Wed Aug 19 2026

Logo

આવા અનિશ્ર્ચિત સમયમાં રોકાણ માટે હાઈબ્રિડ ફંડ્સ બહેતર કેમ?

2026-08-09 10:05:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

ઇક્વિટીઝમાં રોકાણ સારું રહેશે કે ડેટ સાધનોમાં? કે પછી ગોલ્ડ-સિલ્વરમાં અથવા અન્ય ભિન્ન એસેટ્સમાં? આવા સવાલ ઊભા કરતો માહોલ હોય ત્યારે અમુક ફંડ્સ એવા છે જે વિવિધ એસેટ્સમાં રોકાણ કરવાનો વિકલ્પ એક સાથે આપે છે. આ વિકલ્પને હાઈબ્રિડ ફંડ કહે છે. આવો, એને સમજી લઈએ...

 

જયેશ ચિતલિયા

 

જ્યારે પણ શૅરબજારમાં રોકાણ માટે મૂંઝવણ ઊભી થાય, જોખમ વધુ હોવાનું લાગે, વૉલેટિલિટી ભારે હોય, અનિશ્ર્ચિતતા સતત માથે રહેતી હોય, આવા સમયમાં મ્યુચ્યુઅલ ફંડ સૌથી બહેતર માર્ગ ગણાય છે. આ માર્ગમાં પણ અનેક જોખમ સામે રક્ષણના વિકલ્પ હોય છે, જેમ કે રોકાણ માટે ઇક્વિટીઝ ભરોસાપાત્ર ન લાગે તો તેમાં ડેટ સાધન ઉમેરી શકાય. એમ લાગે કે ઇક્વિટીઝ અને ડેટ ઉપરાંત પણ કોઈ સાધન ઉમેરવું છે તો સોનું-ચાંદી ઉમેરી શકાય. આમ વિવિધ એસેટ્સને એક ફંડમાં આવરી લેવા હોય તો હાઈબ્રિડ ફંડને પસંદ કરાય. 

 

તાજેતરની વેસ્ટ-એશિયા ક્રાઇસિસ (યુએસ-ઈરાન યુદ્ધ) એ સતત નવું વિચારવાની ફરજ પાડી છે. રોકાણ વિશ્વમાં જયારે પણ ઇક્વિટીઝ અને સોના-ચાંદી જેવાં સાધનોમાં અનિશ્ર્ચિતતા સૌથી મોટી ચિંતાનો વિષય બને ત્યારે રોકાણનાં સાધનોની વેરાયટીઝ પણ વધારી શકાય છે, જેમાં પ્રૉપર્ટીઝ-રિઅલ એસ્ટેટ સહિતનાં નવાં સાધનો સમાવી શકાય છે. સમય અને સંજોગો સાથે એસેટ્સ એલોકેશન તેમ જ વૈવિધ્યકરણનો વ્યાપ પણ વધી રહ્યોે છે. 

 

હવે મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનાઓમાં નવાં સાધનો ઉમેરીને તેમાનું સંભવિત જોખમ મૅનેજ કરી શકાય છે. આમ કરવામાં વળતર ઓછું મળે એવું બની શકે, પરંતુ  જોખમ પણ ઘટી જાય છે.

 

હાઇબ્રિડ ફંડ્સનું મહત્ત્વ

 

અત્યાર સુધી ઇક્વિટીઝ સાથે ડેટ સાધનો અને પછી ગોલ્ડ જેવી કૉમોડિટીઝ પણ ઉમેરાઈ. હવે અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ સાધનોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવી યોજનાને પણ સામેલ કરવા લાગ્યા છે. હાલમાં લોકોએ માર્કેટની દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું હશે તો ડાઇવર્સિફાઇડ એલોકેશન માટે સજ્જ થવું પડશે, આનો એક મહત્ત્વનો માર્ગ હાઈબ્રિડ ફંડ છે. 

 

આ ફંડ્સના દાવા મુજબ તે રોકાણકારોને માર્કેટની વૉલેટિલિટીનો સામનો કરવામાં સહાય કરે છે. નિષ્ણાતોના મત મુજબ હાઈબ્રિડ ફંડમાં ઇક્વિટીઝ મૂડીવદ્ધિની તક આપે છે. જોકે તેમાં જોખમ પણ હોય છે, જ્યારે કે ડેટ સાધનો એકંદરે ઇક્વિટી કરતાં બહેતર સલામતી સાથે સ્થિર આવક ઑફર કરે છે, સોના જેવું સાધન ઇન્ફ્લેશન (મોંઘવારી) સામે હેજિંગની ભૂમિકા ભજવે છે. અર્થાત્ રક્ષણ આપે છે. આમ ફંડની સમતુલા જળવાય છે. 

 

 આવા ફંડ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ યોજના ઉમેરાતાં વૈવિધ્યકરણ વધે છે, 

 

જેથી કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ તેની ઑફર સાથે આવ્યા છે. આવા ફંડ્સમાં રિટ (રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) પણ સમાઈ શકે છે. જોકે વધુ પડતી વિવિધ એસેટ્સનું મૅનેજમેન્ટ અઘરું બની શકે યા વળતર સામે સવાલ ઊભા કરી શકે એવો મત પણ વ્યકત થાય છે.    

 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વે. ફંડને સમજીએ તો આ ફંડ પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરે છે, આ રોકાણ જે ઇન્ફ્રાસ્ટ્રકચર સાધનોમાં નિયમિત આવક રળી શકાય તેમાં થતું હોવાથી હાઈબ્રિડ ફંડને વધુ એક અલગ એસેટનો લાભ મળે છે. જયારે કે રિટ એવી કમર્શિયલ રિઅલ એસ્ટેટમાં રોકાણ કરે છે, જેમાંથી ભાડાં અને લિઝની નિયમિત આવક થાય.

 

 હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ટરનૅશનલ ઇક્વિટીઝમાં પણ રોકાણ કરે છે, તેનો મૂળ ધ્યેય ફંડનો ગ્રોથ અને સ્થિરતા હોય છે. આમાં કયા સાધનમાં કેટલા ટકા રોકાણ કરવું એ આયોજન ફંડ મૅનેજર્સ પ્રવર્તમાન નીતિ-નિયમો મુજબ કરે છે.

 

વિવિધ પ્રકાર સમજી લો...

 

હાઈબ્રિડ ફંડમાં પણ પ્રકારો હોય છે, જેમ કે ક્ધઝર્વેટિવ ફંડ, જે વધુ જોખમ ન લેવાના આશયથી ઇક્વિટી રોકાણનું પ્રમાણ ઓછું રાખે છે. બૅલેન્સ્ડ ફંડ જે જોખમ, વૃદ્ધિ અને સલામતીની સમતુલા જાળવવાનું લક્ષ્ય રાખે છે, જેથી ઇક્વિટીનું પ્રમાણ ક્ધઝર્વેટિવ ફંડ કરતાં વધુ રાખે છે. 

 

અગ્રેસિવ ફંડમાં ઇક્વિટીઝનું પ્રમાણ ઊંચું રહે છે. જ્યારે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ બજારની સ્થિતિને આધારે તેમાં ફેરફાર કરતું રહે છે. મલ્ટી એસેટ ફંડ કમ સે કમ ત્રણ એસેટમાં રોકાણ કરે છે. દાખલા  તરીકે : ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ. અમુક બ્રૉડર ડાઇવર્સિફિકેશન ફંડ વધુ એસેટ્સને આવરી લે છે. આમ એક જ પોર્ટફોલિયોમાં વિવિધ એસેટ્સના સમાવેશથી જોખમ વહેંચાઈ જાય છે, જેને લીધે નવા રોકાણકારો માટે આ ફંડ વધુ અનુકૂળ કહી શકાય.

 

હા, આવા ફંડ્સમાં વા્ૅલેટિલિટી ઓછી હોય છે, કિંતુ સાથે-સાથે તેજીની બજારમાં પણ વળતરનું પ્રમાણ એકંદરે ઓછું રહે છે. ઓછાં જોખમ સાથે નિયમિત આવકની અપેક્ષા રાખનાર વર્ગ માટે હાઈબ્રિડ ફંડ બહેતર ગણાય છે. બદલાતા જતા વૈશ્વિક સંજોગો સાથે રોકાણ જગતમાં નવા આઇડિયા સાથે નવાં સાધનો આવવા લાગ્યાં છે. ભારતીય બજારનો ટ્રેન્ડ બદલાતો જાય છે તેમ છતાં ગ્લોબલ સ્તરે વિવિધ પરિબળોની સંભવત: અસરોને ધ્યાનમાં રાખી વધુ જોખમ ન લેવા માગતા રોકાણકારો માટે હાઇબ્રિડ ફંડ્સ વિચારલાયક વિકલ્પ છે.

 અલબત્ત, દરેક  રોકાણકારે પોતાના સલાહકાર કે પ્લાનર સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય લેવો જોઈએ.