બેંગ્લૂરુઃ વિરાટ કોહલી મહાન ક્રિકેટર છે અને ભારતીય ક્રિકેટનું તેમ જ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) ટીમનું બહુમૂલ્ય રત્ન છે, પરંતુ કહેવાય છેને કે ક્યારેક ગે્રટ પ્લેયરે પણ સંજોગોને ધ્યાનમાં રાખીને પોતાના નીતિ-નિયમ બદલવા પડતા હોય છે. કિંગ કોહલીએ ગયા વર્ષે આરસીબીના કૅમ્પમાં કહ્યું હતું કે `હું 100 ટકા ફિટ હોઈશ તો જ મૅચમાં રમવા ઉતરીશ અને મને જો ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવાની ફરજ પાડવામાં આવશે તો હું ક્રિકેટ રમવાનું જ છોડી દઈશ.'
કોહલીને દરેક સીઝન રમવા બદલ આરસીબીના ફ્રૅન્ચાઇઝી તરફથી 21 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તે અવ્વલ દરજ્જાનો ફીલ્ડર છે અને તેની ફિટનેસની ક્રિકેટ જગતમાં બોલબાલા છે. જોકે બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં કોહલી (Kohli)એ પોતાના બન્ને નિયમ તોડવા પડ્યા હતા. તે પૂર્ણપણે ફિટ નહોતો છતાં રમ્યો હતો અને ટીમ માટે ઉપયોગી 49 રન કર્યા હતા. બીજું, તે પહેલી જ વખત ઇમ્પૅક્ટ (Impact) પ્લેયર તરીકે રમ્યો. બૅટિંગ શરૂ થઈ ત્યારે કોહલીને સ્પિનર સુયશ શર્માના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મેદાન પર મોકલવામાં આવ્યો હતો.
રોહિત ઇમ્પૅક્ટ પ્લેયર બની ચૂક્યો છે
રોહિત શર્મા ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમનો વિરોધ કરી ચૂક્યો છે. જોકે તેણે આ વખતે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવું પડ્યું છે. તેણે દિલ્હી સામે 35 રન કર્યા પછી તેના સ્થાને મયંક માર્કન્ડે રમ્યો હતો. કોહલી બુધવારે પગની ઘૂંટીમાં ઈજા બાદ પૂરેપૂરો ફિટ ન હોવા છતાં રમ્યો હતો. ખુદ કોહલીએ આરસીબીની જીત બાદ કહ્યું, `હું હજી પણ 100 ટકા ફિટ નથી. (મુંબઈ સામેની) પાછલી મૅચમાં મને ઘૂંટણમાં દુખાવો હતો. ચાર-પાંચ દિવસથી હું શારીરિક રીતે સ્વસ્થ નથી.'
કોહલીએ ગયા વર્ષે શું કહેલું?
કોહલીએ ગયા વર્ષે જાહેરમાં નહોતું કહ્યું, પરંતુ તે આરસીબીના કૅમ્પમાં જે બોલ્યો હતો એની વાત આરસીબીના જ એક ખેલાડીએ એક જાણીતી વેબસાઇટને ઇન્ટરવ્યૂમાં કરી હતી. એ ખેલાડીએ વેબસાઇટને કોહલીનો અભિગમ વ્યક્ત કરતા કહેલું, `વિરાટભૈયાએ કહ્યું હતું કે જબ તક ક્રિકેટ ખેલૂંગા જબ તક મૈં પૂરા ફિટ હૂં. યે ઇમ્પૅક્ટ પ્લેયર કી તરહ નહીં ખેલૂંગા. મૈં શેર કી તરહ ખેલૂંગા.' કોહલીએ આરસીબીના આ સાથી ખેલાડીને એવું પણ કહેલું કે `હું પૂરી 20 ઓવર ફીલ્ડિંગ કરીશ અને પછી બૅટિંગ કરીશ. જે દિવસે મારે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવું પડશે એ દિવસે હું ક્રિકેટ રમવાનું જ છોડી દઈશ.'