હૈદરાબાદઃ સોમવારે અહીં રાજસ્થાન રૉયલ્સનો ટીનેજ ખેલાડી વૈભવ સૂર્યવંશી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો, પણ તેણે એક તબક્કે મેદાન પરથી અનાયાસે બધાને હસાવી દીધા હતા.
હૈદરાબાદે કૅપ્ટન ઇશાન કિશનના 91 રનની મદદથી છ વિકેટે 216 રન કર્યા ત્યાર બાદ રાજસ્થાન માત્ર 159 રનમાં આઉટ થઈ જતાં હૈદરાબાદનો 57 રનથી વિજય થયો હતો. મૂળ નાગપુરના પેસ બોલર પ્રફુલ હિન્ગેએ પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. તેની કુલ ચાર વિકેટ અને બીજા નવા પેસ બોલર સાકિબ હુસૈનની ચાર વિકેટ તેમ જ એશાન મલિન્ગાની બે વિકેટની મદદથી હૈદરાબાદે આસાન વિજય મેળવ્યો હતો.
વૈભવ (Vaibhav)માં ઘણી વખત છોકરમત જોવા મળી છે. તે માંડ 15 વર્ષનો છે એટલે સ્વાભાવિક છે કે અનુભવી ખેલાડીઓ જેવું વર્તન તેનામાં ન જ જોવા મળે. બન્યું એવું કે એ દિવસે (સોમવારે) તે બાઉન્ડરી લાઇનની નજીક સાથીઓ માટે ડ્રિન્ક્સ (Drinks) લાવ્યો ત્યારે તેણે મોં પર ટુવાલ (Towel) વીંટાળ્યો હતો. તે કૅમેરાથી પોતાનો ચહેરો છુપાવવા માગતો હતો એટલે તેણે આવું કર્યું હતું જે જોઈને મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકો હસી પડ્યા હતા.
આઇપીએલ જેવી ટી-20ની સર્વોત્તમ સ્પર્ધાત્મક લીગમાં આવી ક્ષણો બધાને હળવા બનાવતી હોય છે. અગાઉ એક વખત ઝીરોમાં આઉટ થતાં વૈભવ રડી પડ્યો હતો. વૈભવ રાજસ્થાનના ડ્રેસિંગ-રૂમમાં પણ અજાણતાં ઘણી બાળલીલા બતાવતો હશે જેનાથી રાજસ્થાનના ખેલાડીઓ હસી પડતાં હશે.