(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાયગઢમાં એક કાર્યક્રમમાં બેનરમાંથી સ્વર્ગસ્થ નેતા અજિત પવાર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના ફોટા ગાયબ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ માટે વિપક્ષે પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને મિનિસ્ટર અદિતિ તટકરેની ટીકા કરી હતી. અંતે, રાજ્યના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ આ વિવાદ પર પોતાના તરફથી ખુલાસો કર્યો છે.
આ બાબતે દુ:ખ વ્યક્ત કરતાં અદિતિ તટકરેએ કહ્યું હતું કે, ‘સ્થાનિક સ્તરે કાર્યકરો દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અજિતદાદા અને સુનેત્રા કાકીનો ફોટો ભૂલથી ગ્રામ પંચાયત સ્તરના આ કાર્યક્રમમાં બેનર પરથી ગુમ થઈ ગયો હશે. હું આ માટે દિલથી માફી માંગુ છું.’
કાર્યકરોની વફાદારી વિશે વાત કરતાં તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘અજિતદાદા અને સુનેત્રા કાકીનું અમારા હૃદયમાં મજબૂત સ્થાન છે. ફક્ત બેનર પર કોઈ ફોટો ન હોવાને કારણે કોઈની વફાદારીનો નિર્ણય ન કરવો જોઈએ. બેનર પર ફોટો હોય કે ન હોય તે ટેકનિકલ ભૂલ હોઈ શકે છે, પરંતુ પાર્ટી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા જળવાઈ રહે છે.’ આ વિવાદને વેગ આપતી સિસ્ટમ પર નિશાન સાધતા, અદિતિ તટકરેએ કહ્યું હતું કે, ‘આ પ્રસંગે એક સારી વાત એ થઈ કે અમને સમજાયું કે સ્થાનિક સ્તરે નાની ભૂલોની મજાક ઉડાવતી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે. આજે જે લોકો આ મુદ્દાને ચગાવી રહ્યા છે તેઓ દાદા જીવતા હતા ત્યારે તેમની ટીકા કરી હતી.’ તેમણે એમ કહીને વિવાદને ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો હતો કે સુનેત્રા પવારને અમારા કાન આમળવાનો પૂરો અધિકાર છે.