સંદેશખાલી: પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર બનવા જઈ રહી છે, નવા મુખ્ય પ્રધાન અને મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં અહેવાલ છે કે રાજ્યના ઉત્તર 24 પરગણા સંદેશખાલી વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ પોલીસકર્મી અને બે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો ઘાયલ થયા છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ નાઝત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સરબેરિયા-અગરતી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. અહેવાલ મુજબ, નાઝત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર, રાજબારી આઉટપોસ્ટના એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસ અધિકારીને ગોળી વાગી હતી. કેન્દ્રીય દળના બે કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
તપાસ દરમિયાન બોમ્બ મળ્યા:
અહેવાલ મુજબ, હરીફ રાજકીય જૂથો વચ્ચે અથડામણ થઈ ત્યારે સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો, અને ત્યાર બાદ ભાગી છુટ્યા. તપાસ દરમિયાન, ક્રૂડ બોમ્બ અને અને હથિયારો પણ મળી આવ્યા છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. હુમલા માટે જવાબદાર લોકોને ઓળખવા અને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
ઘાયલોને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી,ત્યાર બાદ વધુ સારવાર માટે કોલકાતાની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં બામનઘેર વિસ્તારમાં અથડામણોના છૂટાછવાયા અહેવાલો મળ્યા હતાં. ચૂંટણી બાદ હિંસાને રોકવા માટે અધિકારીઓએ પ્રદેશમાં પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી.
પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી (CS), ડીરેકટ જનરલ ઓફ પોલીસ (DGP) અને સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ (CRPF)એ રાજ્યમાં મતદાન પછીની હિંસાની કોઈપણ ઘટના પ્રત્યે 'શૂન્ય સહિષ્ણુતા' સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી છે, એવામ આ ઘટના ચિંતાજનક છે.