયેં તતો,

ચારીયેં તકો, પિંજાએ પકો, ને સઠેં થકો...’

બારમાં વર્ષે બુદ્ધિ, સોળમાં વરસે સંપૂર્ણ સમજ, વીસમાં વર્ષે સંપૂર્ણ પુરુષાતન, ત્રીસમેં તો તાંબા જેવા તેવર, ચાલીસમાં વર્ષે પુરુષાર્થી, પચાસે પહોંચે ત્યાં સુધી સંપૂર્ણપણે ‘પાકો’ થઈ જાય અને સાઈઠમાં વર્ષે થાકી જાય, મતલબ નિવૃત્તિના આરે આવી જાય!

એક કહેવત ‘યોગાનુયોગ’ના અર્થમાં છે: ‘કારી ચોડસ નેં શનિવાર કડેંક અચેં’ કાળી ચૌદસ અને શનિવાર ભાગ્યે જ એક સાથે આવે. 

આ તિથિઓને પણ ‘ચોવક’માં વણી લેવામાં આવી છે:

‘ચોથ ચોડસ નેં ચોપાઈયો, હાંની કરે પૂનમ જો જાયો;’

ચોથના અને ચૌદસના દિવસે ‘ચાર પગ’ વાળી કોઈ ચીજની ખરીદી ન થાય. સમજાવું? પશુ કે પલંગ કે ખાટલો... વગેરે. અને જે વ્યક્તિનો જન્મ પૂનમના દિવસે થયો હોય તેનો બહુ વિશ્ર્વાસ ન કરવો. અર્થની સત્યતા કેટલી ભરોસાપાત્ર છે, તે અંગે ટિપ્પણી કરી શકાય તેમ નથી, કારણ કે, તેમાં આપણા પૂર્વજોના અનુભવનો નિચોડ છે. 

કોઈ અવસર કે તહેવારનો દિવસ નજીક આવી જાય ત્યારે પણ તિથિનો પ્રયોગ ચોવકમાં કરવામાં આવ્યો છે, કહ્યું છે કે: ‘તેરસ આવઈ તેરેં ઘડીયેં.’

તહેવારના દિવસો છે, શુભ સંકલ્પ કરવાની તક છે. કામ કરતાં રહેશું તો લક્ષ્મીજીની કૃપા રહેશે. કચ્છી ચોવકમાં એ પણ સમજાવાયું છે કે:

‘કમકે હિકડો ડીં છડ્યો
ત કમ આંકે ડો ડીંછડે’

કામમાં નિરંતર રુચિ રાખવી, તમે કામ એક દિવસ પડતું મૂકશો તો કામ-ધંધામાં તમે દસ દિવસ પાછળ રહી જાશો. અગિયારસ - બારસ તો હમણાં જ ગયાં પણ તેને પણ કચ્છી ચોવકમાં વણી લેવાયાં છે.

‘અગિયારસ જે ઘરેં બારસ’

બે જણા એકબીજાથી ચઢિયાતા હોય ત્યારે તેમના માટે ઉપરોક્ત કહેવતનો ઉપયોગ થાય છે અને આવતા બુધવાર માટે તમને એક ચોવક આપી રાખું છું, મમળાવજો.

‘કીંક ધડે ધાબાડે, કીંક છડે છાબડે,

કીંક ડાંઢીમેં ફેર, કીંક ઓછો આય શેર.’