Wed May 06 2026

Logo

આઈપીએલ 2026ની ફાઈનલ અમદાવાદમાં રમાશે, ક્વોલિફાયર અને એલિમિનેટરનું સ્થળ પણ બદલાયું

2026-05-06 13:25:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલમાં હાલ લીગ મુકાબલા રમાઈ રહ્યા છે.  બીસીસીઆઈ દ્વારા આઈપીએલ ફાઈનલ, કવોલિફાયર અને એલિમિનેટરનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. IPLની 19મી સીઝનનો ગ્રાન્ડ ફિનાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં, પરંતુ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મે ના રોજ રમાશે.

સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે અગાઉની સીઝનની ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સીઝનની ફાઈનલ મેચ યોજવામાં આવે છે, પરંતુ આ વખતે આવું થશે નહીં. ઉલ્લેખનીય છે કે, IPL 2025માં પંજાબને 6 રને હરાવીને RCBએ પોતાની પ્રથમ ટ્રોફી જીતી હતી, તેમ છતાં તેમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામીમાં IPL 2026ની ફાઈનલ રમાશે નહીં.

ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોના સ્થળમાં પણ ફેરફાર

માત્ર આઈપીએલ ફાઈનલ જ નહીં, પરંતુ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોના સ્થળોમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે:

IPL 2026 ક્વોલિફાયર-1: 26 મે 2026, મંગળવાર, ધર્મશાલા

IPL 2026 એલિમિનેટર: 27 મે 2026, બુધવાર, ચંદીગઢ

IPL 2026 ક્વોલિફાયર-2: 29 મે 2026, શુક્રવાર, ચંદીગઢ

IPL 2026 ફાઈનલ મેચ: 31 મે 2026, રવિવાર, અમદાવાદ

24 મે ના જ લીગ રાઉન્ડની અંતિમ મેચ

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં લીગ સ્ટેજની અંતિમ મેચ 24 મે ના રોજ રમાશે. આ દિવસે રવિવાર છે અને બે મેચો રમાશે. પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. જ્યારે બીજો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ  અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચોની સાથે જ લીગ સ્ટેજ પૂર્ણ થઈ જશે. ટુર્નામેન્ટની કુલ 10 ટીમોમાંથી 6 ટીમો બહાર થઈ જશે અને માત્ર ટોચની 4 ટીમો જ ખિતાબ જીતવાની રેસમાં બાકી રહેશે.

શું IPL 2026ની ફાઈનલનું સ્થળ બદલવા પાછળનું કારણ MLA ટિકિટ વિવાદ છે?

IPL 2026ની ફાઈનલનું સ્થળ બદલવા પાછળનું મુખ્ય કારણ MLA ટિકિટ વિવાદ હોવાનું કહેવાય છે. આ વિવાદ સીઝનની ઓપનિંગ મેચ પહેલા શરૂ થયો હતો. જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે દરેક ધારાસભ્યને ઓછામાં ઓછી 5 ટિકિટ મળવી જોઈએ, કારણ કે જનપ્રતિનિધિઓ VIP હોય છે અને તેમણે ટિકિટ માટે લાઈનમાં ન ઊભા રહેવું જોઈએ.

ત્યારબાદ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે જાહેરાત કરી હતી કે ધારાસભ્યો અને સાંસદોને RCBની મેચો માટે 3-3 ટિકિટ આપવામાં આવશે. આ નિર્ણય બાદ ટિકિટના દુરુપયોગના આરોપો પણ લાગ્યા હતા. જોકે, કર્ણાટકના ગૃહ પ્રધાન જી. પરમેશ્વરે આ આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે ટિકિટો ઓનલાઈન બુક થાય છે અને તેનો ખોટો ઉપયોગ થતો નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ટિકિટો નોન-ટ્રાન્સફરેબલ હોય છે અને સામાન્ય રીતે ધારાસભ્યો કે તેમના પરિવારના સભ્યો જ મેચ જોવા આવતા હોય છે. હવે આ વિવાદોને કારણે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBના હોમ ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે.