ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હાઇ પ્રોફાઇલ સૂર્યપ્રતાપ હત્યાકાંડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ નવાબ, ફરહાન અને અતિક તરીકે થઈ છે. તેમાંથી નવાબ અસદના પિતા છે. જે વ્યક્તિને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો અને જે આ હત્યા કેસમાં મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે.
આખું ષડયંત્ર નાના વિવાદ બાદ રચવામાં આવ્યું
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હત્યાનું આખું ષડયંત્ર નાના વિવાદ બાદ રચવામાં આવ્યું હતું.તેમજ પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપી ફરહાને અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. ફરહાને પોલીસને જણાવ્યું હતું કે 28 મેના રોજ બપોરે અસદ અને સૂર્યા વચ્ચે બાઇક ચલાવવાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થઈ હતી. જ્યારે અસદે તેના પિતા નવાબ અને ફરહાનને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કર્યા.
અસદના પિતા નવાબે કથિત રીતે તેના પુત્રને ઉશ્કેર્યો
જેની બાદ આ ત્રણ લોકોએ ભેગા થઇને સૂર્યાને પાઠ ભણાવવાનું કાવતરું ઘડ્યું હતું આ કાવતરાના ભાગ રૂપે લગભગ અડધા કલાક બાદ સૂર્યાને નવનીત વિહારની લેન નંબર 4 માં ઘેરી લેવામાં આવ્યો હતો. તેમજ ફરહાને કબૂલ્યું કે તેણે જ અસદને હુમલામાં વપરાયેલ છરી આપી હતી. આ દરમિયાન, ઘટનાસ્થળે હાજર રહેલા અસદના પિતા નવાબે કથિત રીતે તેના પુત્રને ઉશ્કેર્યો હતો.
અસદે સૂર્યા પર છરીથી હુમલો કર્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, તેના પિતાના શબ્દો સાંભળીને અસદે સૂર્યા પર હુમલો કર્યો અને તેના પેટમાં અનેક છરીના ઘા માર્યા હતા. આ અચાનક થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો સૂર્યા રસ્તા પર ઢળી પડ્યો હતો.
મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
ઉલ્લેખનીય છે કે સૂર્ય પ્રતાપ ચૌહાણ હત્યા કેસના મુખ્ય આરોપી અસદ રવિવારે સવારે પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી માટે રૂપિયા 50,000 નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડ બાદ ઘટના બની ત્યારથી સતત ફરાર હતો. એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસ અધિકારીને પણ ઈજાઓ થઈ હતી.