Mon Sep 07 2026

Logo

આજે અમદાવાદમાં રીક્ષા હડતાળ, અદાણીએ 8 વાર CNGના ભાવ વધારતાં રીક્ષાચાલકો વિફર્યા

2026-08-05 08:57:11
Author: Mayur Patel
આજે અમદાવાદમાં રીક્ષા હડતાળ, અદાણીએ 8 વાર CNGના ભાવ વધારતાં રીક્ષાચાલકો વિફર્યા

AI Generated Images


અમદાવાદઃ અદાણીએ 2026માં 8 વાર CNGના ભાવ વધારતાં રીક્ષાચાલકો વિફર્યા છે. રીક્ષાચાલકો દ્વારા આજે અને આવતીકાલે હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે શહેરમાં ફરતી આશરે એક લાખ રીક્ષાના પૈડાં થંભી જવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. રીક્ષાચાલકો દ્વારા ભાડું નહીં વધારવામાં આવે અને CNGના ભાવ નહીં ઘટાડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે, CNGના વધતા ભાવ અને ભાડા વધારાનું નોટિફિકેશન ન મળતા રિક્ષાચાલકોમાં ભારે રોષ છે. પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરાતાં આજે અને આવતીકાલે અંદાજે એક લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે. વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આ નિર્ણય લેવાયો હતો, જેના કારણે રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ જતા મુસાફરો, વિદ્યાર્થીઓ તથા નોકરીયાતોને ભારે મુશ્કેલી પડશે. યુનિયને ચેતવણી આપી છે કે જો સરકાર અને ગેસ કંપનીઓ ભાવ ઘટાડા અંગે તાત્કાલિક નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અમદાવાદમાં શું છે CNGનો ભાવ

અદાણીએ 1 ઓગસ્ટના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 4 રૂપિયાનો વધારો કરાયો હતો. જે બાદ શહેરમાં CNGનો ભાવ 94.02 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. આ પહેલા 19 જુલાઈ, 2026ના રોજ  અદાણી દ્વારા 2026માં સાતમી વાર CNGના ભાવ વધારવામાં આવ્યો હતો જે બાદ અમદાવાદમાં CNG  ભાવ 90.02 રૂપિયા પર પહોંચ્યો હતો. આ પહેલા શહેરમાં છેલ્લે 27 મેના રોજ અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. 

1 જાન્યુઆરી, 2026ના રોજ અદાણી CNGના ભાવમાં રૂ. 1.21નો ઘટાડો કર્યો હતો, જેના પગલે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.17 પર પહોંચ્યો હતો. જોકે, 23 જાન્યુઆરીના રોજ CNGના ભાવમાં 60 પૈસાનો વધારો કરી દેવાતા ભાવ રૂ. 81.77 પર પહોંચ્યા હતા. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી CNGના ભાવમાં કિ.ગ્રા. પર 50 પૈસા, 2 એપ્રિલના રોજ ફરી રૂ. 1.50નો તોતિંગ વધારો કરવામાં આવતા શહેરમાં CNGના ભાવ રૂ. 83.77 પર પહોંચ્યો હતો.  જે બાદ 16 મેના રોજ ફરી રૂ. 2.25,  27 મેના રોજ ફરી રૂ. 2 તેમજ 19 જુલાઈના રોજ પણ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટે સીધો જ 4 રૂપિયાનો વધારો કરતાં ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોમાં રોષ ફેલાયો હતો.