Thu Oct 08 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-09-16 11:44:00
Author: Henri Shashtri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી


500 ભરો, 5000ની સુવિધા મેળવો
હાથ છૂટો (ચિંતા કર્યા વિના પૈસા ખર્ચવા) હોય એવા લોકો કાયમ સગવડને પ્રાધાન્ય આપતા હોય છે. એમાંય માર્ગ મુસાફરી હોય તો એસી કાર, ટ્રેનમાં જવાનું હોય તો ફર્સ્ટ એસી અને ખિસ્સું ઊંડું હોય તો પ્લેનની મુસાફરી કરવાની ઈચ્છા કાયમ રહેતી હોય છે.

ખિસ્સું સાંકડું હોય એમને માટે તો બસ અથવા સેકન્ડ કલાસની ટ્રેન મુસાફરી જ વિકલ્પ હોય છે. જોકે, સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની વાત નીકળે તો મોઢું મચકોડવામાં આવે, પણ જો તેમને કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનએ શરૂ કરેલી નવી લક્ઝરી બસ સેવાની જાણ થાય તો હરખપદુડા થઈ જાય. ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ સોશ્યલ મીડિયા વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યા અનુસાર બિઝનેસ ક્લાસ જેવી સગવડ ધરાવતી કોર્પોર્રેશનની વોલ્વો એસી બસ મુસાફરોને માત્ર 505 રૂપિયાના ભાડામાં ફ્લાઇટ જેવી આલીશાન સુવિધાઓ આપી રહી છે. આ પ્રીમિયમ બસ સેવા સોમવારથી શુક્રવાર દરમિયાન દોડે છે. 

થિરૂવનંતપુરમથી સવારે સાડા પાંચે ઉપડે છે અને ચાર કલાક પછી આશરે સાડા નવે એર્નાકુલમ પહોંચે છે. મુસાફરોની સુવિધા માટે પ્રાઈવેટ એરલાઈન્સ જેવી હાઈ-ટેક વ્યવસ્થા છે. બસની અંદર જ ઇન-બિલ્ટ કેમિકલ ટોઇલેટની સુવિધા છે. મુસાફરો માટે ગરમ ચા-કોફી અને રિફ્રેશમેન્ટ્સની વ્યવસ્થા છે. મુસાફરોની મદદ કરવા અને ખાણી-પીણી સર્વ કરવા માટે ફ્લાઇટની જેમ બસ હોસ્ટેસ હાજર રહે છે. દરેક સીટની પાછળ મનોરંજન માટે વ્યક્તિગત એલઈડી સ્ક્રીન રાખવામાં આવી છે. મુસાફરી દરમિયાન લોકો કનેક્ટેડ રહી શકે તે માટે ફ્રી વાઇ-ફાઇ અને યુએસબી ચાર્જિંગ પોર્ટની સુવિધા છે. એકંદરે 500 રૂપિયા ચૂકવી પાંચ હજાર જેવી સુવિધા મળે છે.

----
નહીં સહેંગે નહીં સહેંગે, મનુષ્ય કી બેરોઝગારી નહીં સહેંગે!
કામકાજ ક્ષેત્રે મનુષ્યની સંખ્યા ઘટાડવા માનવની જગ્યાએ મશીનનો ઉપયોગ વ્યાપક બન્યો ત્યારથી કર્મચારી વર્ગ `નહીં ચલેગી નહીં ચલેગી, મશીન કી મોનોપોલી નહીં ચલેગી'નો નારો લગાવતો રહ્યો છે. આ સૂત્ર યાંત્રિકીકરણ, ઓટોમેશન અને મનુષ્યના શોષણ સામે અવાજ ઉઠાવવા માટે થાય છે.

માણસો સામે મશીનોને બેશુમાર પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે લોકો નોકરી ગુમાવે છે અને આ પ્રકારનો વિરોધ જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધમાં છિન્નભિન્ન થયા પછી રાખમાંથી બેઠા થયેલા અને `ફિનિક્સ સિટી' તરીકે ઓળખાતા પોલેન્ડના વોર્સો શહેરમાં સાતમી સપ્ટેમ્બરે ઉલ્ટી ગંગા જોવા મળી. ત્રીસેક યંત્ર માનવોએ માનવી સામે રહેલા સંભવિત નોકરી ગુમાવવાના જોખમ વિદ્ધ વિશિષ્ટ વિરોધ પ્રદર્શન કરી જાણે કે `નહીં સહેંગે નહીં સહેંગે, મનુષ્ય કી બેરોઝગારી નહીં સહેંગે' નારો લગાવતા હોય એવું ચિત્ર ઊપસ્યું હતું. 

જાણવાની વાત એ છે કે આ વિરોધ કરવા માણસ જેવા દેખાતા હ્યુમેનોઈડ રોબોટ્સ અને રોબોટ ડોગ્સ વાવટા અને પોસ્ટર સાથે પોલેન્ડના ડિજિટલ અફેર્સ મંત્રાલયની બહાર જ એકઠા થયા હતા. `નોકરીનું રક્ષણ કરો', `નિયમો જલદી લાવો' જેવા નારા કરવામાં આવી રહ્યા હતા. ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કઠોર નિયમો બનાવવાની માંગણી કરી ભવિષ્યમાં માણસોની નોકરીઓ ગુમાવવાના જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી. 

પોલેન્ડના ડિજિટલ અફેર્સ ખાતાના પ્રધાન ક્રિસ્ટોફ ગાકોવસ્કીએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને રોબોટ્સમાં AI સિસ્ટમને ઉમેરવાનાં જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અલબત્ત, અહીં એક વાત નોંધવા જેવી છે કે આ રોબોટ્સ પોતાની જાતે આંદોલન નહોતા કરી રહ્યા, પરંતુ તેમને માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા. 
---

દેડકી પેટ ફુલાવીને ક્યારેક આખલો પણ થઈ શકે
`દેડકી પેટ ફુલાવીને ક્યારેય આખલો ન બની શકે' કહેવતનો અર્થ એ થાય છે કે કોઈપણ વ્યક્તિ પોતાની ક્ષમતા કે લાયકાત કરતાં વધારે મોટી કે મહાન બનવાનો ગમે તેટલો ડોળ (દેખાવ) કરે, પણ હકીકતમાં ક્યારેય એવી નથી બની શકતી. માણસે પોતાની મર્યાદાઓ અને વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. એક અંગ્રેજી કહેવત છે Dime a Dozen જેનો ભાવાર્થ થાય છે આસાનીથી ઉપલબ્ધ સામાન્ય-સસ્તી વસ્તુ.

આ બંને કહેવતના ભાવાર્થની વિદ્ધ એક ઘટના તાજેતરમાં યુએસના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં જોવા મળી. લિલામી - હરાજી કરતી `સ્ટેક્સ બોવર્સ ગેલરીઝ' સંસ્થાના અહેવાલ અનુસાર અમેરિકાનો એક ખૂબ જ દુર્લભ 10 સેન્ટનો સિક્કો (ડાઈમ) હરાજીમાં 1.25 મિલ્યન ડૉલર (આશરે 11.9 કરોડ રૂપિયા)માં વેચાયો છે. આ સિક્કો S Barber Dime તરીકે ઓળખવામાં આવે છે અને એનું ડિઝાઇનિંગ યુએસ મિન્ટના મુખ્ય કોતરણીકાર ચાર્લ્સ ઈ. બાર્બર દ્વારા કરવામાં આવ્યું હતું. 1894ની સાલમાં સેન ફ્રાન્સિસ્કો મિન્ટમાં આવા ફક્ત 24  S સિક્કા જ બનાવવામાં આવ્યા હતા. અત્યારે દુનિયામાં માત્ર 9 સિક્કા જ હયાત છે જેમાંથી એકની હરાજી થઈ છે. 

90 ટકા ચાંદી અને 10 ટકા તાંબામાંથી બનેલાઆ સિક્કાની એક તરફ લેડી લિબર્ટીનો ચહેરો છે અને પાછળની તરફ One Dime  લખેલું છે. એક ડાઈમનું આર્થિક મૂલ્ય આશરે 10 રૂપિયા થાય. એટલે અહીં Dime a Dozen (મામૂલી વસ્તુ) One of a Kind (મૂલ્યવાન જણસ) બની ગઈ અને સામાન્ય ગજાની વસ્તુના અસામાન્ય દામ ઉપજ્યા એટલે દેડકી પેટ ફુલાવીને ક્યારેક આખલો બની શકે એમ કહેવું પડે, ખંરૂ ને! 
---

સ્માર્ટ ડસ્ટબિન! ક્યાં? ચીનમાં, બીજે ક્યાં?
આજની દુનિયામાં સ્માર્ટ માણસોની સંખ્યા કેટલી વધી છે એનો કોઈ સર્વે નથી થયો. હા, ટેકનોલોજીની હરણફાળમાં સ્માર્ટ ઉપકરણોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ એનર્જી.... આ યાદીમાં નવું ઉમેરણ છે સ્માર્ટ ડસ્ટબિન. સૂકા અને ભીના કચરાને વર્ગીકૃત કરવામાં આળસ કે નાનપ અનુભવતા માનવી માટે હવે ચીનમાં સ્માર્ટ ડસ્ટબિન (એને ચાલાક કચરાપેટી કહી શકાય ને)નું વ્યાપકપણે ઉત્પાદન થઈ રહ્યું છે. 

ચીન માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સ્માર્ટ ડસ્ટબિનનું મોટું ઉત્પાદક છે. ઘર અને ઓફિસ વપરાશ માટે મોશન સેન્સરવાળી અને ટચલેસ ડસ્ટબિન્સ ચીનની ફેક્ટરીઓમાં મોટા પાયે બને છે. ચીનમાં સ્માર્ટ ડસ્ટબિન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કચરા વ્યવસ્થાપન ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે.

ચીનની સરકાર અને ત્યાંની ટેક કંપનીઓ કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણ સુરક્ષા માટે મોટા પાયે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. શાંઘાઈ અને બેઇજિંગ જેવાં મોટાં શહેરોમાં કચરાને આપમેળે ઓળખી લેતા AI મશીનો અને ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, જે લગભગ 95 ટકા કચરાને સાચી રીતે ઓળખી તેને રિસાયકલ કરી શકાય એ રીતે ભીના કે સૂકા કચરામાં અલગ પાડે છે. 

કેટલાંક શહેરોમાં લોકો ચહેરો સ્કેન કરીને અથવા ક્યૂઆર કોડ સ્કેન કરીને કચરો ફેંકે છે. નાગરિકો યોગ્ય રીતે કચરો વર્ગીકૃત કરીને ફેંકે તો તેમને એક ખાસ એપમાં રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે. આ પોઈન્ટ્સનો ઉપયોગ રોજિંદી વસ્તુઓ ખરીદવા માટે કરી શકે છે. ડસ્ટબિનમાં અલ્ટ્રાસોનિક અને ઈન્ફ્રારેડ સેન્સર્સ બેસાડેલા હોય છે. કચરાપેટી ભરાઈ જાય એટલે સ્થાનિક કંટ્રોલ સેન્ટરને મેસેજ મળે છે જેથી સફાઈ કામદારો સમયસર આવી તેને ખાલી કરી શકે.
બિન તેરે તેરે બિન ચાઈના, સુખા - ગીલા અલગ હોએ ના... 

---
લ્યો કરો વાત 
માણસ બેપગો અને સિંહ, વાઘ, હાથી, બિલાડી વગેરે ચોપગા પ્રાણી તરીકે ઓળખાય છે. મોટાભાગના જંતુને છ પગ હોય છે અને કરચલો, સાંઢિયો વગેરે જળ પ્રાણી 10 પગ ધરાવે છે. જોકે, મિલીપેડ (બહુપાદ જંતુ જેને આપણે કાનખજૂરો તરીકે ઓળખીએ છે) 100થી વધારે અને કોઈ કેસમાં તો 300થી વધુ પગ ધરાવતા હોવાની સત્તાવાર માહિતી છે. 

આ મિલીપેડનો એક અનન્ય અવતાર એવો છે જેને સો, બસ્સો, પાંચસો નહીં, પણ અધધ કહી શકાય એવા પૂરા 1306 પગ છે. સાં છે એની જમાતમાં જૂતા પહેરવાનો  રિવાજ નથી! નહીં તો દરેક મિલીપેડ માટે 653 જોડી ખરીદવા પડે. આટલા બધા પગ ધરાવતા આ જીવની લંબાઈ માત્ર સાડા ત્રણ ઈંચ છે. આ જીવમાં પગની સંખ્યામાં એકસૂત્રતા નથી જોવા મળતી કારણ કે એના બાહરી ભાગમાં સતત ફેરફાર થયા કરે છે.