Mon Jun 01 2026

Logo

'સંગીતના સુવર્ણ અધ્યાયનો અંત...' જાણીતા ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન, મહારાષ્ટ્રના CM ફડણવીસે આપી શ્રદ્ધાંજલિ

2026-06-01 08:37:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઇઃ ભારતના જાણીતા અને પીઢ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સંગીત દુનિયાથી લઈને રાજકીય જગત સુધી શોકનું મોજું ફરી વળ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક દિગ્ગજ નેતાઓએ સુમનજીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

સુમન કલ્યાણપુર 'ના ના કરતે', 'આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે અને 'તુમને પુકારા' જેવા સુપરહિટ ગીતો માટે જાણીતા હતા. તેમણે હિંદીની સાથે મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, મૈથિલી, ભોજપુરી સહિત અનેક ભાષામાં ગીતો ગાયા.

"સુમનજીની ખોટ હંમેશા વર્તાશે..."

સુમન કલ્યાણપુરના અવસાન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, દેશે એક એવો દૈવી અવાજ ગુમાવ્યો છે, જેણે છ દાયકા કરતાં વધુ સમય સુધી ભારતના સંગીત વારસાને સમૃદ્ધ બનાવ્યો. તેમના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીત પરની પકડે તેમના ગીતોને ખૂબ જ લોકપ્રિય બનાવ્યા હતા, ખાસ કરીને 1950 અને 1960ના દાયકામાં. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું, 'ભલે તેમના અમર ગીતો હંમેશા આપણી સાથે રહેશે, પરંતુ નમ્ર અને શાલીન સુમનજીની ખોટ હંમેશા વર્તાશે.'

મુખ્યમંત્રી ફડણવીસે સુમન કલ્યાણપુર સાથેની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું, 'સુમનજીએ શરૂઆતમાં પેઇન્ટિંગની તાલીમ લીધી હતી, પરંતુ પાછળથી તેમણે સંગીતને જ પોતાનું જીવન બનાવી લીધું. ત્યારબાદ તેઓ દેશના સૌથી આદરણીય પ્લેબેક સિંગર્સ (પાર્શ્વ ગાયકો) માંના એક બન્યા.'

એકનાથ શિંદેએ કહ્યું- સંગીતનું 'સુમન' કરમાઈ ગયું

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ સુમન કલ્યાણપુરને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, પોતાની સદાબહાર અને મધુર ધૂનોથી ભારતીય સંગીત પર રાજ કરનારા પીઢ ગાયિકાના જવાથી સંગીતનું 'સુમન' (ફૂલ) કરમાઈ ગયું છે.