Thu Jan 29 2026

Logo

White Logo

અમદાવાદ સેન્ટ્રલ જેલની 'વિકાસદીપ' યોજના: કેદીઓના સંતાનો બન્યા સરકારી અધિકારી

12 hours ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં અનેક કેદીઓ પોતે કરેલા કર્મોની સજા ભાગવી રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

શું છે આ ‘વિકાસદીપ’ યોજના?

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 બે બંદીવાનના દીકરાઓ સરકારી નોકરી મેળવી

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્રએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. આ સાથે રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્રએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.

રૂપિયા 15,001નું રોકડ પુરસ્કાર અને યાદગાર મોમેન્ટો અપાઈ

આ બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાના હસ્તે ‘વિકાસદીપ’ યોજના હેઠળ રૂપિયા 15,001/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જેલ મહાનિરીક્ષક, અમદાવાદ જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી.

છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો

1. 'એક નઈ ઉમ્મીદ' યોજના અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ 10, ધોરણ 12 તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 57 બંદીવાનોને તારીખ 12/08/2024ના રોજ રૂપિયા 74,057/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

2. 38 પાકા બંદીવાનોના કુલ 39 બાળકોને તારીખ 21-11-2024ના રોજ રૂપિયા 54,038/- તથા તારીખ 25-06-2025ના રોજ પાકા 34 બંદીવાનોના કુલ 38 બાળકોને રૂપિયા 47,538/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

3. તારીખ 22/01/2026ના રોજ કુલ પાકા 10 બંદીવાનના 10 બાળકોને રૂપિયા 11,500/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતાં. 

4. રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને 'એક નઈ ઉમ્મીદ' યોજના અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ 51 બંદીવાનોને તારીખ 25-06-2025ના રોજ રૂ.57,551/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું

5. તારીખ 22/01/2026ના રોજ કુલ 01 બંદીવાનને રૂપિયા 1,501/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.