Tue Sep 22 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ-મસ્તીઃ એક બિચારો ભલો માણસ

2026-09-16 11:10:00
Author: Sanjay Chhel
હરિશંકર પરસાઈની વ્યંગ-મસ્તીઃ એક બિચારો ભલો માણસ

સંજય છેલ

એક દુકાનદારે કોઇકને મારી ઓળખાણ `ભલા માણસ' કરાવી. જો કે હું પોતે આવા લેબલોથી બહુ ડરું છું. શું છે કે એકવાર સમાજ તમને `ભલો માણસ' માની લે તો પછી માણસ ખુદ પોતે જ પોતાની `સજ્જનતા'નો ગુલામ બની જાય. હું `ભલા માણસ'ના ભાર હેઠળ જીવવા નથી માગતો. ખરેખર તો કોઈ મારી નિંદા કરે ત્યારે મને હાશ થાય. વખાણથી ડર લાગે. કોઈ મારી સામે મારા જ વખાણ કરે તો હું કહી દઉં કે, `ઓ ભાઈ બસ... તમે કહો તો કોઈ મૂર્ખામી કરૂં? ગટરમાં કૂદી પડું કે ધૂળમાં આળોટી દેખાડું?'

કારણ કે આ મતલબી દુનિયામાં કોઇપણના વખાણ કરી કરીને એની પાસે કોઈપણ મૂર્ખામી પણ કરાવી શકાય છે. 
પેલો દુકાનદાર જે મારો મિત્ર પણ નથી, એણે મને `ભલો માણસ' કહ્યો ત્યારથી ચિંતા થવા માંડી છે કારણ કે હું એની દુકાનેથી ઉધારીથી સામાન ખરીદું છું. એ જે હિસાબ દેખાડે એ હું જોયા વગર ચૂકવી દઉં. હિસાબ ન જોવો એ મારી મહાનતા નથી, પણ મારી આળસ છે. કેટલીકવાર બુરાઈ પણ ભલાઈ તરીકે ગણાઈ જાય.

એક માલદાર લેખક વિશે અફવા ફેલાઈ કે એ પૈસા આપીને બીજા પાસે પુસ્તકો લખાવે છે. મેં લોકોને સમજાવ્યા કે તમે એના પુસ્તકો વાંચશો તો તમને ભરોસો બેસી જશે કે એનાં પુસ્તકો એણે પોતે જ લખ્યા છે, કારણ કે આટલું નબળું લખાણ એના સિવાય બીજું કોણ લખી શકે? પૈસા લઇને પણ શક્ય નથી! ટૂંકમાં, `ખરાબ લખવું' એ એની `ઈમાનદારી'નો પુરાવો બની ગયો.

દુકાનદારોની મીઠી મીઠી વાતોમાં એક વેપારીછાપ ચાલાકી છુપાયેલી હોય છે, જે `માનવતા'ના નામે બજારમાં ખૂબ ચાલે છે. એકવાર દુકાનદાર સાથે ઘરાક હિસાબ અંગે ઝઘડતો હતો. દુકાનદારે કહ્યું, `તમે શું નાની નાની વાતોમાં કચકચ કરો છો? પેલા પરસાઈજીને જુઓ, બિચારા કેવા `ભલા માણસ' છે! હિસાબ જોયા વગર જ ચૂકવી દે. મને જોઈને પેલો ગ્રાહક બિલકુલ પ્રભાવિત ન થયો. એણે મને `ભલો' તો નહીં, પણ મૂરખો ચોકકસ માન્યો હશે.

ખરેખર કંઈ ભલો માણસ નથી. હું બીજાને આપવાનું ભૂલી જાઉં પણ લેવાનું નથી ભૂલતો. હું ભલો છું, કારણ કે આળસુ છું. ખરાબ બનવા માટે હાથ, પગ ને મન ત્રણેય ચલાવવા પડે. પછીથી મેં `ખરાબ માણસ' બનવાનું શરૂ કર્યું, પોતે હિસાબ રાખવા લાગ્યો. મહિનાના અંતે દુકાનદાર પાસે હિસાબ માગ્યો તો પકડાયું કે એણે હિસાબમાં 10 રૂ. વધારે લખેલા. એનું `ભલા માણસનું' સર્ટિફિકેટ મને ખૂબ મોંઘું પડ્યું. 

અરે, યુનિવર્સિટીમાં મેં 10 રૂ.માં એમ.એ.નું સર્ટિફિકેટ લીધું હતું, જે મને જિંદગીભર શિક્ષિત કહેવા માટે પૂરતું હતું. દુકાનદારનું સર્ટિફિકેટ હું ફ્રેમ કરાવીને ટીંગાડી પણ ન શકું! વળી 10 રૂ.નું સર્ટિફિકેટ ખાલી મહિના પૂરતું જ મળતું! એક નાનકડા શહેરનો દુકાનદાર મને `ભલો માણસ' કહે એ માટે વર્ષે 120 રૂ. ચૂકવવાના?

જો આવનારા લગભગ 30 વર્ષ સામાન ખરીદું, તો આશરે 3500 રૂ. હું માત્ર એટલે ચૂકવું કે એ મને `ભલો માણસ' કહે? એ હિસાબે આખી બજાર મને `ભલો માણસ' કહે, તે માટે તો મારે મારી જીવનભરની કમાણી વેડફવી પડે? આ ના પોસાય એટલે મેં જ્યારથી હિસાબ તપાસવાનું શરૂ કર્યું કે પછી `ભલા માણસ'ના લેબલ માટે હવે કોઈ બીજા મૂરખાનો ઉપયોગ થશે!

 જોકે ત્યારથી આસપાસનાં `ભલા માણસો' વિશે તપાસ કરી રહ્યો છું. એક સ્કૂલના પુસ્તકો છાપનાર વેચનાર મને `બિચારો ભલો માણસ' કહેતો, કારણ કે હું એને પુસ્તકો લખી આપતો ને એ જે પૈસા આપતો એ લઈ લેતો. બાપ-દાદા પેઢીઓથી એ લોકો આવા જ કોઇ મૂરખાની શોધમાં હતા. બસ! પછી હું ઝડપાયો કે એ મારી ખ્યાતિ ફેલાવતો પરસાઈ બિચારો ભલો માણસ.

એકવાર હું બીમાર પડ્યો. ત્યારે હું એના માટે પુસ્તક લખી રહ્યો હતો જે અડધું લખાઈ ગયેલું. પ્રકાશકે ઘરે પધારીને પહેલાં બીમારી વિશે પૂછ્યું, `એક લેખકના સંઘર્ષ' પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, સંસારની અસારતા પર બોલ્યા ને અંતે જ્ઞાન આપ્યું: લખવું એ તો એક તપસ્યા છે! મને એ પણ સમજાવ્યું કે સાચા લેખકને તો ભૌતિક વસ્તુઓની પરવા ના હોય, એ તો ત્યાગી હોય. 

(એક ચોર જ સૌથી વધુ પ્રચાર કરતો હોય છે કે `આ મહાન દેશમાં પહેલાં લોકો ઘરોમાં તાળું નહોતા મારતા!') હું એનું પ્રવચન સાંભળતો રહ્યો. પછી એણે બાકીની હસ્તપ્રત માગી તો મેં કહ્યું કે પૈસાની જરૂર છે, સાંજ સુધીમાં મોકલી દેજો. એક મિનિટ પહેલાંના એ જ્ઞાનીનો ચહેરો એકદમ ઊતરી ગયો. એની આંખોમાં ગુસ્સો આવી ગયો ને એ એવો રડમસ થઇ ગયો કે જાણે મેં એને એમ કહ્યું હોય કે, `ભાઈ, તું અહીં બેઠો છે? જો ઘરે તારો બાપ ઉકલી ગયો છે!'

એ દિવસથી એણે મને ક્યારેય `ભલો માણસ' નથી કહ્યો. હવે એ બધાને કહેતો- મને હતું કે એ `ભલો માણસ' છે, પણ હું એની તબિયત જોવા ગયો ને એ સાલો પૈસા માગવા લાગ્યો, બોલો?

મને `બિચારા ભલા માણસ' લેબલથી ખૂબ ડર લાગે છે. ટે્રનમાં મારી બાજુમાં બેઠેલો કોઇ મને `બીચારો ભલો માણસ' કહે તો તરત જ હું મારું ખિસ્સું તપાસી લઉં...એ ક્યાંક મારું ખિસ્સું ન કાતરી લે!

હું જોઉં છું કે આવા બધાં પ્રશંસક `ભલા'ની પહેલાં `બિચારો' શબ્દ જરૂર વાપરે. લોકો એને જ `ભલો' કહેશે જે `બિચારો' હોય. જ્યાં સુધી આપણે કોઈને `બિચારો' ન બનાવી દઈએ, ત્યાં સુધી તેને `ભલો' નથી કહેતા કહીએ. આના બે કારણો છે:

1) જે 'બિચારો' નથી, એ આપણને શાભો ને જબરો લાગે છે. એને આપણે `ભલો' શું કામ કહીએ?
2) જે `બિચારો' છે, એને આપણે દબાવી કે લૂંટી શકીએ છીએ ને એનું શોષણ કરી શકીએ છીએ.
જે દરેક કામ માટે ફાળો આપે, એ બિચારો ભલો માણસ. જે રિક્ષાવાળો ઓછા પૈસા લે, એ બિચારો ભલો માણસ. જે લેખક પૈસા બિના અખબાર માટે લખી આપે, એને તંત્રીઓ બિચારો ભલો માણસ કહે. ટિકિટ કલેક્ટર `બિચારો ભલો માણસ' છે, કારણ કે વગર ટિકિટ વગર જવા દે છે. આપણી સમાજ વ્યવસ્થાએ ખૂબ વિચારી-સમજીને આ `બિચારો ભલો માણસ'નું લેબલ બનાવ્યું છે.