કોલકાતાઃ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારના કેબિનેટ વિસ્તરણમાં 35 ધારાસભ્યોએ (MLAs) નબાન્નમાં મંત્રી પદના શપથ લીધા છે. અશોક કીર્તનીયા, દીપક બર્મન, તાપસ રોય, ડો. શંકર ઘોષ, મનોજ કુમાર ઓરાંવ, અર્જુન સિંહ, ગૌરી શંકર ઘોષ અને જગન્નાથ ચટ્ટોપાધ્યાયે મંત્રી પદના શપથ લીધા હતા.
શુભેન્દુ સરકારના 35માંથી 13 કેબિનેટ મંત્રી છે. જેમાં અશોક કીર્તનીયા, દીપક બર્મન, તાપસ રોય, ડો. શંકર ઘોષ, મનોજ કુમાર ઓરાંવ, અર્જુન સિંહ, ગૌરી શંકર ઘોષ અને જગન્નાથ ચટ્ટોપાધ્યાયના નામ સામેલ છે. આ સાથે જ, આ 13 કેબિનેટ મંત્રીઓમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, મંત્રી નિશિત પ્રામાણિક, અશોક કીર્તનીયા, દિલીપ ઘોષ, ખુદીરામ ટુડુ અને અગ્નિમિત્રા પોલ પહેલાથી જ મંત્રીમંડળમાં સામેલ છે. આ સાથે સરકારમાં ત્રણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પણ છે, જેમાં સ્વપન દાસગુપ્તા, ડો. કલ્યાણ ચક્રવર્તી અને ડો. શરદ્વત મુખોપાધ્યાયના નામ સામેલ છે.
શુભેન્દુ અધિકારીએ બંગાળમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યભરની મહિલાઓ માટે મફત બસ મુસાફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ભાજપ (BJP) સરકારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીના પોતાના ચૂંટણી વચનને પૂરું કર્યું છે.
મુખ્યમંત્રીએ પોતાની 'X' (ટ્વિટર) પોસ્ટમાં જણાવ્યું છે કે, પહાડોથી લઈને મેદાનો સુધીની મહિલાઓ હવે મફત મુસાફરીના લાભોનો આનંદ લઈ રહી છે. મહિલા સશક્તિકરણને મજબૂત કરવાના ક્ષેત્રમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું પૂર્ણ કરવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યની માતાઓ અને બહેનોએ અમારા પર ભરોસો મૂક્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે (BJP) મહિલાઓ માટે મફત બસ મુસાફરીનું વચન આપ્યું હતું. એ વચનને પૂરું કરતાં, આજથી રાજ્યભરની તમામ મહિલાઓ- પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધીની તમામ સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકે છે. રાજ્ય સરકાર પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા, સામાજિક ગૌરવ, આર્થિક સુરક્ષા અને અધિકારોને સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.
તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને 200થી વધુ બેઠકો મેળવી છે. ત્યારબાદ 9 મેના રોજ શુભેન્દુ અધિકારીએ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે અન્ય પાંચ ધારાસભ્યો- અગ્નિમિત્રા પોલ, નિશિત પ્રામાણિક, દિલીપ ઘોષ, અશોક અને ખુદીરામ ટુડુએ શપથ લીધા હતા.