Thu Jun 18 2026

Logo

આઇપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીયોમાં હવે કોહલી નંબર-વન

2026-03-29 17:11:00
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ આઇપીએલની નવી સીઝનના પહેલા જ દિવસે મૅચ-વિનિંગ અણનમ 69 રન કરવાની સાથે એક અગત્યનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે આઇપીએલના ઇતિહાસમાં ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.

કોહલીએ કે. એલ. રાહુલ (KL Rahul)નો વિક્રમ તોડ્યો છે. જોકે દિલ્હી કૅપિટલ્સની બુધવાર, પહેલી એપ્રિલે લખનઊ સુપર જાયન્ટ્સ સામે જે મૅચ રમાશે એમાં ઓપનર તરીકે રાહુલ સિક્સર (Sixers)નો વરસાદ વરસાવીને કોહલીથી આગળ નીકળી શકશે.

કિંગ કોહલી (Kohli) શનિવાર પહેલાં છેલ્લી ટી-20 2025ની આઇપીએલમાં રમ્યો હતો. ત્યારે તેણે ફાઇનલમાં 35 બૉલમાં 43 રન કરીને ટીમને ઐતિહાસિક ટ્રોફી મેળવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ તે શનિવારે 10 મહિના બાદ જે પ્રથમ મૅચ રમ્યો એમાં તેણે 38 બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 69 રન કર્યા હતા.

 

કોહલીએ આઇપીએલમાં કુલ મળીને 129 મૅચમાં દાવની શરૂઆત કરી છે અને 181 સિક્સર ફટકારી છે. તે આઇપીએલમાં માત્ર આરસીબી વતી રમ્યો છે. તેણે કરીઅરની શરૂઆત મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન તરીકે કરી હતી, પણ પછીથી ઓપનિંગમાં ટૅલન્ટ બતાવવાની શરૂઆત કરી હતી. કોહલીએ ભારતીય ઓપનર્સમાં સૌથી વધુ 179 સિક્સર ફટકારનાર રાહુલને પાછળ રાખી દીધો છે.

રાહુલ સંયમ સાથે વેગપૂર્વક રન બનાવવા માટે જાણીતો છે. તેણે 103 ઇનિંગ્સમાં 179 છગ્ગા ફટકાર્યા છે. `ગબ્બર' તરીકે જાણીતા શિખર ધવને આઇપીએલની 202 ઇનિંગ્સમાં ઓપનિંગ કર્યું હતું જેમાં તેણે કુલ 143 છગ્ગા ફટકાર્યા હતા. `હિટમૅન' રોહિત શર્માએ 117 ઇનિંગ્સમાં ઓપનર તરીકે રમીને 140 સિક્સર ફટકારી હતી.