શુભાંગ બ્રહ્મભટ્ટ
‘અવાક અને દિગ્મૂઢ થઈ ગયેલા મારા જેવા ગામડિયા માટે અહીં કોઈ સ્થાન નથી.’
આજથી બરાબર 100 વર્ષ પહેલાં (12 જુલાઈ - 1927) આમંત્રણને માન આપી બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની મુલાકાતે આવેલા મહાત્મા ગાંધીના આ શબ્દો છે. ઇન્સ્ટિટ્યૂટમાં બનેલી ઘટનાઓ પ્રકાશિત કરનારી એક પુસ્તિકામાં આ જાણકારી ઉપલબ્ધ છે. વિજ્ઞાન જ્યારે વિસ્મય વધુ પમાડતું હતું એ સમયની આ વાત છે. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ની વિશાળ પ્રયોગશાળા અને વીજળીનાં સાધનો (લૅબોરેટરીઝ ઍન્ડ ઇલેક્ટ્રિકલ એપરેટ્સ) જોઈ આશ્ર્ચર્યચકિત થયેલા ગાંધીજીએ વિદ્યાર્થીઓ સમક્ષ કરેલી રજૂઆતનો સાર આ પ્રમાણે છે:
‘લાખો લોકોના શ્રમને કારણે આ સંસ્થાની ઇમારત ઊભી થઈ શકી છે. ટાટા અને મૈસુરના રાજાએ કરેલી આર્થિક મદદની રકમ પણ લાખો ગરીબોએ પાડેલા પરસેવાની જ નીપજ છે. મારી દરખાસ્ત છે કે ઇન્સ્ટિટ્યૂટમાં થનારાં સંશોધનોનો મુખ્ય ઉદ્દેશ ગરીબોના કલ્યાણ માટેનો હોવો જોઈએ.’
અહીં થયેલા વિજ્ઞાનનાં વિવિધ સંશોધનનો ઘણો લાભ સામાન્ય જનતાને થયો છે. છેલ્લાં 100 વર્ષમાં ફિઝિક્સ ઍન્ડ મટીરિયલ્સ (નોબેલ પ્રાઇઝ વિજેતા સી. વી. રમણનું ‘રામન ઇફેક્ટ’ સંશોધન), મોલેક્યુલર બાયોફિઝિક્સ, સ્પેસ સાયન્સ (સતીશ ધવન અને ‘ઈસરો’), મેડિસિન્સ ઍન્ડ બાયોટેક્નૉલૉજી (ડીએનએની મદદથી કૅન્સર સેલને અવરોધવું) સહિત અનેક માનવ ઉપયોગી સંશોધનો આ સંસ્થાના નેજા હેઠળ થયાં છે.
રસપ્રદ વાત છે કે 12 જુલાઈ 1898ના દિવસે બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ રામઝીએ પોતાના વિદ્યાર્થી મોરિસ ટ્રેવર્સ સાથે નોબલ ગેસ ઝેનોનની ડિસ્કવરી કરી હતી. આ ગેસ માનવજાત માટે ઘણો ઉપયોગી સાબિત થયો. જોગાનુજોગ ટાટા તરફથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપનામાં સહયોગ કરવા વિલિયમ રામઝીને કહેણ ગયું. રામઝી પોતે ન આવ્યા, પણ મોરિસ ટ્રેવર્સને મોકલી આપ્યો. મિસ્ટર ટ્રેવર્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ડિરેક્ટર નિમાયા અને સંસ્થાના પ્રારંભિક વિકાસમાં પાયાનું કામ કર્યું.
અવકાશી ચાંચિયો... ફ્રિગેટ બર્ડ
પ્રકૃતિના નિયમો હોય છે અને એ અનુસાર સજીવ-નિર્જીવ પદાર્થોની ગતિ થતી હોય છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ જેમાં હાથમાં રાખેલો કોઈ પણ પદાર્થ છોડી દેતાં એ પૃથ્વી પર પડે છે. એ જ રીતે કેમિસ્ટ્રી અને બાયૉલૉજીના અનેક સિદ્ધાંત નિયમ હોય છે, જેનો પરિચય આપણને દૈનિક જીવનમાં થતો રહે છે. વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો સિદ્ધાંત આપ્યો જેમાં પર્યાવરણ, પરિસ્થતિ અને પડકારો અનુસાર પોતાને ઢાળી શકતો જીવ ટકી જાય છે, જે એવું નથી કરી શકતા એ ધીરે ધીરે નામશેષ થઈ જાય છે. ટાપુ વિસ્તારમાં રહેતું અને સમુદ્ર પર કલાકોના કલાક પાંખો વધુ ફફડાવ્યા વિના ઉડાઉડ કરી શકતું ફ્રિગેટ બર્ડ ડાર્વિનના સિદ્ધાંતનું સમર્થન કરે છે.
આ પક્ષીની એક સમસ્યા એ છે કે એનો ખોરાક દરિયાઈ જીવ - વિવિધ પ્રકારની માછલી છે. આ જીવ પાણીની અંદર રહેનારા કે ક્યારેક સપાટી પર તરનારા છે એટલે ખોરાક મેળવવા ફ્રિગેટ બર્ડ માટે પાણીની સપાટી સુધી આવવું જરૂરી છે અને જરૂર પડે એમાં ડૂબકી પણ મારવી પડે. જોકે અહીં સમસ્યા એ છે કે એનાં પીંછાં પાણીના સંપર્કમાં આવતાં એમાં પાણી ભરાઈ જાય છે. એને કારણે એનું વજન વધી જાય છે અને એટલે હવામાં ઊડવું મુશ્કેલ કે જીવલેણ બની જાય છે. આ પરિસ્થિતિમાં ભોજનનો પ્રબંધ કેમ કરવો? ફિશિંગ બોટમાં પડી રહેલી માછલીઓ કે કિનારે તણાઈ આવેલી જેલીફિશ અથવા કરચલો ખાઈ ગુજારો કરી લે છે. જોકે, આ રીતે ખોરાક હંમેશાં ન મળે એટલે આ ફ્રિગેટ બર્ડ હવાઈ ચાંચિયો બની જાય છે. મોમાં ખોરાક સાથે ઊડી રહેલા અન્ય દરિયાઈ પક્ષીનો પીછો કરી તેમના પર એવી રીતે હુમલો કરે છે જેના કારણે એ પક્ષીઓના મોઢામાં રહેલો શિકાર નીકળી જાય છે અને એ પાણીમાં પડે એ પહેલાં ચતુર ફ્રિગેટ બર્ડ એ ઝડપી લઈ ઓહિયાં કરી જાય છે. કુદરત પણ કેવી કેવી કમાલ દેખાડે છે, ખરુંને!
ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે...
વિશ્ર્વવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયર ગુલાબ - રોઝ વિશે વાત કરે (What's in a name? That which we call a rose / By any other name would smell as sweet)ં કે ‘ટાઈટેનિક’ ફિલ્મની જેક ડોસનની પ્રેમિકા રોઝ હોય કે બાગ બગીચામાં ખીલતું ગુલાબ હોય... નામરૂપ જૂજવા અંતે તો રોઝ જ હોય. આપણે ત્યાં ફૂલોના રાજા તરીકે ઓળખાતું ગુલાબ યુરોપમાં ફૂલોની રાણી તરીકે પ્રખ્યાત છે. પ્રેમ વ્યક્ત કરવા ગુલાબનો ઉપયોગ રાજા-મહારાજાઓના સમયથી ચાલતો આવ્યો છે. લાલ રંગને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને એટલે જ પ્રેમ વ્યક્ત કરતી વખતે મોટે ભાગે લાલ રંગનું ગુલાબ પસંદ કરવામાં આવે છે. ગુલાબ સ્વીકાર્યા પછી સાચવી રાખવાનું મન અનેક લોકોને થાય છે.
હવે આ ફૂલ વધુ સચવાય અને અનુભવનો સમય વધુ લંબાય એ માટે વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે. અનેક પ્રયોગ અને તારણ પછી સંશોધકોની દલીલ છે કે ગુલાબની નવી જાત વિકસાવી શકાય એમ છે. ખુશ્બુ, એનું બંધારણ, એની ખીલવાની વિશાળ ક્ષમતા ગુલાબનાં ફૂલોની કેટલીક લાક્ષણિકતા છે. આ બધી ખાસિયત અને લક્ષણને ધ્યાનમાં રાખીને જ ગુલાબનો ઉછેર થાય છે. અલબત્ત, ગુલાબના રંગો કેમ સીમિત રહે છે અથવા અમુક પ્રકારના ગુલાબની ચોક્કસ પ્રકારની જ સુવાસ હોય એવા ગુલાબ કેમ તૈયાર નથી કરી શકતા એ અંગે સંશોધકો પ્રકાશ નથી પાડી શક્યા. જોકે, હવે વધુ સુગંધી, વધુ રંગીન અને વધુ સમય સુધી ટકી શકે એવા ગુલાબનાં ફૂલ તૈયાર કરી શકાશે એવો વિશ્ર્વાસ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રેમનું પ્રતીક ગણાતા આ ફૂલના રંગસૂત્રોમાં ફેરફાર કરીને નવી વરાયટી લાવવામાં સફળતા મળશે એવી માન્યતા દૃઢ બની છે.
ગર્લફ્રેન્ડની-ફ્રેન્ડની વાઈફની-પાડોશણની ઉંમર જાણવી છે?
એજ ઇઝ જસ્ટ અ નંબર - ઉંમર તો એક આંકડો છે. ઉત્સાહ અને ઉમંગ હોય તો ઉંમર જખ મારે એવી ફિલોસોફી તમારા કાને પડી હશે. સાથે સાથે તમે એ પણ વાત સાંભળી હશે કે પુરુષનો પગાર અને સ્ત્રીની ઉંમર ક્યારેય ન પૂછાય. બંને વાતમાં હકારમાં ડોકું ધુણાવ્યું હોવા છતાં નવી ગર્લફ્રેન્ડની કે ફ્રેન્ડની સ્માર્ટ વાઇફની કે સોસાયટી ફંક્શનમાં ફાંકડા લાગતા શ્રીમતી (અન્યનાં)ની ઉંમર જાણવાની તમને - ના, કોઈ પણ પુરુષને ચટપટી થતી હોય તો એ સમજી શકાય એવી વાત છે.
‘તમારી ઉંમર શું’ એવો સીધો સવાલ તો કરી જ ન શકાય, કરવો પણ ન જોઈએ. તેમ છતાં ઉંમર જાણવા મળે તો? મોજેમોજ, તમે કહેશો. ગણિત અને ખાસ તો આંકડાની અજાયબીથી એ શક્ય બને છે. માની લઈએ કે ફ્રેન્ડની વાઇફની ઉંમર જાણવી છે. કોઈ દિવસે ડિનરનો પ્રોગ્રામ બન્યો હોય ત્યારે મેનુમાંથી આઇટમ ઑર્ડર કર્યા પછી તમારે ફ્રેન્ડની વાઇફને કહેવાનું કે આપણે એક નંબર ગેમ રમીએ, મજા આવશે. લગભગ તો ના નહીં પાડે. એને કહેવાનું કે તારા મોબાઇલ નંબરના છેલ્લા બે અંક (ધારો કે 90 છે)ને બે વડે ગુણી નાખ. જવાબ આવશે 180. હવે એમાં પાંચ ઉમેરો. 180 + 5 = 185. બરાબર? સરવાળો કર્યા પછી મળેલી રકમને 50 સાથે મલ્ટીપ્લાય (ગુણકાર) કરવા કહો.
એ કરવાથી જવાબ મળશે 9,250. આ રકમમાં 1,776 ઉમેરવા કહો. સરવાળો કરવાથી 11,026 મળે. આ છેલ્લી રકમમાંથી એનું જન્મવર્ષ માઇનસ (બાદબાકી) કરવા કહો. માની લ્યો કે જન્મવર્ષ 1960 છે તો જવાબ મળશે 9066. હવે તમારે ફ્રેન્ડની વાઇફને કહેવાનું કે 90 તારા મોબાઈલ નંબરના છેલ્લા બે અંક છે અને 66 તારી ઉંમર છે... અલબત્ત, દરેકના અંતિમ જવાબ અલગ અલગ હશે, પણ તમે ઉંમર જાણી ગયા છો એ જાણી મિત્રપત્ની કાં તો શરમાઈ જશે અથવા ગુસ્સો કરશે અથવા તો ‘પ્લીઝ કોઈને કહેતો નહીં’ એમ કહેશે. અને સ્માઇલિંગ ફેસ સાથે તમારે કહી દેવાનું ‘શ્યૉર, ગૉડ પ્રૉમિસ.’