નેશનલ ટ્રેડ ફેસિલિટેશનના 48 કલાકના લક્ષ્યાંક સામે માત્ર 32 કલાક 27 મિનિટમાં ક્લીયરન્સ; એક જ વર્ષમાં 41.6 ટકાનો સુધારો
ભુજ: અદાણીનું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ભારતનું સૌથી ઝડપી અને કાર્યક્ષમ વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા 'નેશનલ ટાઇમ રિલીઝ સ્ટડી' 2026ના અભ્યાસ રિપોર્ટ અનુસાર, દેશના તમામ અગ્રણી બંદરોમાં મુન્દ્રા બંદરે આયાતી માલસામાનનું સૌથી ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રિપોર્ટ મુજબ, મુન્દ્રા બંદરે આયાતી માલસામાન માટેનો સરેરાશ નિકાલ સમય, વર્ષ 2025ના 55 કલાક 34 મિનિટથી ઘટાડીને 2026માં માત્ર 32 કલાક 27 મિનિટ કરી લીધો છે. આમ, એક જ વર્ષમાં 41.6 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવીને મુન્દ્રા પોર્ટે નેશનલ ટ્રેડ ફેસિલિટેશન એક્શન પ્લાન દ્વારા નિર્ધારિત 48 કલાકના લક્ષ્યાંકને સરળતાથી પૂર્ણ કર્યો છે.
આ સિદ્ધિ અંગે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, "ભારતના સૌથી ઝડપી પોર્ટ તરીકેની ઓળખ મેળવવી એ મુન્દ્રા પોર્ટ માટે ગૌરવની ક્ષણ છે. આ સફળતા મુન્દ્રા કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ ભાગીદારો અને સમગ્ર વ્યાપારી વ્યવસ્થા વચ્ચેના મજબૂત સંકલનને આભારી છે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ, મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર નીતિન સૈની અને તેમની સમગ્ર ટીમનો તેઓએ આભાર માન્યો હતો.
મુન્દ્રા અદાણી પોર્ટનો સરેરાશ ક્લીયરન્સ સમય 32 કલાક 27 મિનિટ રહ્યો છે. તેની સરખામણીએ મુંબઈના ન્હાવાશેવા પોર્ટમાં 6૫ કલાક 52 મિનિટ, ચેન્નાઈ પોર્ટમાં 85 કલાક 59 મિનિટ અને કોલકાતા પોર્ટમાં 155 કલાક 9 મિનિટનો સમય નોંધાયો છે. મુન્દ્રા પોર્ટ પર પ્રોસેસ થયેલા 78.39 ટકા 'બિલ ઓફ એન્ટ્રી'નું ક્લીયરન્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયું હતું, જે સમગ્ર દેશમાં સર્વોચ્ચ છે.
ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર - ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી મોડેલ હેઠળ આયાતી માલનો સરેરાશ નિકાલ સમય માત્ર 15 કલાક 18 મિનિટ રહ્યો હતો. જ્યારે સામાન્ય ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી હેઠળ 24 કલાક 30 મિનિટ અને કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન મારફતે 34 કલાક 52 મિનિટનો સમય લાગ્યો હતો.
રેલવે ઇનલેન્ડ કન્ટેનર ડેપો (લુધિયાણા-58 કલાક, તુગલકાબાદ-85 કલાક 45 મિનિટ) અને દેશના મુખ્ય એર કાર્ગો કોમ્પ્લેક્સ (અમદાવાદ-35 કલાક 41 મિનિટ, દિલ્હી-36 કલાક 1 મિનિટ, મુંબઈ-43 કલાક 24 મિનિટ) કરતા પણ મુન્દ્રા પોર્ટની કાર્ગો ક્લીયરન્સની ઝડપ સૌથી ઉત્કૃષ્ટ રહી છે.