નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ ગઈકાલે આકરા તેવર દેખાડ્યા હતા. મમતા બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના આ નિવેદન બાદ કોઈ મુખ્ય પ્રધાન ચૂંટણી હાર્યા બાદ પણ પદ પર રહી શકે કે નહીં? બંધારણ શું કહે છે? તેની ચર્ચા શરૂ થઈ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, મમતાનું આ નિવેદન બંધારણ કરતા રાજકીય ચાલ વધારે હોવાનું લાગે છે. તેની અસર કાયદાકીય ઓછી અને રાજકીય વધારે થશે. બંધારણની કલમ 164 મુજબ, મુખ્ય પ્રધાન અને બાકીના પ્રધાન રાજ્યપાલની મરજી સુધી તેમના પદ પર રહી શકે છે. રાજ્યપાલ ઈચ્છે તો મમતાને હટાવીશકે છે.
જો રાજ્યપાલ વર્તમાન મુખ્ય પ્રધાનને પદ પરથી હટાવે અને કોઈ નવી સરકારની રચના ન થાય, તો રાજ્યમાં બંધારણીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે. કલમ 356 હેઠળ, જો મુખ્ય પ્રધાન રાજીનામું આપવાનો ઇનકાર કરીને મોટા નિર્ણયો લે છે, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.
વિધાનસભામાં બહુમતી સાબિત ન કરી શકવાની સ્થિતિમાં રાજ્યપાલ નવા મુખ્ય પ્રધાનનીની નિમણૂક કરી શકે છે, ભલે હાલના મુખ્ય પ્રધાન રાજીનામું ન આપે. જ્યારે જૂની વિધાનસભાની મુદત પૂરી થઈ ગઈ હોય અને નવી ચૂંટણીઓ યોજાઈ ચૂકી હોય, ત્યારે ફ્લોર ટેસ્ટનો નિયમ લાગુ પડતો નથી અને મુખ્ય પ્રધાનને ફ્લોર ટેસ્ટ વગર પણ હટાવી શકાય છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, જો મમતા રાજીનામું ન આપે તો રાજ્યપાલ તેમને સસ્પેન્ડ કરી શકે છે. જે દિવસે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ જાય છે તે દિવસથી વર્તમાન મુખ્ય પ્રધાનનું અસ્તિત્વ બંધારણની દ્રષ્ટિએ ખતમ થઈ જાય છે. કલમ 164 મુજબ મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ કરે છે અને પ્રધાનો રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પદ પર રહી શકે છે. સરકાર ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી વિધાનસભાનો વિશ્વાસ પ્રાપ્ત હોય ત્યાં સુધી જ સરકાર ચાલે છે. જેવી બહુમતી ગુમાવે મુખ્ય પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.
સૂત્રોના કહેવા પ્રમાણે કલમ 163 મુજબ, રાજ્યપાલ સામાન્ય રીતે પ્રધાન મંડળની સલાહ પર કાર્ય કરે છે. પરંતુ જ્યારે નવી સરકાર બનાવવાની હોય અથવા સરકાર બહુમતી ગુમાવે, ત્યારે રાજ્યપાલ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકે છે. કલમ 172 પ્રમાણે વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. જ્યારે આ મુદત પૂર્ણ થાય ત્યારે નવી વિધાનસભાનું સત્તામાં આવવું અનિવાર્ય બની જાય છે.
કલમ 174 રાજ્યપાલને વિધાનસભા બોલાવવાની, સત્ર સમાપ્ત કરવાની અને વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા આપે છે. ચૂંટણીમાં જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે છે, ત્યારે રાજ્યપાલ તે બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે.