Wed May 06 2026

Logo

મોદીનો વડોદરામાં 11 મેએ રોડ શો, પાટીદારોની કઈ સંસ્થાનું કરશે લોકાર્પણ ?

2026-05-06 11:57:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 મે ના રોડ તેઓ ગુજરાત પધારી રહ્યા છે. આ દરમિયાન તેઓ 11 મે ના રોજ વડોદરામાં રોડ શો કરશે. તેમજ પાટીદારોની સંસ્થા સરદારધામ-3નું  લોકાર્પણ કરશે. સરદારધામ-3નું 150 કરોડના ખર્ચે 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં હાલ સુધીમાં બે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડોદરામાં આ ત્રીજુx ભવન છે. અગાઉના બે ભવનના લોકાર્પણ માટે વડા પ્રધાન રૂબરૂ આવી શક્યા ન હતા પરંતુ, આ ભવનના લોકાર્પણ માટે સૌપ્રથમ વખત તેઓ રૂબરૂ આવી રહ્યા છે.

મળતી વિગત પ્રમાણે, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં થયેલી ભાજપની જીતનો જશ્ન વડોદરામાં મનાવાશે. વડા પ્રધાન મોદી 11 મેના રોજ સરદારધામના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે ત્યારે બંગાળી, તમિળ અને આસામના લોકો તેમનું અભિવાદન કરશે. હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન કરાયું છે. રોડ શોના રૂટ પર પશ્ચિમ બંગાળ અને આસામની થીમ પર લાઈટિંગ કરાશે. 

પીએમ મોદીની વડોદરા મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેકટર દ્વારા સરદારધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સંસ્થા દ્વારા સરદારધામના લોકાર્પણ અંતર્ગત બનાવવામાં આવેલી 21 કમિટી અંગે કલેક્ટરને માહિતગાર કરાયા હતા. સરદારધામ દ્વારા પાર્કિંગ, સ્ટેજ મેનેજમેન્ટ, ભોજન, ટ્રાન્સપોર્ટ સહિત 21 કમિટી બનાવવામાં આવી છે.

ગુજરાતમાં આ ત્રીજું ભવન ઉભું કરાયું

પાટીદાર સમાજ દ્વારા સમાજના દીકરા-દીકરીઓ માટે ગુજરાતમાં બે સરદારધામ કાર્યરત છે. વડોદરામાં નેશનલ હાઇ-વે નજીક આ ત્રીજુ અત્યાધુનિક ભવન ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં આ ભવનનું નિર્માણ શરુ થયું હતું અને આજે 5 વર્ષ બાદ 4 લાખ 75 હજાર સ્કવેરફૂટમાં આ ભવન ઉભું કરાયું છે. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય પાટીદાર સમાજના યુવાનોના સર્વાંગી વિકાસ દ્વારા તેમને સક્ષમ બનાવી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવાનો છે.

દીકરીઓ માટે ખાસ સુરક્ષાની વ્યવસ્થા

સરદારધામના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરદારધામ સંકુલમાં એન્ટ્રી-એક્ઝિટ સિવાય ભવનમાં પણ CCTV લગાવવામાં આવશે. આ ઉપરાંત દીકરીઓની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં દીકરીઓની હોસ્ટેલમાં એરપોર્ટની એન્ટ્રીની માફક થંબ નોટિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીઓ જયારે પણ હોસ્ટેલ બહાર જશે ત્યારે તેઓની થંબ ઇમ્પ્રેશનથી જ ગેટ ખુલશે અને તેનો મેસેજ તેઓના પેરેન્ટ્સને જશે. તેઓએ જે સમય લખાવ્યો હશે તેનો પણ મેસેજ પેરેન્ટ્સના મોબાઈલ ઉપર જશે અને જયારે દીકરીઓ પરત આવશે તેનો પણ મેસેજ જશે, જેથી માતા - પિતા પોતાની દીકરીઓ ઉપર ઘરે બેઠા બેઠા પણ મોનિટરીંગ કરી શકશે.

વડોદરાના સરદારધામની શું છે ખાસિયત

વડોદરાનું સરદારધામ 4.75 લાખ સ્કવેરફૂટમાં નિર્માણ પામ્યું છે. તેમાં કુલ 278 રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે અલગ અલગ બિલ્ડીંગ ઉભી કરવામાં આવી છે. જેમાં એક બિલ્ડિંગમાં યુવકો અને બીજી બિલ્ડિંગમાં યુવતીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. આ ભવનમાં 1000 યુવકો અને 1000 યુવતીઓ એમ કુલ મળીને 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 1 રૂમમાં 6 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.