Mon Aug 31 2026

Logo

નગરસેવિકાના પતિની ચાકુના ઘા ઝીંકી હત્યા

2026-07-01 18:51:50
Author: Yogesh C. Patel
નગરસેવિકાના પતિની ચાકુના ઘા ઝીંકી હત્યા

અકોલા: જૂની અદાવતને પગલે કૉંગ્રેસની નગરસેવિકાના પતિની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના અકોલામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે થયેલા હુમલામાં યાકુબ ખાન યુનુસ ખાન (57)નું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. યાકુબ ખાનની પત્ની રાફિયા બી યાકુબ ખાન અકોલા શહેરમાં કૉંગ્રેસની નગરસેવિકા છે.

યાકુબ બાઈક પર રેલવે સ્ટેશનેથી આગ્રાસેન ચોક તરફ જઈ રહ્યો હતો ત્યારે સામેની દિશામાંથી આરોપી વાસિમ અહમદ તેના વાહનમાં આવ્યો હતો. યાકુબની બાઈકને ટક્કર માર્યા પછી વાસિમે ચાકુથી હુમલો કર્યો હતો. ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવતાં યાકુબનું મોત નીપજ્યું હતું.

હુમલા પછી આરોપીએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ જ વિસ્તારમાં હાજર પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ ધાગેકરે તેને પકડી પાડ્યો હતો. જૂની દુશ્મનાવટને પગલે આ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)