થાણે: સેક્સ રૅકેટના 10 વર્ષ જૂના કેસમાં પીડિત મહિલા અને બોગસ ગ્રાહકને ફરિયાદ પક્ષે ચકાસ્યા નહીં, એવું કારણ આપીને થાણેની સેશન્સ કોર્ટે બે આરોપીને નિર્દોષ છોડ્યા હતા.
એડિશનલ સેશન્સ જજ આર. એસ. ભાકરેએ ગોપાલપ્રસાદ રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા (44) અને રાકેશકુમાર શામલાલ સરોજ (48) વિરુદ્ધના બધા આરોપ પડતા મૂક્યા હતા. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ઈમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષ અનુસાર થાણેના ઘોડબંદર રોડ પરના એક સ્થળે પોલીસે સપ્ટેમ્બર, 2016ના રોજ રેઇડ કરી હતી અને બોગસ ગ્રાહકની મદદથી એક રિક્ષામાંથી આરોપી અને બે મહિલાને પકડી પાડ્યાં હતાં.જજે નોંધ કરી હતી કે ટ્રાયલ દરમિયાન મહિલા કે બોગસ ગ્રાહકનું પરીક્ષણ કરાયું નહોતું.પીડિતાની ઊલટતપાસ લેવામાં આવી નથી એટલે તેણે તપાસકર્તા પક્ષને જે કંઈ કહ્યું છે તે કહેવાતી વાતો ગણી શકાય. આ પુરાવાની નબળી કળી છે, એવું અવલોકન જજે કર્યું હતું.
કોર્ટે એવી પણ નોંધ કરી હતી કે ફરિયાદ પક્ષે બોગસ ગ્રાહકની પણ ઊલટતપાસ કરી નથી. તેથી આરોપી અને પીડિતા વચ્ચે જે વાતો થઈ તે તેઓ જ કહી શકે છે.સ્વતંત્ર સાક્ષીદારોનો સંદર્ભ આપતાં કોર્ટે જણાવ્યું હતું કે તે અનેક કેસોમાં સ્વતંત્ર સાક્ષી રહ્યા છે. કોઈ સ્વતંત્ર પુરાવો ન હોવાથી કોર્ટે બન્ને આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. (પીટીઆઈ)