Wed Jun 17 2026

Logo

ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો આંચકો: નવમાંથી 6 સાંસદોએ સાથ છોડ્યો, શિંદે જૂથમાં વિલયની તૈયારી

2026-06-17 15:49:01
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજકારણમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે,  જેમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું છે. અગાઉ તૂટેલી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વધુ સાંસદોએ પાર્ટીનો સાથ છોડતા ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ફટકો પડ્યો છે.
શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો આપતા તેમની પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ સાથ છોડીને અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. શિવસેના (UBT)ના આ 6 બળવાખોર સાંસદોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સત્તાવાર પત્ર લખીને સંસદમાં તેમને અલગ જૂથ તરીકે માન્યતા આપવા માંગ કરી છે જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

યુબીટીના હવે માંડ ત્રણ સાંસદ બચ્યાં

આ મોટા બળવા બાદ હવે શિવસેના (UBT)ના 9 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ ઉદ્ધવ ઠાકરે સાથે બચ્યા છે, જ્યારે 6 સાંસદ એકનાથ શિંદે જૂથ તરફ વળી ગયા છે. શિંદે જૂથમાં વિલયની તૈયારી માટે આ સાંસદો સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા છે.  મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરે સાથે મોટો ખેલ થઈ ગયો છે. કારણે તેમના 6 બાકી સાંસદોએ પોતાનું એક અલગ જૂથ બનાવીને શિવસેનામાં વિલય થવાનો નિર્ણય કરી લીધો છે. 

પાટી છોડનારા સાંસદો શિંદે જૂથમાં જશે

આજે સવારે 09:30 વાગ્યાની આસપાસ ઉદ્ધવ ઠાકરેના આ બળવાખોર સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપીને એકનાથ શિંદેની આગેવાની વાળી શિવસેનામાં વિલય કરવાની મંજૂરી માંગી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના આ 6 બળવાખોર સાંસદો નાંદેડ, પુણે અને મુંબઈથી ખાનગી પ્લેન દ્વારા દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે એકનાથ શિંદેની શિવસેનાના એક વરિષ્ઠ નેતા પણ હાજર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, યુબીટીના સાંસદો શિવસેનામાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે એક ટીમ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. એકનાથ શિંદેએ કોઈ પણ કાનૂની ગૂંચવણો ટાળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

બળવો કરનાર સાંસદો કોણ છે?

લોકસભાના સ્પીકરને પત્ર લખીને ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા 6 સાંસદોમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલનું નામ સામેલ છે. 
સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સમાં જ ભાંડો ફૂટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાર્ટીમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતના નિવાસસ્થાને તાકીદની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં અરવિંદ સાવંત, ચીફ વ્હીપ અનિલ દેસાઈ અને નાશિકના સાંસદ રાજાભાઉ જ હાજર રહ્યા હતા. 6 સાંસદોની ગેરહાજરીએ જ સ્પષ્ટ કરી દીધું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ભંગાણ પડી ચૂક્યું છે.

પક્ષ પલટો નહીં છોડવાની સંજય રાઉતની ચીમકી

સાંસદોના બળવા પર આકરા પ્રહારો કરતા સંજય રાઉતે જણાવ્યું છે કે, તમામ 9 સાંસદો અમારી પાર્ટીની ટિકિટ અને ઉદ્ધવ ઠાકરેના નામે જીત્યા છે. ઉદ્ધવ ઠાકરેએ તેમને જીતાડવા માટે દિવસ-રાત એક કર્યા હતા અને પક્ષે તેમને તમામ સંસાધનો આપ્યા હતા. પરંતુ હવે આ જ સાંસદોએ પાર્ટી છોડીને ઉદ્ધવ ઠાકરે સાથે દગો કરી રહ્યાં હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ નેતાઓ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ચિન્હના કારણે જીત્યા છે, પીએમ મોદીના નામના કારણે નહીં! જો આ સાંસદો પક્ષ છોડશે તો કોઈને પણ છોડવામાં આવશે નહીં.