સુરતઃ ગરમીનો પ્રકોપ વધવાની સાથે સુરતમાં રોગચાળો વકર્યો છે. બાળક સહિત 3નાં મોતથી ફફડાટ ફેલાયો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. તાવ, કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે એક બાળક સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થતાં તંત્રમાં હડકંપ મચ્યો છે.
લિંબાયત વિસ્તારમાં 5 વર્ષના બાળકે ટૂંકી માંદગી બાદ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું છે. લિંબાયત સ્થિત પ્રતાપનગરમાં રહેતા નાજીન સૈયદ ચાની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 5 વર્ષનો પુત્ર હસનેન, જે આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો, તેને ગત સોમવારે સાંજે અચાનક તીવ્ર તાવ આવ્યો હતો અને ત્યારબાદ ઝાડા શરૂ થઈ ગયા હતા. બાળકની તબિયત બગડતા પરિવારે તાત્કાલિક હોસ્પિટલ જવાને બદલે નજીકની મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને આપી હતી.
મંગળવારે વહેલી સવારે હસનેનની સ્થિતિ વધુ ગંભીર બની હતી. પરિવાર તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. નાજીન સૈયદનો હસનેન એકનો એક પુત્ર હતો. હસતા-રમતા બાળકના અચાનક મોતના સમાચાર મળતા જ માતા-પિતા સહિત પૂરા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. બે દિવસ પહેલા બે લોકોના મોત થયા હતા. જેમાં એક મૃતક પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. વેડરોડ રહેતા અને કલરકામ કરતાં યુવકનું પણ કમળાથી મોત થયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ઉનાળામાં પણ ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કમળો અને ટાઈફોડના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં એપ્રિલમાં કમળાના 83, ટાઇફોડના 63, ડેન્ગ્યુના 32, તાવના 72, મેલેરીયાના 101 કેસ નોંધાયા હતા.