Sat Apr 18 2026

Logo

મહારાષ્ટ્ર કેબિનેટના 5 મોટા નિર્ણયોઃ સરકારી કંપની શેરબજારમાં લિસ્ટેડ થશે, નવી IT કેડરની જાહેરાત

2026-04-07 19:15:51
Author: Mumbai Samachar Team
Article Image

મહારાષ્ટ્ર પ્રધાનમંડળનો મોટો નિર્ણય: નવું IT મંત્રાલય, મહાવિતરણનું લિસ્ટિંગ અને પૂર રાહત યોજનાઓને મંજૂરી

મુંબઈઃ આજે રાજ્ય પ્રધાનમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી,જેમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રધાનમંડળના નિર્ણય મુજબ, રાજ્યમાં હવે 'ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' માટે એક અલગ મંત્રાલયનું ગઠન કરવામાં આવશે. 

મહાવિતરણની નાણાકીય સ્થિતિ સુધારવા માટે 'બોલ્ડ' પગલાં લેવાના સરકારના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. વહીવટમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે બે મહત્વપૂર્ણ કંપનીઓની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત, કોલ્હાપુર અને સાંગલી જેવા પૂરગ્રસ્ત વિસ્તારોને મોટી રાહત આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો

1) મહારાષ્ટ્રમાં એક નવો સ્વતંત્ર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિભાગ સ્થાપવામાં આવશે. "વિકસિત ભારતમાં વિકસિત મહારાષ્ટ્ર" 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયામકમંડળને ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કમિશનરેટમાં રૂપાંતરિત કરવામાં આવશે. મંત્રાલય, કમિશનર કચેરીઓ અને તમામ જિલ્લાઓ માટે કાયમી જગ્યાઓ સાથે એક નવું આઇટી કેડર બનાવવામાં આવશે. આનાથી, રાજ્યમાં આઇટી, એઆઈ અને ડિજિટલ ગવર્નન્સને વેગ મળશે.

2) મહારાષ્ટ્ર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટર (MRSAC) હવે એક કંપની બનવા જઈ રહી છે. સોસાયટીઝ એક્ટ 1860 હેઠળ નોંધણી રદ કરીને કંપની એક્ટ, 2013 ની કલમ 8 હેઠળ કંપની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રોડ ઇન્ફર્મેશન સિસ્ટમ, અર્બન પ્લાનિંગ, જળયુક્ત શિવાર - વોટરશેડ ડેવલપમેન્ટ, ડોંગરી વિકાસ યોજના, ઇ-પંચનામા, મહાએગ્રી ટેક, મેન્ગ્રોવ અભ્યાસ, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, ખનીજ અને ખાણ અભ્યાસને પ્રોત્સાહન મળશે.

3) જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વહીવટમાં ગતિશીલતા લાવવા માટે મહારાષ્ટ્ર જીઓટેકનોલોજી એપ્લિકેશન સેન્ટર (મહાજીઓટેક) કંપનીની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજી, સંશોધન, જીઓસ્પેશિયલ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા વિભાગ  વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને સંશોધકો માટે શૈક્ષણિક કાર્યક્રમો અમલમાં મૂકી શકશે.

4) મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની - મહાવિતરણના નાણાકીય બાબતોનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 32,679 કરોડ રૂપિયાની સરકારી ગેરંટીવાળી લોન માટે મૂડી બજારમાં સરકારી બોન્ડ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ વિતરણ વ્યવસાયને ડિમર્જ (એગ્રી ડિમર્જર) કરવામાં આવશે. ઉપરાંત, મહાવિતરણને શેર બજારમાં લિસ્ટેડ કરવામાં આવશે.

5) મહારાષ્ટ્ર રિસ્પોન્સિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MRDP) લાગુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનમાં ખાનગી મૂડીની મદદથી ભંડોળ એકત્ર કરવામાં આવશે. તેને વિશ્વ બેંક તરફથી 165 કરોડ રૂપિયાનું ભંડોળ મળશે. આપત્તિગ્રસ્ત નાગરિકોને ગૃહ લોનમાં છૂટછાટ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન તેમજ વીમા કવચ પૂરું પાડવામાં આવશે. પૂરના પાણીના નિકાલ માટે કોલ્હાપુર, સાંગલી, ઇચલકરંજી શહેરો સહિત કૃષ્ણા ખીણ માં પૂરનું જોખમ ઘટાડવા માટે નિવારણ યોજનાઓ તૈયાર કરવામાં આવશે.