હેડ-કોચ ગૌતમ ગંભીર ક્યાં સુધી સૂર્યાને બચાવશે? સિલેક્ટરો આકરો નિર્ણય લઈ શકે
મુંબઈઃ મે મહિનાના અંત સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલશે અને ત્યાર પછી લગભગ ત્રણ અઠવાડિયા પછી ભારતીય ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય સિરીઝો શરૂ થશે, પરંતુ ટી-20 ટીમની કૅપ્ટન્સી સૂર્યકુમાર યાદવ ગુમાવી શકે એવી ચર્ચા અત્યારથી શરૂ થઈ છે અને તેના અનુગામી તરીકે શ્રેયસ ઐયર (Shreyas Iyer) તથા સંજુ સૅમસન (Sanju Samson)ના નામ બોલાઈ રહ્યા છે.
ભારતે 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં અને 2026માં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. રોહિત ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, જ્યારે 35 વર્ષનો સૂર્યકુમાર (Suryakumar) છેલ્લા લગભગ એક વર્ષથી અને હવે આઇપીએલમાં સારી બૅટિંગ ન કરી શક્તો હોવાથી તેની કૅપ્ટન્સી ભયમાં છે.
સૂર્યકુમારની કૅપ્ટન્સીમાં ભારત બાવન ટી-20 મૅચ રમ્યું છે જેમાંથી 42 જીત્યું છે અને ફક્ત આઠ મૅચમાં ભારતનો પરાજય થયો છે. કૅપ્ટન તરીકે તેની સફળતાનો રેશિયો 80.76 ટકા છે. તેનો આ રેકૉર્ડ રોહિત શર્મા અને એમએસ ધોનીથી પણ સારો છે, પરંતુ તેની નબળી બૅટિંગ સિલેક્ટરો માટે મોટી ચિંતાનો વિષય છે.
2025માં સૂર્યાએ 19 ઇનિંગ્સમાં કુલ માત્ર 218 રન કર્યા હતા. 13.62 તેની બૅટિંગ-ઍવરેજ હતી અને 123.16 તેનો સ્ટ્રાઇક-રેટ હતો જે ટી-20ના ફૉર્મેટમાં જરાય સારો ન કહેવાય. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં તેણે કુલ 242 રન કર્યા હતા, પરંતુ સેમિ ફાઇનલમાં 11 રનમાં અને ફાઇનલમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો.
હેડ-કોચ ગૌતમ ગંભીરને સૂર્યકુમારની કૅપ્ટન્સી પર પૂરો ભરોસો છે, પરંતુ એવું મનાય છે કે સિલેક્ટરો સૂર્યકુમારને વધુમાં વધુ આગામી જૂન મહિનાની આયરલૅન્ડ સામેની ટી-20 સિરીઝ સુધી રાહ જોશે. જો ત્યાં સુધીમાં સૂર્યાની બૅટિંગમાં સુધારો નહીં થાય તો તેની કૅપ્ટન્સી તો જશે જ, ટીમમાં ખેલાડી તરીકે પણ તે સ્થાન ગુમાવી શકે.
શ્રેયસ ઐયર ડિસેમ્બર, 2023 પછી ભારતની ટી-20 ટીમમાં સ્થાન નથી મેળવી શક્યો, પરંતુ 2024માં કોલકાતાને આઇપીએલમાં ચૅમ્પિયન બનાવવા ઉપરાંત તેની બૅટિંગ સૂર્યકુમાર કરતાં સારી રહી છે. સંજુ સૅમસને અગાઉ રાજસ્થાન રૉયલ્સની કૅપ્ટન્સી જે રીતે સંભાળી હતી એને ધ્યાનમાં રાખીને સિલેક્ટરો તેને કે બીજા કોઈને ભવિષ્યમાં ભારતની ટી-20 ટીમનો સુકાની બનાવી દેશે તો નવાઈ નહીં લાગે.