શરદ જોશી સ્પીકિંગ - સંજય છેલ
લોકો હંમેશાં નાની નાની ફરિયાદ નોંધાવતા હોય છે કે પાણીનો નળ તો છે, પણ એમાં પાણી નથી આવતું! એ લોકો બિચારા નથી જાણતા કે આ દેશમાં વસ્તુઓ હોય છે જ એટલા માટે કે એમાં એ વસ્તુ ન હોય, જેના માટે એ બની હોય છે :
નળ છે, પણ એમાં પાણી નથી આવતું. હેન્ડપંપ છે, પણ એ ચાલતા નથી. સરકારી ખાતા છે, જે કામ નથી કરતા. ફોન લગાડ્યો, પણ લાગ્યો નહીં. અધિકારી છે, પરંતુ રજા પર છે. કર્મચારી છે, પણ એને કંઈ ખબર નથી. અરજી આપી હતી, પણ એ મંજૂર ન થઈ. ફરિયાદ નોંધાવી હતી, પણ કંઈ થયું નહીં. તપાસ થઈ, પણ હજુ રિપોર્ટ નથી આવ્યો. યોજના તો મંજૂર છે, પણ બજેટ નથી. બજેટ મંજૂર છે, પણ પૈસા નથી આવ્યા. વેકેન્સી છે, પણ નોકરી નથી. કાબેલ માણસ હતો, પણ એની બદલી થઈ ગઈ. અધિકારી તો સારો છે, પણ એના હાથ નીચે કામ કરતા માણસો સારા નથી. અરે ભાઈ, અધિકારીના હાથ નીચે કામ કરવાવાળા તો કામ કરવા માગે છે, પણ ઉપરથી ઓર્ડર નથી આવતો. મશીન આવી ગયું, પણ એ બગડેલું છે. ફેક્ટરી છે, પણ એમાં વીજળી નથી આવી. વીજળી છે, પણ વીજળીના તાર ખરાબ છે. વસ્તુઓનું ઉત્પાદન થાય છે, પણ વેચાણ નથી થતું. વસ્તુઓની માગ છે, પણ એ પૂરી નથી થતી. માગ પૂરી કરી શકાય તેમ છે, પણ કોઈ એની ડિમાંડ તો કરે!
પેસેન્જર્સ ઊભા છે, પણ ટિકિટ નથી મળી રહી. ટિકિટ મળી ગઈ તો ટ્રેન મોડી છે. ટ્રેન આવી, પણ એમાં જગ્યા ન હતી. જગ્યા મળી પણ કોઈએ ત્યાં સામાન મૂક્યો હતો. પ્લેનની ટિકિટ લીધી, પણ એ વેઈટિંગ લિસ્ટમાં છે. સીટ ક્ધફર્મ થઈ ગઈ, પણ ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. જેમના ઘરે જવાનું હતું, એમના ઘરે પહોંચ્યા, પણ એ મળ્યા નહીં. એ મળ્યા, પણ જલ્દીમાં હતા. મેસેજ તો મોકલ્યો હતો, પણ એ મોડો પહોંચ્યો. લેટર મોકલ્યો, પણ એનો જવાબ ન આવ્યો. આવ્યા, પણ આવતા જ બીમાર પડી ગયા. ઈંન્જેકશન આપ્યું, પણ કંઈ ફરક પડ્યો નહીં. હોસ્પિટલ લઈ ગયા, પણ બેડ ખાલી ન હતા. બેડ પર સૂતા છે, પણ કોઈ પૂછવાવાળું નથી. ફરિયાદ કરીએ, પણ કોઈ સાંભળવાવાળું નથી. નેતાઓ છે, પણ એને મળી ન શકાયું. નેતાજીએ સાંભળ્યું, પણ કંઈ કર્યું નહીં. શિલાન્યાસ થયો, પણ બિલ્ડિંગ ન બન્યું. બિલ્ડિંગ જે કામ માટે બનાવ્યું છે, પણ એ બીજા કામમાં આવી રહ્યું છે. હા, કામ ચાલે છે, પણ આપણને એનાથી શું ફાયદો?
સ્કૂલ છે, પણ અમારા છોકરાઓને એડમિશન નહીં મળ્યું. છોકરાઓ ગયા હતા ભણવા, પણ બગડી ગયા. ક્રિકેટ ટીમને વિદેશ રમવા મોકલી હતી, પણ હારી ગઈ. પ્રોગ્રામ થયો હતો, પણ એમાં મજા ન આવી. કોમેડી શો હતો, પણ હસવું ન આવ્યું.
અમે કોઇકને કશુંક પૂછ્યું હતું, પણ તેઓ બોલ્યા નહીં. એક સમાચાર મળ્યા, પણ એ અફવા નીકળી. ગુનો કર્યો, પણ ધરપકડ ન થઈ. આર્ટિકલ લખીને સંપાદકને મોકલ્યો હતો, પણ છપાયો નહીં. એક કવિએ કવિતા લખી, પણ એને સાંભળવાવાળું કોઈ નથી. સ્ટેજ પર નાટક ભજવાયું, પણ ઓડિયન્સ ઓછું હતું. થિયેટરમાં પિક્ચર લાગી, પણ ન ચાલી. પુસ્તક છપાયું હતું, પણ વેચાયું નહીં.
શું કરીએ? કંઇ થતું જ નથી! ઓફિસર ખુરશી પર બેઠો છે, પણ ઊંઘી રહ્યો છે. ફાઈલો ટેબલ પર પડી છે, પણ સહી નથી થઈ રહી. ફોર્મ તો ભર્યું હતું, પણ એમાં ભૂલ થઈ ગઈ. શું કહેવું? કંઈ સમજાતું નથી. એણે અવાજ ઉઠાવ્યો, પણ કોઈએ સાંભળ્યું નહીં. નેતાજીએ વિકાસ માટે વચન આપ્યું હતું, પણ એ ભૂલી ગયા. યાદ કરાવ્યું, ત્યાં સુધીમાં તો એમનો ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયો હતો.
સાહેબને ફોન કર્યો, પણ એ બાથરૂમમાં હતા. એમની ઓફિસમાં ફોન કર્યો, પણ એ મીટિંગમાં હતા. યુવાનને ડિગ્રી તો મળી ગઈ, પણ નોકરી નહીં મળી. નોકરીમાં અનુભવ મળ્યો, પણ ત્યારે રિટાયર થવાનો સમય આવી ગયો.
શું છે, શું નથી? કર્ફ્યુ હટાવવામાં આવ્યો તો પાછા રમખાણ થયા. પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ ખતરો હજુ પણ છે. માણસ છે, પણ એનામાં માનવતા નથી રહી! માણસમાં દિલ છે, પણ એકબીજા સાથે દિલ મળતાં નથી! દેશ આપણો થયો, પણ લોકો પરાયા થઈ ગયા.
હાં, તો તમે નળમાં પાણી નથી એવું કંઈક કહી રહ્યા છો!