Sat Aug 29 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી જશે: અખિલેશ યાદવ ઈન્ડી ગઠબંધનના સાથીઓને ટેકો આપવાનું વચન આપ્યું...

2026-03-15 20:11:00
Author: Vipul Vaidya
પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી જશે: અખિલેશ યાદવ ઈન્ડી ગઠબંધનના સાથીઓને ટેકો આપવાનું વચન આપ્યું...

મુંબઈ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે એવો દાવો કર્યો હતો કે ભાજપ આવતા મહિને પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભાની ચૂંટણી હારી જશે, અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી મુખ્ય પ્રધાન રહેશે.

મુંબઈમાં પત્રકારોને સંબોધતાં યાદવે આસામ, પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ સહિત ચાર રાજ્યોમાં ઈન્ડિ બ્લોકના ભાગીદારોને સમાજવાદી પાર્ટીના સમર્થનની પુષ્ટિ કરી હતી, જ્યાં એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 

‘અમે આસામમાં એક બેઠક માંગી રહ્યા છીએ, અને જો તે ન થાય તો પણ, અમે ઈન્ડિ ગઠબંધનના સાથીઓને ટેકો આપીશું,’ એમ તેમણે કહ્યું હતું. આસામ અને કેરળમાં 9 એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાશે.

યાદવે ભારતના ચૂંટણી પંચને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ર્ચિત કરવા અને તે કેન્દ્ર સરકારના હાથમાં કઠપૂતળી ન બને તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.તેમણે પશ્ર્ચિમ બંગાળના મતદારોની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ટેકો આપવા બદલ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે લોકો કેન્દ્ર સરકારના ભેદભાવ કે ગેરવહીવટને ભૂલશે નહીં.

ભાજપ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ‘સન્માનજનક હાર’ ઇચ્છે છે, એવો તેમણે દાવો કર્યો હતો અને ઉમેર્યું હતું કે, પૂર્વી રાજ્યના લોકો રાજકીય રીતે જાગૃત છે અને મમતા બેનર્જી મુખ્ય પ્રધાન તરીકે પુનરાગમન કરશે. 

સપાના નેતાએ એવો દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ‘બુલડોઝર ડ્રાઇવર’ બદલાશે અને તેઓ યોગી આદિત્યનાથને સ્થાને મુખ્ય પ્રધાન બનશે. તેમણે વધુમાં કહ્યું કે જો ઉત્તર પ્રદેશમાં તેઓ સત્તામાં આવશે, તો સમાજવાદી પાર્ટી છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત ઇટાવામાં 1,000 એકરનો પાર્ક વિકસાવશે.

‘મરાઠા સમ્રાટ સાથે અમારો લાંબો સંબંધ છે,’ એમ જણાવતાં તેમણે ઉમર્યું હતું કે, તેમની સરકારે શિવાજીની યાદમાં આગ્રામાં એક સંગ્રહાલય બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ ભાજપે તે થવા દીધું નહોતું. 

‘અમે એક એવા ઉત્તર પ્રદેશનું સ્વપ્ન જોઈએ છીએ, જ્યાં તેના વતનીઓને આજીવિકા શોધવા માટે બહાર જવાની જરૂર ન પડે, પરંતુ જે અન્ય રાજ્યોના રહેવાસીઓને નોકરીની તકો સાથે આકર્ષી શકે,’ એમ તેમણે કહ્યું હતું.