હેન્રી શાસ્ત્રી
જૂનું એટલું સોનું
ઈસવીસન પૂર્વે 3500 વર્ષ પહેલા ઈજિપ્તમાં અને ચીનમાં રસાયણશા - કેમિસ્ટ્રીની મદદથી સામાન્ય ધાતુને સોનામાં રૂપાંતર કરવાની આવડત (આલ્કેમી) અસ્તિત્વ ધરાવતી હોવાની વાયકા છે. ટેક્નિકલી વિજ્ઞાનની મદદથી કોઈ પણ ધાતુ સોનામાં પરિવર્તિત થઈ શકે. તાંબું તાંબું અને સોનું સોનું છે એમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કારણે. તાંબામાં 29 પ્રોટોન હોય છે જ્યારે સોનામાં 79 પ્રોટોન. હવે જો વૈજ્ઞાનિક પ્રક્રિયાથી 29 પ્રોટોનની સંખ્યા વધારી 79 કરો તો તાંબું સોનું બની જાય. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ તેમજ જટિલ હોવાથી વ્યવહારુ નથી. જોકે,અજબ દુનિયાના ગજબ દેશ અને એમાંય ગજબનાક ઘટનાઓથી સતત ગાજતા રહેતા ચીનમાં એક શખ્સ મોબાઈલના સિમ કાર્ડમાંથી સોનું મેળવી રહ્યો છે અને ‘જૂનું એટલું સોનું’ કહેવત સાર્થક કરી રહ્યો છે. આ ખબર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા લોકો સિમ કાર્ડ મેળવવા ઘેલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ચાઈનીઝ ભાઈએ તો એક ક્લિપ સોશ્યલ મીડિયામાં મૂકી સિમ કાર્ડ અને કમ્પ્યુટર ચીપમાં રહેલું સોનાનું કોટિંગ છૂટું પાડી શકાય એ સમજાવવાની કોશિશ કરી છે. ભાઈને સંપૂર્ણ પ્રક્રિયા પછી 191 ગ્રામ મળ્યું હોવાથી અનેક લોકોના મોઢામાંથી લાળ ટપકવા લાગી છે. જોકે, લોકોની ઘેલછા ગાંડપણમાં બદલાઈ શકે એવો ભય લાગતા આ સમગ્ર પ્રક્રિયા જોખમી છે અને મૂળ તો કાયદાની વિરુદ્ધ હોવાથી એમાં પડતા નહીં એવી વણમાગી સલાહ તેણે આપી દીધી છે.
પ્રેમ કરવા ગયા તો પતી ગયા
મુંબઈથી આશરે 200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કળસુબાઈ હરિશ્ર્ચન્દ્ર ગઢ નામનું અભયારણ્ય આવેલું છે. શહેરની લાઈટોના કૃત્રિમ ઝગમગાટથી દૂર આ વિસ્તારમાં ‘ફાયરફ્લાય’ તરીકે ઓળખાતા આગિયાની વસતિને કારણે રાતના નૈસર્ગિક ઝગમગાટ જોવા મળે છે. આ નાનકડા જીવની એક વાત નારીશક્તિના હિમાયતીના કોલર ટાઈટ કરે એવી છે. નર કરતાં માદા સ્વભાવે વધુ આક્રમક હોય છે. જોકે, બંનેમાં અમુક વાતે વિરોધાભાસ જોવા મળે છે. નર આગિયો ફૂલોમાં રહેલી પરાગરજથી પોતાનું પેટ ભરીને સંતોષ માણે છે, જ્યારે માદા અન્ય જીવનું ભક્ષણ કરીને ભૂખ મટાડે છે. મતલબ કે નર વેજિટેરિયન અને માદા નોન - વેજિટેરિયન! વિશ્વભરમાં આ વિશિષ્ટ જંતુની આશરે 2000 પ્રજાતિ ઉપલબ્ધ છે, પણ ભારતમાં માત્ર સાત કે આઠ પ્રકારના જ આગિયા જોવા મળે છે. આ જીવની એક અજાયબ વાત એ છે કે નરને આકર્ષવા અને પછી સંવનન કરવા માટે માદા એક ચોક્કસ પ્રકારે પ્રકાશ ફેંકે છે. પ્રેમના આ ઇશારાને સમજીને નર હરખઘેલો થઈને માદા પાસે પહોંચી જાય છે. કેટલીક વખત એક જાતિની માદા અન્ય જાતિની માદાની પ્રકાશ ફેંકવાની કળાની નકલ કરે છે. એ જોઈને એ જાતિનો નર ખુશખુશાલ થઈને સંવનન કરવા પહોંચી જાય છે. ટાંપીને બેઠેલી માદા અન્ય પ્રજાતિના નરનું ભક્ષણ કરીને ઓડકાર ખાય છે, બોલો...!
ચોમાસુ બેસવાની તૈયારી હોય ત્યારે આ આગિયાની વસાહતના સાગમટે દર્શન થાય છે. આ સમય સંવનનનો હોય છે અને એટલે ગેલમાં ઉડાઉડ કરતા જોવાની વધુ મજા આવે છે.
વેડિંગનો ઈન્કાર... વેલ્ડિંગનો સાક્ષાત્કાર
એક અક્ષરનો ફરક ધરાવતા Wedding - Welding શબ્દોના અર્થની ભાવનામાં એક રીતે ગજબનું સામ્ય છે. વેડિંગ એટલે કે લગ્ન બે દિલ જોડવાની વાત અને વેલ્ડિંગ એટલે બે ચીજવસ્તુને જોડવાની વાત.
જોકે, ઉત્તર પ્રદેશમાં ભત્રીજાએ વેડિંગનું નિમંત્રણ નહીં આપતા કાકાએ વેલ્ડિંગનું શ ઉગામ્યું હોવાની અણધારી ઘટના બની છે. પારિવારિક પ્રસંગમાં કાયમ નારાજ રહેવા માટે ફુઆ અને બનેવીની ખ્યાતિમાં કાકાનો આશ્ર્ચર્યજનક ઉમેરો થયો છે.
બન્યું એવું કે એક યુવકના ઘડિયા લગ્ન લેવાયા અને ધામધૂમથી વરઘોડો નીકળ્યો જેમાં લોકો મન મૂકીને નાચ્યા. જોકે, હાજર લોકોમાં કાકાની ગેરહાજરી ઊડીને આંખે વળગી. પારિવારિક સંબંધોમાં ખટાશ કે પછી કોઈ અણબનાવને કારણે કાકાને કંકોતરી નહોતી મોકલવામાં આવી. કાકાની ગેરહાજરી સમાજમાં ચર્ચાનો વિષય બની ગઈ. કાકાને હાડોહાડ લાગી આવ્યું પછી એમણે એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વરરાજા આવ્યો ત્યારે જોયું તો એક ભારેખમ તાળું લટકી રહ્યું છે. કાકાએ તાળું તો માર્યું, પણ વેલ્ડિંગ મશીનના કારીગરને બોલાવી દરવાજો જડબેસલાક સીલ પણ કરાવી દીધો. નવોઢાએ ગૃહ પ્રવેશને બદલે ગૃહ પ્રતીક્ષા કરવી પડી. પોલીસ ફરિયાદ અને એક મિીને બોલાવી પોતાના જ ઘરનું તાળું તોડાવ્યા પછી દુલ્હન સાસરાના ઘરમાં દાખલ થઈ શકી. ભત્રીજો સમજી ગયો કે આ નારાજ કાકાના કરતૂત છે, પણ પુરાવાના અભાવે કશું કરી નથી શક્યો.
બ્રેકઅપ થયું છે? AI સાંત્વન આપશે
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ના પ્રચાર અને પ્રસાર એ હદે આગળ વધી રહ્યા છે કે માનવીય જીવનમાં એ કેવું અને કેટલું સ્થાન પચાવી પાડશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
ચીનમાં હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે એ આ દલીલને સમર્થન આપે છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ અનુસાર રિલેશનશિપમાં બ્રેકઅપ થયા પછી ‘ઈટ્સ ઓકે’ કહી બોગદાને છેડે આવતા અજવાળાની આશા રાખવાને બદલે આજના યંગસ્ટર્સ ‘યાદ કિયા દિલને કહાં હો તુમ’ની ફિલોસોફી અપનાવી રહ્યા હોય એવું લાગે છે. ‘ચટ મંગની પટ બ્યાહ ઔર તટ તલાક’ના આધુનિક સ્વરૂપ જેવી બ્રેકઅપ - પેચઅપ લાઈફમાં હવે બ્રેકઅપના દુ:ખને હળવું કરવા ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો ડિજિટલ અવતાર સાંત્વન આપવા હાજર થઈ જાય છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદ વડે તરછોડી ગયેલા સાથી જેવો જ અવાજ, એના જેવા શબ્દપ્રયોગો (ચિલ માર, BFF - બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર કે LMIRL- લેટ્સ મીટ ઈન રિયલ લાઈફ) વાપરી શકે એવા ડિજિટલ અવતારની મદદ લેવાઈ રહી છે. એ છોડી ગઈ કે ગયો હોવા છતાં પાસે છે એ રીતે લાગણી - અહંને પંપાળવામાં આવે છે. તૂટી ગયો હોવા છતાં મૂળ સંબંધ વર્ચ્યુઅલ અવસ્થામાં જળવાઈ રહે છે. આ સગવડથી ઠેસ પહોંચેલા હૃદયને સાંત્વના મળે છે, પણ એક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ડિજિટલ અવતાર ઊભો કરવા કેટલીક અંગત માહિતી શેર કરવી પડે છે અને આ માહિતી ગેરવલ્લે થઈ શકે છે અથવા એનો દુરુપયોગ થઈ શકે છે. જોકે હજી એ નોબત નથી આવી, પણ ચેતતો નર સદા સુખી કહેવત ભૂલવી ન જોઈએ.
લ્યો કરો વાત
આગ લાગી હોય તો એ બુજાવવા માટે આગબંબા પાણીનો ઉપયોગ કરે એ દૃશ્ય તમે ફિલ્મોમાં કે અન્ય ઠેકાણે જરૂર જોયા હશે.જોકે, ક્યારેક પૂરતું પાણી મેળવવાની મુશ્કેલી કે પછી એનાથી સમસ્યા વધવાની સંભાવના રહેલી છે. વૈકલ્પિક ઉપાય તરીકે કેમિકલ અથવા કાર્બન ડાયોકસાઇડનો ફુવારો પણ ઈસ્તેમાલ થતો હોય છે. જોકે, એક અમેરિકન સંશોધકે અવાજની મદદથી અગ્નિશમન કરવાની પદ્ધતિ વિકસાવી છે. આગ સર્જતા કેમિકલ રિએક્શનને તોડી આગ કાબૂમાં આવી જાય એવો દાવો કરવામાં આવ્યો છે. ઉષ્ણતા, ઈંધણ અને પ્રાણવાયુ (ઓક્સિજન)એ ત્રણ આગના સર્જનમાં નિમિત્ત બને છે. ઈન્ફ્રાસાઉન્ડ વેવની મદદથી ઓક્સિજનને ઈંધણથી અલગ પાડી આગ પર નિયંત્રણ મેળવી શકાય એવી વૈજ્ઞાનિક દલીલ કરવામાં આવી છે. આ ટેક્નોલોજીને કારણે આગને ટકી રહેવા કે વધવા જરૂરી પ્રાણવાયુ મળતો બંધ થઈ જાય છે અને સરવાળે આગ કાબૂમાં આવી જાય છે. ટૂંકમાં આગને બરાડા પાડીને કહેવાનું કે ‘નીકળ અહીંથી’ અને જુઓ જાદુ. આગ ગાયબ.