કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર એ અપડેટ આવી ચૂકી છે, જેની યુઝર્સ ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા. આ અપડેટ આવતા વોટ્સએપ હવે સંપૂર્ણ રીતે બદલી ગયું છે. અત્યાર સુધી કોઈ સાથે ચેટ કરવા માટે વોટ્સએપ પર એનો મોબાઈલ નંબર જરૂરી હતો પણ હવે કંપનીએ માત્ર યુઝરનેમ ફીચર રોલઆઉટ કરીને યુઝર્સને વધુ સુવિધા આપી દીધી છે. આવનારા સમયમાં મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ ચેટ કરવી શક્ય બની રહેશે.
ફીચર આવતા સમય લાગશે
રિપોર્ટ અનુસાર વોટ્સએપ કંપનીએ યુઝરનેમ ફીચર કેટલાક ડીવાઈસ માટે રોલઆઉટ કર્યું હતું. આ એક નવી અપડેટ હતી. એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બન્ને ઑપરેટિંગ સિસ્ટમ માટે તેના પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જોકે આ ફીચર હજુ મોટી સંખ્યામાં યુઝર્સ પાસે આવતા સમય લાગશે.સંપૂર્ણ રીતે આ ફીચર હજુ લૉંચ થવાનું બાકી છે. વોટ્સએપ શરૂ થયું એ સમયથી લઈને અત્યાર સુધીનું આ સૌથી મોટું ફીચર છે. વોટ્સએપના ઈતિહાસમાં આ સૌથી મોટી અપડેટ છે. સૌથી મોટો ફાયદો હવે પ્રોક્સિને લઈને મળી રહેશે.
મોબાઈલ નંબર હવે જરૂરી નથી
અત્યાર સુધી વોટ્સએપથી કોઈ પણ વ્યક્તિ જોડાતો તો મોબાઈલ નંબરની અદલાબદલી કરવી અનિવાર્ય છે. મોબાઈલ નંબર મેળવ્યા બાદ જ કોલ, વિડિયો કોલ કે ચેટ થતી હતી. પણ હવે યુઝરનેમ ફીચર સામે આવતા માત્ર પોતાનો યુઝરનેમ જ એક્સચેન્જ કરવાનું રહેશે. યુઝરનેમ સર્ચબારમાં નાંખતા એ ચેટબોક્સ આવશે અને ફરીથી ચેટ શરૂ કરી શકાશે. આનાથી ફાયદો એ થશે કે, મોબાઈલ નંબર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. મોબાઈલ નંબરને સરળતાથી છૂપાવી શકાશે. આ નવી અપડેટમાં યુઝરે કોઈ બીજા યુઝર સાથે વાત કરતા પહેલા એક યુનિક યુઝરનેમની પસંદગી કરવાની રહેશે.

મેસેજિંગ એક્સપિરિયન્સ બદલશે
કેટલાક ફીચર આ અપડેટમાં ટેલિગ્રામ કે ઈન્સ્ટાગ્રામની જેમ કામ કરશે. યુઝરનેમ જાણતા હશો તો જ ચેટ થશે. યુઝરનેમ સર્ચ કરતા મળી જશે એ પછી જ ચેટ શરૂ કરી શકાશે. આ માટે એક અલગ ડાયલોગ બોક્સ ઑપન થશે.આનાથી એ લોકોને મોટો ફાયદો થશે જે લોકો પોતાનો મોબાઈલ નંબર શેર કરવા માગતા નથી. કંપની હવે મોર્ડન મેસેજિંગ એપ્લિકેશન પ્લેટફોર્મ બનાવવા માગે છે. સિગ્નલ જેવી એપ્લિકેશન પહેલા યુઝરનેમ આધારિત જ હતી, જ્યાં નંબર કોઈને શેર કરવો જરૂરી નથી.
સ્પામ મેસેજનો ભય
આ અપડેટ સાથે કેટલાક સવાલ પણ જોડાયેલા છે. આનાથી સ્પામ મેસેજનો મારો વધી શકે છે.જો કોઈ યુઝર માત્ર યુઝરનેમની મદદથી સર્ચ કરે છે તો અજાણ્યા લોકો સુધી પહોંચવું અને અજાણ્યા લોકોને આપણા સુધી પહોંચવું સરળ બની રહેશે. સૂત્રો દ્વારા માહિતી એ પણ મળી છે કે, આ ફીચર રોલઆઉટ થશે તો એની સાથે વોટ્સએપ પ્રાયવેસી સેટિંગ પણ આપી દેશે. લોક ચેટ નામનું ફીચર આપશે તો અજાણી વ્યક્તિ માત્ર સર્ચ કરી શકશે પણ ચેટ શરૂ કરશે તો કંઈક નોટિફિકેશન કે પરમીશન આવી શકે.
સિક્યોરિટી વધી શકે
બીજી તરફ સર્ચ સેટિંગ ઓપ્શન પણ આવી શકે છે. યુઝરનેમની વિશાળ દુનિયામાં કોણ સર્ચ કરીને તમારા સુધી પહોંચી શકશે આ વસ્તુ પણ કંટ્રોલ કરી શકાશે. સૂત્રો દ્વારા વિગત એવી પણ મળી છે કે, સર્ચ ઑપ્શન આવતા બીજો કોઈ ક્રાઈટેરિયા આપવો જરૂરી રહેશે કારણ કે, કેટલાક કોન્ટેક્ટને ડાયરેક્ટ મેસેજ કરવા માટે જ્યારે આ સર્ચ થશે તો ફરી એ જ પ્રાયવેસીની એરર જનરેટ થઈ શકે છે. મેસેજિંગ કે ચેટ સેટિંગમાં વધુ એક વિકલ્પ મળી શકે છે. લોકચેટ જેવા ઓપ્શનથી માત્ર સર્ચ કરીને જાણી શકાશે પણ ચેટ નહીં થઈ શકે. કારણ કે એ વિક્લ્પમાં લોક ઓપ્શન રહેશે.
પબ્લિક સાથે જોડાતા સરળતા
બિઝનેસ વોટ્સએપ અને ક્રિએટર્સ વર્ગ માટે વોટ્સએપ વધારે ફાયદાકારક રહેશે. હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના વોટ્સએપ નંબરને પબ્લિક કરવા માગતા નથી પણ યુઝરનેમ ફીચર સાથે સરળતાથી જોડાઈને ચેટ પણ કરી શકશે અને મોબાઈલ નંબર પણ છૂપાવી શકશે. જોકે, ફાયદો એ પણ થઈ શકે છે કે, આનાથી એક બ્રાંડ કે બિઝનેસને લઈને પબ્લિક કોમ્યુનિકેશન પણ થઈ શકે છે, જે ચેટબોટની ગરજ સારશે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ મોડ પર છે પણ ટૂંક સમયમાં આ ફીચર રોલઆઉટ થશે એ નક્કી છે.