બંગાળમાં પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં તમામ વર્ગોનું રખાયું ધ્યાનઃ પ્રધાનોની સંખ્યા 41
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળમાં નવી ચુંટાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવાના લગભગ 3 અઠવાડિયા બાદ મુખ્ય પ્રધાન શુભેંદુ અધિકારીએ તેમની કેબિનેટનો વિસ્તાર કર્યો છે. શપથગ્રહણ સમારોહમાં 35 ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ લીધા હતા. આ વિસ્તરણ સાથે રાજ્યમાં પ્રધાનોની કુલ સંખ્યા છથી વધીને 41 થઈ ગઈ છે. 294 સભ્યોની બંગાળ વિધાનસભામાં પ્રધાનોની મહત્તમ સંખ્યા 44 હોઈ શકે છે, તેથી આ નવીનતમ વિસ્તરણ બાદ પણ હજુ 3 પ્રધાનપદ ખાલી છે, પરંતુ મહત્ત્વની વાત એ છે નવી કેબિનેટમાં ઘરકામ કરનારી મહિલાથી લઈને પૂર્વ ક્રિકેટરનો સમાવેશ થાય છે.
આ કેબિનેટ વિસ્તરણમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં 13 કેબિનેટ પ્રધાન, 3 રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) અને 19 રાજ્ય પ્રધાનનો સમાવેશ થાય છે. કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં તપસ રોય, દીપક બર્મન, શંકર ઘોષ, અર્જુન સિંહ, અને સ્વપન દાસગુપ્તા સહિતના 13 નેતાઓ સામેલ છે. જ્યારે માલતી રાભા રોય, ઇન્દ્રનીલ ખાન અને રાજેશ મહેતાએ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે. આ ઉપરાંત અશોક ડિંડા, જોએલ મુર્મુ, આનંદમય બર્મન સહિત અન્ય 19 ધારાસભ્યોને રાજ્યના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
નવા મંત્રીમંડળમાં ઘણા અનોખા અને સંઘર્ષશીલ ચહેરાઓને સ્થાન મળ્યું છે. પૂર્વ બર્દવાનના ઔશગ્રામથી જીતેલાં કલિતા માઝી રાજકારણમાં આવતા પહેલાં ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતા હતા અને તેમની માસિક કમાણી માત્ર 2500 રૂપિયા હતી, તેમને પણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ઉત્તર દિનાજપુરના કરંદીઘીથી જીતેલા 30 વર્ષીય યુવા અને કલકત્તા હાઈ કોર્ટના વકીલ બિરાજ બિસ્વાસ પણ પ્રધાન બન્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડા અને પત્રકારમાંથી રાજનેતા બનેલા સ્વપન દાસગુપ્તા તથા જગન્નાથ ચટ્ટોપાધ્યાયને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
શુભેંદુ અધિકારીની આ કેબિનેટમાં મહિલાઓ અને ઉત્તર બંગાળના પ્રતિનિધિત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કલિતા માઝી, મૌમિતા બિસ્વાસ મિશ્રા, સુમના સરકાર, ગાર્ગી ઘોષ દાસ અને પૂર્ણિમા ચક્રવર્તી જેવી અનેક મહિલા ધારાસભ્યોને પ્રધાન પદ સોંપાયું છે, જ્યારે અગ્નિમિત્રા પોલ અગાઉથી જ કેબિનેટ પ્રધાન છે.
આ ઉપરાંત, ઉત્તર બંગાળમાંથી શંકર ઘોષ, વિશાલ લામા સહિત અનેક નેતાઓને સ્થાન મળ્યું છે. ગત 9 મેના રોજ રચાયેલી આ સરકારના મંત્રીમંડળમાં મતુઆ, રાજવંશી અને આદિવાસી સમાજ સહિત દરેક વર્ગનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.