કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા આવ્યા બાદ અનેક કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે મહિલાઓ માટેની 'લક્ષ્મી ભંડાર' યોજનામાં 30 લાખ ખાતા ખોટા હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. જેના પગલે સીએમ સુવેન્દુ અધિકારીએ તેની તપાસ માટે એસઆઈટી રચનાની જાહેરાત કરી છે.
યોજના હેઠળ લાખો બનાવટી ખાતા બનાવવામાં આવ્યા
આ યોજનામાં સરકારનો આરોપ છે કે પુરુષોએ પણ આ મહિલા-કેન્દ્રિત યોજના માટે અપાયેલા લાભોનો ગેરકાયદે રીતે લાભ લીધો હતો. રાજ્ય સરકારે દાવો લગાવ્યો છે કે આ યોજના હેઠળ લાખો બનાવટી ખાતા બનાવવામાં આવ્યા હતા અને જાહેર ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. જયારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. જે હવે આ મામલાની વ્યાપક તપાસ કરીને સરકારને અહેવાલ સુપત્ર કરશે.
પુરુષોના નામે પણ ભંડોળ ઉપાડવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી જણાવ્યું હતું કે આ ફક્ત છેતરપિંડીનો કેસ નથી. પરંતુ તેમાં મની લોન્ડરિંગ પણ શામેલ હોઈ શકે છે. મુખ્યમંત્રીના મતે ઘણા વ્યક્તિઓ જે આ યોજના માટે લાયક પણ ન હતા તેમણે તેનો લાભ લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલ યોજના હેઠળ પુરુષોના નામે પણ ભંડોળ ઉપાડવામાં આવ્યું હતું.