અમદાવાદઃ કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલે છે. ઘણી વખત તો ન્યાય માટે કેટલાય વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. આ વાત છે, વર્ષ 2012ની, જ્યારે 15 લાખના લાંચ કેસમાં એસીબી દ્વારા તત્કાલીન પીઆઈ એમ.ડી. ઉપાધ્યાય સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ સામે લાંચની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે PI એમ.ડી. ઉપાધ્યાય સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે ACB દ્વારા રજૂ કરવામાં આવેલી ‘A’ સમરી મંજૂર કરી દીધી છે. ચાલો વિગતે જોઈએ...
કોર્ટે ત્રણેય પોલીસ કર્મચારીઓને રાહત આપી
આ કેસેમાં કોર્ટે નોંધ્યું કે, આરોપી સામે પ્રત્યક્ષ રીતે લાંચની માંગણી કરી હોવાના પુરાવા મળ્યાં નથી. જેથી કોર્ટે ફરિયાદી દ્વારા કરવામાં આવેલી વાંધા અરજીને ફગાવી દીધી અને આ ત્રણેય પોલીસ કર્મચારીઓને રાહત આપી દીધી છે. ઘટના એવી છે કે, 2012માં PI એમ.ડી. ઉપાધ્યાય સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે ગેરકાયદે પ્રવેશ અને 15 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબીએ નોંધી હતી. આ ફરિયાદ રેખાબેન કમાભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી. આરોપ એવો હતો કે, પોલીસ કર્મચારીઓએ તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો અને પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
ફ્લેટ વેચીને 11 લાખ રૂપિયા આપ્યાં હોવાનો દાવો
ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમણે પોતાનો ફ્લેટ વેચીને 11 લાખ રૂપિયા આપી દીધી હતાં, તેમ છતાં વધારે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેથી આ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરીને એસીબી દ્વારા કોર્ટમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
એસીબીએ ‘એ’ સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો
એસીબી દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં હેડ કોન્સ્ટેબલ શક્તાભાઈ જકસીભાઈ ભરવાડ સામે પુરાવા મળ્યાં હતાં પરંતુ ત્કાલીન PI એમ.ડી. ઉપાધ્યાય, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ શનાભાઈ સોલંકી અને કોન્સ્ટેબલ સહદેવસિંહ ભુપતસિંહ ઝાલા વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યાં ના હોવાથી એસીબી દ્વારા ‘એ’ સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ‘એ’ સમરી ગ્રાહ્ય રાખીને ફરિયાદીએ કરેલી વાંધા અરજીને ફગાવી દીધી હતી.